Yeh Prem Mol Liya: બોલિવૂડમાં પારિવારિક અને સંસ્કારી ફિલ્મો બનાવવા માટે જાણીતા દિગ્દર્શક સૂરજ બડજાત્યા ફરી એકવાર દર્શકોનું મનોરંજન કરવા તૈયાર છે. આ વર્ષની સૌથી બહુપ્રતીક્ષિત ફિલ્મોમાં સામેલ તેમની આગામી ફિલ્મ 'યે પ્રેમ મોલ લિયા' (Yeh Prem Mol Liya) નું બુધવારે મુંબઈમાં ભવ્ય ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના અને શર્વરી વાઘ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે, જ્યારે અનુપમ ખેર, સુપ્રિયા પાઠક અને સીમા પાહવા જેવા દિગ્ગજ કલાકારો પણ મહત્વના રોલમાં છે. ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં ફિલ્મની સંપૂર્ણ સ્ટારકાસ્ટ અને ક્રૂ હાજર રહ્યા હતા.
એક્શન ફિલ્મો વચ્ચે પારિવારિક ફિલ્મ બનાવવા પર સૂરજ બડજાત્યાનું નિવેદન
ઇવેન્ટ દરમિયાન સૂરજ બડજાત્યાને પૂછવામાં આવ્યું કે જ્યારે બોક્સ ઓફિસ પર 'ધુરંધર' અને 'પુષ્પા' જેવી હાઈ-વોલ્ટેજ એક્શન ફિલ્મોનો દબદબો છે, ત્યારે તેમણે 'યે પ્રેમ મોલ લિયા' જેવી રોમેન્ટિક અને પારિવારિક ફિલ્મ બનાવવાનો નિર્ણય કેમ લીધો?
આ સવાલનો અત્યંત સરળ અને રસપ્રદ જવાબ આપતા સૂરજ બડજાત્યાએ કહ્યું, "આપણને આપણી થાળીમાં અલગ-અલગ પ્રકારનું ભોજન જોઈએ છે. 'ધુરંધર' એક શાનદાર ફિલ્મ છે. પરંતુ જેમ સવારે આપણે ભજન સાંભળીએ છીએ, બપોરે આરામ જોઈએ છીએ અને સાંજે નાસ્તો જોઈએ છીએ, તેમ ભલે 'ધુરંધર' જેવી ફિલ્મો હોય, પરંતુ 'યે પ્રેમ મોલ લિયા' જેવી ફિલ્મોની પણ જરૂર છે." તેમણે હળવા અંદાજમાં ઉમેર્યું કે, "મને તો માત્ર આ જ પ્રકારની ફિલ્મો બનાવતા આવડે છે, તો હું બીજું શું કરું?"
સલમાન ખાનથી બેહતર કોઈ 'પ્રેમ' હોઈ જ ન શકે: આયુષ્માન ખુરાના
સૂરજ બડજાત્યાની ફિલ્મોમાં 'પ્રેમ'નું પાત્ર હંમેશા આઇકોનિક રહ્યું છે. જ્યારે આયુષ્માન ખુરાનાને તેના ફેવરિટ 'પ્રેમ' વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે સલમાન ખાનનું નામ લીધું હતું. આયુષ્માને કહ્યું, "સલમાન ભાઈથી બેહતર પ્રેમ કોઈ હોઈ જ ન શકે. તેમનું લોન્ચિંગ જ 'પ્રેમ'ના પાત્રથી થયું હતું. મને લાગે છે કે 'પ્રેમ' બનવું એ એક બહુ મોટી જવાબદારી છે. તેના માટે તમારે ખરેખર સમજવું પડે છે કે એક પરફેક્ટ મેન કેવો હોય છે."
ફિલ્મની વાર્તા અને રિલીઝ ડેટ
'યે પ્રેમ મોલ લિયા' પ્રેમ (આયુષ્માન) અને પૂર્વા (શર્વરી) ની અનોખી પ્રેમકથા છે. બંને પ્રેમમાં પડે છે અને લગ્ન કરે છે, પરંતુ લગ્ન બાદ પોતાની પારિવારિક જવાબદારીઓને કારણે પૂર્વા પોતાનું ઘર છોડી શકતી નથી. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે પ્રેમ પોતાના પરિવાર સાથે પૂર્વાના ઘરે રહેવા જવાનો નિર્ણય લે છે. હાસ્ય, લાગણી અને પારિવારિક મૂલ્યોથી ભરપૂર આ ફિલ્મ 27 નવેમ્બર, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
