Sonu Nigam performing during surgery: ભારતના મશહૂર અને લોકપ્રિય પ્લેબેક સિંગર સોનુ નિગમ પોતાના કામ, સંગીત અને કળા પ્રત્યેના અજોડ સમર્પણ માટે જાણીતા છે. તાજેતરમાં તેમની આ અદ્ભુત દીવાનગી અને હિંમતનો એક અનોખો નમૂનો હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાંથી સામે આવ્યો છે. ગંભીર બીમારી અને સર્જરીના અસહ્ય દર્દ વચ્ચે પણ સંગીત પ્રત્યેનો તેમનો પ્રેમ સહેજ પણ ઓછો થયો નહોતો. ઓપરેશન ટેબલ પર સૂતા સૂતા જ તેમણે ડોક્ટરોની આખી ટીમ માટે એક શાનદાર ગીત લાઈવ ગાઈને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
સોનુ નિગમે સોશિયલ મીડિયા પર હોસ્પિટલના બેડ પરથી પોતાનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓ ઓપરેશન થિયેટરમાં સર્જરી દરમિયાન ગીત ગાતા નજરે પડે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ડોક્ટરોની નિષ્ણાત ટીમ તેમના હાથની સર્જરી કરી રહી છે અને તે જ સમયે સોનુ નિગમ કોઈ પણ જાતના ડર કે ગભરાટ વિના, પીડાની વચ્ચે પણ મધુર અવાજે ગાઈ રહ્યા છે. તેમણે વર્ષ 1949 માં રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ 'દુલારી' નું મહાન ગાયક મોહમ્મદ રફી સાહેબનું સુપ્રસિદ્ધ ગીત 'સુહાની રાત ઢલ ચૂકી હૈ, ના જાણે તુમ કબ આઓગે' ગાયું હતું. આ કાલજયી ક્લાસિક ગીત ભલે 77 વર્ષ જૂનું હોય, પરંતુ આજે પણ તેનો જાદુ અકબંધ છે. ઓપરેશન થિયેટરમાં હાજર તમામ ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ પણ સોનુ નિગમના અવાજના જાદુમાં ખોવાઈ ગયા હતા.
ગાયકે આ વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું હતું કે, સર્જરી દરમિયાન આદરણીય ડોક્ટર નીલેશ સતભાઈ અને તેમની વ્હાલી ટીમ માટે આ એક અણધારી અને ખાસ રજૂઆત હતી. તેમણે આ ક્ષણને પોતાના માટે 'સંગીતનો સાચો આનંદ' ગણાવી હતી.
ઉલ્લેખનીય છે કે, સોનુ નિગમ છેલ્લા કેટલાક સમયથી નસોની એક અત્યંત પીડાદાયક સમસ્યાનો સામનો કરી રહ્યા છે, જેના કારણે તેમણે અનેક એમઆરઆઈ અને સીટી સ્કેન કરાવવા પડ્યા છે. આ અગાઉ પણ તેમણે ચાહકોને જણાવ્યું હતું કે ફિઝિયોથેરાપી તેમના માટે અત્યંત દર્દનાક અનુભવ રહ્યો છે અને તેઓ હાલમાં પેઇનકિલર્સ દવાઓ પર નિર્ભર છે.
જોકે, આ સર્જરી ચોક્કસ કઈ બીમારી કે સમસ્યા માટે કરવામાં આવી છે તેની સત્તાવાર વિગતો હજુ સામે આવી નથી. સોનુ નિગમનો આ વીડિયો વાયરલ થતાં જ સંગીત જગતના સાથી કલાકારો અને તેમના અસંખ્ય ચાહકો ચિંતામાં મુકાઈ ગયા છે અને તેમના ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે. 'કલ હો ના હો', 'અભી મુજ મેં કહીં' અને 'સાથિયા' જેવા કાલજયી હિટ ગીતો આપનાર આ સુપરસ્ટાર સિંગર ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ હિંમત ન હારવા માટે જાણીતા છે.
