The Great Indian Kapil Show 5: 26 સપ્ટેમ્બરથી ફરી જામશે કપિલનો કોમેડી અડ્ડો, Netflix પર થશે પ્રીમિયર

કપિલ શર્માનો લોકપ્રિય કોમેડી શો નવી સીઝન સાથે પરત આવી રહ્યો છે. જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અને કોણ-કોણ કલાકારો જોવા મળશે.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Sat, 19 Sep 2026 09:41 AM (IST)Updated: Sat, 19 Sep 2026 09:41 AM (IST)
the-great-indian-kapil-show-season-5-release-date-netflix-kapil-sharma-comedy-show

The Great Indian Kapil Show Season 5: કપિલ શર્માના ચાહકો માટે સારા સમાચાર છે. લોકપ્રિય કોમેડી શો ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’ની સીઝન 5ની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. નવી સીઝન 26 સપ્ટેમ્બરથી Netflix પર સ્ટ્રીમ થશે અને દર શનિવારે રાત્રે 8 વાગ્યે નવો એપિસોડ રિલીઝ કરવામાં આવશે.

26 સપ્ટેમ્બરથી શરૂ થશે The Great Indian Kapil Show Season 5

‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’ની પાંચમી સીઝનને લઈને ચાહકોમાં ઉત્સુકતા વધી ગઈ છે. કપિલ શર્માએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મજેદાર પ્રોમો શેર કરીને નવી સીઝનની જાહેરાત કરી છે. આ વખતે શોને ‘કોમેડી કા ત્યોહાર’ તરીકે રજૂ કરવામાં આવી રહ્યો છે. પ્રોમોમાં શોની આખી ટીમ મ્યુઝિકલ અંદાજમાં નવી સીઝનની વાપસીની ઉજવણી કરતી જોવા મળે છે.

નવી સીઝન 26 સપ્ટેમ્બર 2026થી Netflix પર ઉપલબ્ધ થશે. શોના નવા એપિસોડ દર શનિવારે રાત્રે 8 વાગ્યે સ્ટ્રીમ કરવામાં આવશે. એટલે કે હવે વીકએન્ડની શરૂઆત કપિલ શર્માની કોમેડી અને સેલિબ્રિટી મહેમાનો સાથે થઈ શકશે.

નવી સીઝનમાં કપિલ શર્મા સાથે સુનીલ ગ્રોવર, કૃષ્ણા અભિષેક, કીકુ શારદા અને અર્ચના પૂરન સિંહ સહિત શોની જાણીતી ટીમ ફરી જોવા મળશે. આ ઉપરાંત નવજોત સિંહ સિદ્ધુ પણ શોમાં પરત ફરશે. શોના નવા પ્રોમો બાદ ચાહકોમાં આગામી એપિસોડમાં કયા સેલિબ્રિટી ગેસ્ટ જોવા મળશે તેને લઈને પણ ચર્ચા શરૂ થઈ છે.

Netflixએ પણ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર નવી સીઝનને લઈને મજેદાર પોસ્ટ શેર કરી છે. શોને આ વખતે સામાન્ય કોમેડી શો કરતાં વધુ ભવ્ય રીતે ‘કોમેડી કા ત્યોહાર’ તરીકે રજૂ કરવામાં આવી રહ્યો છે.

કપિલ શર્મા પણ નવી સીઝનને લઈને ઉત્સાહિત છે. તેણે જણાવ્યું કે દરેક સીઝન બાદ તેમને લાગે છે કે ઘણી મસ્તી કરી લીધી છે, પરંતુ ત્યારબાદ સમજાય છે કે હજુ ઘણું કરવાનું બાકી છે અને આ જ વાત તેમને આગળ વધવા માટે પ્રેરિત કરે છે.

ઉલ્લેખનીય છે કે ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’ની ચોથી સીઝન આ વર્ષે 14 માર્ચે પૂરી થઈ હતી. હવે થોડા મહિનાના વિરામ બાદ શોની પાંચમી સીઝન સાથે કપિલ શર્મા અને તેની ટીમ ફરી દર્શકોનું મનોરંજન કરવા તૈયાર છે. નવી સીઝનમાં પણ સેલિબ્રિટી ગેસ્ટ, મજેદાર વાતચીત અને કોમેડી સ્કેચ જોવા મળશે.