TMKOC: 'તારક મહેતા કા..' સીરિયલને વધુ એક ફટકો, હવે આ જાણીતી એક્ટ્રેસે શૉ છોડતાં મેકર્સ પર લગાવ્યો આરોપ- કહ્યું- 'હવે બહું થયું'

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ગોકુલધામ સોસાયટીની મહિલા મંડળ સાથે જોવા મળતી અભિનેત્રી પ્રાજક્તા શિસોદે શાકભાજી વેચતી બાઈ સુનિતાની ભૂમિકા ભજવતી હતી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 07 Dec 2025 04:03 PM (IST)Updated: Sun, 07 Dec 2025 04:03 PM (IST)
taarak-mehta-ka-ooltash-chashmah-prajakta-shisode-quits-tmkoc
HIGHLIGHTS
  • પ્રાજક્તાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઉભરો ઠાલવી શૉ છોડ્યો
  • હું મારી મહિલા મંડળની ટીમને ખૂબ જ મિસ કરીશ: પ્રાજક્તા શિસોદે

TMKOC: છેલ્લા 17 વર્ષથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (TMKOC) દર્શકોને ભરપુર મનોરંજન પુરુ પાડી રહ્યું છે. આ શૉના દરેક પાત્રો ઘરે-ઘરે જાણીતા છે, ત્યારે અત્યાર સુધીમાં અનેક કલાકારો આ શૉને છોડી ચૂક્યા છે અને તેમની જગ્યાએ નવા કલાકારો ગોઠવાઈ ગયા છે. હવે આવું કરવામાં વધુ એક પ્રાજક્તા શિસોદે નામની કલાકારનું નામ પણ જોડાઈ ચૂક્યું છે.

હકીકતમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ગોકુલધામ સોસાયટીની મહિલા મંડળ સાથે જોવા મળતી અભિનેત્રી પ્રાજક્તા શિસોદે શાકભાજી વેચતી બાઈ સુનિતાની ભૂમિકા ભજવતી હતી. જે હંમેશા ગોકુલધામ સોસાયટીમાં શાકભાજી વેચવા માટે આવતી હતી. જો કે હવે પ્રાજક્તાએ આ શૉ સાથે છેડો ફાડી દીધો છે. આ બાબતની જાણકારી પ્રાજક્તાએ ઈન્સ્ટાગ્રામમાં એક પોસ્ટ મૂકીને આપી છે. આ સાથે જ પ્રાજક્તાએ શૉના મેકર્સ દ્વારા પોતાનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે.

પ્રાજક્તાએ ઈન્સ્ટાગ્રામ પર શૉ છોડવા માટેના અનેક કારણો જણાવ્યા છે. પ્રાજક્તાએ જણાવ્યું કે, તે એવી જગ્યાએ કામ નથી કરી શકતી, જ્યાં તેનું અપમાન થતું હોય. મારી સાથે ગેરવર્તણૂંક થતી હોય.

પ્રાજક્તાએ પોતાના પાત્રની તસવીર સાથે લખ્યું છે કે, તમારે એવા લોકો સાથે ક્યારેય કામ ના કરવું જોઈએ, જેઓ તમારી લાગણીની કદર ના કરતા હોય અને તમારા સ્વાભિમાનને ઠેસ પહોંચાડતા હોય. આ સુનિતાના પાત્ર માટે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો આભાર. હું મારી મહિલા મંડળની ટીમને ખૂબ જ મિસ કરીશ.

આ સાથે જ પ્રાજક્તાએ કેપ્શનમાં લખ્યું છે કે, હવે બહુ થયું. આ સાથે જ હાથ જોડતા ત્રણ આઈકોન પણ બનાવ્યા છે. એક્ટ્રેસ અગાઉ એ તુલજા ભવાની અને મટકા કિંગ જેવી ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે.

પ્રાજકતા શિસોદે સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાના ફેન્સ સાથે કનેક્ટેડ રહે છે. પ્રાજક્તાના શો઼ છોડવાની પોસ્ટ પર યુઝર્સે લખ્યું કે, હવે તેઓ 'અકુ બાઈ' ડાયલૉગને યાદ કરશે. કેટલાક યુઝર્સે સુનિતાને પોતાની પસંદગીનું પાત્ર પણ ગણાવ્યું છે.