Music Director Deva Passes Away: તમિલ સિનેમા અને મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. 'થેનિસાઈ થેન્દ્રલ' તરીકે લોકપ્રિય અને તમિલ સિનેમાના દિગ્ગજ સંગીતકાર તથા ગાયક દેવનેસન ચોક્કાલિંગમ (જેઓ 'દેવા' તરીકે ઓળખાતા હતા) નું 75 વર્ષની વયે અવસાન થયું છે. શનિવારે (17 ઓક્ટોબર) સવારે હૃદયરોગના હુમલાને કારણે તેમનું નિધન થયું હતું. તેમના જવાથી સમગ્ર સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
પુત્ર શ્રીકાંત દેવાએ કરી પુષ્ટિ, રજનીકાંતે પાઠવ્યા શ્રદ્ધાસુમન
અહેવાલો અનુસાર, 17 ઓક્ટોબરે સવારે લગભગ 8:30 વાગ્યે ચેન્નાઈની સૂર્યા હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પુત્ર અને જાણીતા સંગીતકાર શ્રીકાંત દેવાએ પિતાના નિધનની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, તેમનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું છે.
સંગીતકાર દેવાના નિધનના સમાચાર મળતા જ ફિલ્મ જગતમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. સુપરસ્ટાર રજનીકાંત વ્યક્તિગત રીતે દેવાના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને દિવંગત સંગીતકારને અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપી હતી. રજનીકાંતના આ મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
ચાર દાયકાની કારકિર્દી અને 400થી વધુ ફિલ્મોમાં સંગીત
20 નવેમ્બર, 1950ના રોજ જન્મેલા દેવાએ તેમની ચાર દાયકા લાંબી શાનદાર કારકિર્દીમાં દક્ષિણ ભારતીય ભાષાઓની 400થી વધુ ફિલ્મોમાં સંગીત આપીને અનોખો ઇતિહાસ રચ્યો હતો. તેમણે ચેન્નાઈની વિશિષ્ટ 'ગાના' પરંપરાને મુખ્ય પ્રવાહના સિનેમા સુધી પહોંચાડવામાં અને તેને લોકપ્રિય બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
દેવાએ પ્રખ્યાત ગુરુ ધનરાજ માસ્ટર પાસેથી પિયાનો વગાડતા શીખ્યું હતું. એ જ ગુરુ જેમણે મહાન સંગીતકાર ઈલૈયારાજાને પણ સંગીતની તાલીમ આપી હતી. આ ઉપરાંત, તેમણે જે. બી. કૃષ્ણા પાસે હાર્મોનિયમ પર ભારતીય શાસ્ત્રીય સંગીતનું જ્ઞાન પણ મેળવ્યું હતું.
'બાશા' અને 'અન્નામલાઈ' જેવી સુપરહિટ ફિલ્મોના સંગીતકાર
દેવાએ સુપરસ્ટાર રજનીકાંતની અનેક બ્લોકબસ્ટર ફિલ્મો માટે યાદગાર સંગીત આપ્યું હતું. જેમાં 1992માં આવેલી ફિલ્મ 'અન્નામલાઈ' તેમજ 1995ની કલ્ટ ક્લાસિક ફિલ્મ 'બાશા' નો સમાવેશ થાય છે. 'બાશા' ફિલ્મનું અત્યંત ઊર્જાસભર પાર્શ્વ સંગીત જેમ કે 'બાશા, બાશા' આજે પણ દર્શકોના દિલમાં જીવંત છે. આ ઉપરાંત, તેમણે ૨૦૦૨માં રિલીઝ થયેલી 'પમ્મલ કે. સંબંધમ' અને 'પંચતંત્રમ' જેવી સફળ ફિલ્મોમાં પણ પોતાના સંગીતનો જાદુ વિખેર્યો હતો.
દેવા માત્ર એક ઉત્કૃષ્ટ સંગીતકાર જ નહોતા, પરંતુ તેમનો પ્રભાવશાળી અવાજ પણ ખૂબ લોકપ્રિય હતો અને તેમણે પોતાની ફિલ્મોમાં કેટલાક અવિસ્મરણીય ગીતો પણ ગાયા હતા. તેમના સંગીતમય વારસાને હંમેશા યાદ રાખવામાં આવશે.
