Gujarati Movie Superkaand Teaser: આજના સમયમાં ફિલ્મોના પ્રમોશન અને માર્કેટિંગ માટે અવનવા પ્રયોગો થતા જોવા મળે છે, પરંતુ ગુજરાતી સિનેમા જગતમાં તાજેતરમાં એક એવો અનોખો કિસ્સો સામે આવ્યો છે જેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે. આવનારી બહુપ્રતિક્ષિત ગુજરાતી ફિલ્મ 'સુપરકાંડ' (Superkaand) ની સ્ટારકાસ્ટે થિયેટરમાં ચાલુ ફિલ્મે અન્ય ફિલ્મ અટકાવીને અચાનક જ પોતાની ફિલ્મનું ટીઝર લોન્ચ કરી દીધું હતું. માર્કેટિંગ ક્ષેત્રે આ પ્રકારનો નવતર અને સાહસિક પ્રયોગ આ પહેલાં ક્યારેય જોવા મળ્યો નથી.
ફિલ્મ અટકાવી દર્શકોને ટીઝર બતાવ્યું
ચાલુ ફિલ્મે અચાનક સ્ક્રીન પર 'સુપરકાંડ'નું ટીઝર શરૂ થઈ જતાં એક ક્ષણ માટે દર્શકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જોકે, આ બોલ્ડ અને આક્રમક પ્રમોશનલ સ્ટંટને લઈને સોશિયલ મીડિયા પર અને ફિલ્મ વર્તુળોમાં ચર્ચા જાગી છે કે આ રીતે અન્ય ફિલ્મના શોમાં દખલગીરી કરીને પોતાની ફિલ્મનું ટીઝર લોન્ચ કરવું કેટલું યોગ્ય ગણાય?
આ વિવાદ વચ્ચે પણ દર્શકોને 'સુપરકાંડ'નું ટીઝર ખૂબ જ પસંદ આવી રહ્યું છે. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આ પ્રકારના આઉટ-ઓફ-ધી-બોક્સ અને હટકે કન્સેપ્ટને પ્રેક્ષકોએ ઉત્સાહપૂર્વક વધાવી લીધો છે. ટીઝરના ધમાકેદાર દ્રશ્યોએ પ્રેક્ષકોમાં આ ફિલ્મ જોવા માટેનો ઉત્સાહ અને ઉમંગ બમણો કરી દીધો છે. આ ફિલ્મ 1 જાન્યુઆરી 2027 ના રોજ નવા વર્ષના ટાણે સમગ્ર દેશના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.
સ્ટાર કાસ્ટ વિશે જાણો
જલારામ ફિલ્મ્સ (Jalaram Films) દ્વારા પ્રસ્તુત અને મરકટ બ્રધર્સ (Marrkat Bros) પ્રોડક્શન હેઠળ બનેલી આ ફિલ્મમાં ગુજરાતના જાણીતા અને લોકપ્રિય કલાકારોની મોટી ફોજ જોવા મળશે.
- દિગ્દર્શન અને લેખન: આ ફિલ્મનું દિગ્દર્શન ઋષભ થાનકી દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે વાર્તાનું લેખન મનિન ત્રિવેદી અને ઋષભ થાનકીએ સંયુક્ત રીતે કર્યું છે.
- મુખ્ય સ્ટારકાસ્ટ: ફિલ્મમાં પાર્થ મધુક્રિષ્ના, અર્ચન ત્રિવેદી, મકરંદ શુક્લ, સોહની ભટ્ટ, મનિન ત્રિવેદી, કરણ ભારત પટેલ, સતિષ ભટ્ટ, ભૌતિક ઓઝા, પ્રતિભા ટિકુ, તારલ ઓઝા, ભાવિક દવે અને જીગીશા ત્રિવેદી જેવા દિગ્ગજ કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
- બેકહાઇન્ડ ધ સીન્સ: ફિલ્મના સિનેમેટોગ્રાફર (DOP) ધ્રુપદ શુક્લ છે અને એડિટિંગ પૂજન દ્વારા કરવામાં આવ્યું છે. સંગીત પાર્થ, ઉમંગ અને ડો. નિતિન માધા દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. ફિલ્મના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર ધવલ છે, જ્યારે ફિલ્મનું ડિસ્ટ્રિબ્યુશન રૂપમ એન્ટરટેઇનમેન્ટ દ્વારા અને ડિજિટલ તથા ક્રિએટિવ માર્કેટિંગ બઝમોંક, કુલદીપ ઠક્કર અને ટાફ મીડિયા દ્વારા કરવામાં આવ્યું છે.
