Kinjal Dave Mahakal Ujjain Visit: ગુજરાતની લોકપ્રિય સિંગર કિંજલ દવે અવારનવાર ધાર્મિક સ્થળોની મુલાકાત લેતી હોય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેના પર ભગવાન શિવ એટલે કે બાબા મહાકાલની વિશેષ કૃપા વરસતી જોવા મળી રહી છે. કિંજલ દવેએ તાજેતરમાં જ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર એક અત્યંત ભાવુક અને આધ્યાત્મિક પોસ્ટ શેર કરી છે. કિંજલે જણાવ્યું છે કે તેણે છેલ્લા 14 મહિનાના ગાળામાં એક વર્ષની અંદર જ 3 વખત મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ જ્યોતિર્લિંગ બાબા મહાકાલના દર્શન કર્યા છે. આ આધ્યાત્મિક યાત્રાની યાદો શેર કરતાની સાથે જ તેણીએ એક ખૂબ જ ઊંડી હિન્દી કવિતા પણ લખી છે, જે ચાહકો વચ્ચે ભારે ચર્ચાનો વિષય બની છે.
કવિતા દ્વારા વ્યક્ત કર્યો જિંદગીનો ઉતાર-ચઢાવ
કિંજલ દવેએ શેર કરેલી કવિતામાં ભક્તિની સાથે સાથે જીવનના સખત સંઘર્ષ અને દિલ તૂટવાની વેદના પણ સ્પષ્ટપણે ઝળકે છે. કવિતાની શરૂઆતમાં કિંજલે મહાકાલના આશીર્વાદ અને પુત્રી જેવા મળેલા પ્રેમનો ઉલ્લેખ કર્યો છે, પરંતુ વચમાં આવતી પંક્તિઓ ઘણી સૂચક છે: "જો માંગા, વહી વરદાન દિયા, ક્યા મેરી તકદીર હૈ!! દેકર ફિર અસલી ચેહરા દિખાયા, ક્યા મેરી તકદીર હૈ !!"
કવિતામાં આગળ કિંજલે લખ્યું છે કે, એક ક્ષણ એવી આવી જ્યારે તે અંદરથી સંપૂર્ણપણે તૂટી અને વિખેરાઈ ગઈ હતી, અને તેણે મહાદેવને જ પૂછ્યું હતું કે 'શું આ મારી તકદીર છે?'. લોકો કહે છે કે મહાકાલ સમય બદલી નાખે છે. કિંજલના મતે, બાબા મહાકાલ તેની નીયત (ઈરાદો) અને નિયતિ (નસીબ) બંને જાણે છે. આ મુશ્કેલ સમયમાંથી પસાર કરીને મહાદેવે તેને ચંચળમાંથી શાંત અને અધીરમાંથી ધૈર્યવાન (ધીરજવાળી) બનાવી દીધી છે.
'હવે ડર છીનવાઈ ગયો છે, શિવ જ મારી તકદીર છે'
પોતાની આધ્યાત્મિક સફરના અંતિમ પડાવ વિશે લખતા કિંજલે જણાવ્યું કે, હવે તેના દિલમાં અદભુત સુકૂન છે અને મહાદેવે તેનો બધો જ ડર છીનવી લીધો છે. જે મળ્યું છે તેમાં તે મસ્ત છે અને જે નથી મળ્યું તેનો હવે કોઈ અફસોસ કે ગમ નથી. કિંજલે સંપૂર્ણ શરણાગતિ સ્વીકારતા લખ્યું છે કે, "હવે મહાદેવ તમારી હર રઝા (મરજી) મંજૂર છે, શિવ જ મારી તકદીર છે." તેણીએ પ્રાર્થના કરી છે કે હવે પછીના દરેક જન્મમાં મહાદેવ પોતે જ તેનું નસીબ લખે.
14 મહિનાની યાત્રાએ બદલી નાખી જિંદગી
સોશિયલ મીડિયા પર આ સુંદર તસવીરો અને કવિતા શેર કરવાની સાથે કિંજલ દવેએ અંગ્રેજીમાં એક હૃદયસ્પર્શી નોટ પણ લખી છે. તેણે લખ્યું, "એક વર્ષમાં મહાકાલની ત્રણ મુલાકાતો. પ્રત્યેક મુલાકાત મારી જિંદગીમાં નવા પાઠ, નવી શક્તિ અને એક નવો દ્રષ્ટિકોણ લઈને આવી છે. જ્યારે હું પાછું વળીને જોઉં છું, ત્યારે મને સમજાય છે કે છેલ્લા 14 મહિનામાં મારું જીવન કેટલું બદલાઈ ગયું છે. આ સફરના દરેક આશીર્વાદ, દરેક પડકાર અને દરેક કદમ માટે હું બાબા મહાકાલની આભારી છું. હર હર મહાદેવ!"
કિંજલ દવેની આ ભાવવિભોર કરનારી પોસ્ટ પર તેના ચાહકો અને સાથી કલાકારો સતત કમેન્ટ્સ કરી રહ્યા છે અને 'હર હર મહાદેવ' ના નારા લગાવી રહ્યા છે. લોકો કિંજલની આ અદભુત શ્રદ્ધા અને પરિપક્વતાની ભારે પ્રશંસા કરી રહ્યા છે.
