કોમેડિયન શ્યામ રંગીલાએ ઝાલાના જગંલમાં જઇને ત્યાં તેણે PM નરેન્દ્ર મોદીની નકલ કરતો વીડિયો બનાવ્યો. શ્યામ રંગીલાએ ત્યાં નીલગાયને ખોરાક ખવડાવ્યો અને વીડિયો બનાવીને શેર કર્યો. જેના પર વન વિભાગે શ્યામ રંગીલાને નોટિસ મોકલી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અવાજ અને તેમના જેવી સ્ટાઇલન નકલ કરીને ફેમસ થયેલા કોમેડિયન શ્યામ રંગીલાની મુશ્કેલઓ વધી ગઈ છે. બધા જાણે છે કે શ્યામ વડાપ્રધાનની બરાબર નકલ કરે છે, તેમનો અવાજ કાઢે છે. પરંતુ આ વખતે આમ કરવાથી તેના માટે મુશ્કેલી ઉભી થઈ છે. શ્યામ રંગીલાએ તાજેતરમાં જ જયપુરના ઝાલાના જંગલમાં જઈને એક નીલગાયને ખવડાવી અને વીડિયો બનાવ્યો.
વન વિભાગે શ્યામ રંગીલાને નોટિસ મોકલી
તેનો વીડિયો વાયરલ થયા બાદ રાજસ્થાનના વન વિભાગે નોટિસ જારી કરીને રંગીલાને સમન્સ પાઠવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે શ્યામ સામે વન્યજીવ સંરક્ષણ અધિનિયમનું ઉલ્લંઘન કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી શકે છે. પ્રાદેશિક વન અધિકારી દ્વારા શ્યામ રંગીલાને આ નોટિસ મોકલવામાં આવી છે.

શ્યામ PM મોદી જેવા લુકમાં જોવા મળ્યો
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ટાઈગર પ્રોજેક્ટના 50 વર્ષ પૂરા થવા પર પીએમ મોદી કર્ણાટકના મુદુમલાઈ અને બાંદીપુર ટાઈગર રિઝર્વ પહોંચ્યા હતા. જ્યાં મોદી કેપ, ચશ્મા પહેરેલા જોવા મળ્યા હતા. તેનો લુક ઘણો વાયરલ થયો હતો. તેના હાથમાં દૂરબીન પણ હતું. PM મોદીની આ મુલાકાતની તર્જ પર શ્યામ રંગીલાએ ઝાલાના જંગલની સફર કરી હતી.
શ્યામે આ વીડિયો તેની યુટ્યુબ ચેનલ પર અપલોડ કર્યો હતો
મોદીની જેમ શ્યામ રંગીલા પણ હાથમાં દૂરબીન લઈને ચશ્મા અને કેપ પહેરેલા જોવા મળ્યા હતા. શ્યામ રંગીલાએ નીલગાયને ખવડાવી હતી, જેનો વીડિયો વાયરલ થયો હતો. 13 એપ્રિલના રોજ, ઝાલાના દીપડા રિઝર્વનો આ વીડિયો શ્યામે તેની યુટ્યુબ ચેનલ પર અપલોડ કર્યો હતો. વન્ય પ્રાણીઓને ખોરાક ખવડાવવાથી અનેક પ્રકારની ગંભીર બીમારીઓ થાય છે. એટલું જ નહીં તેનો જીવ પણ જોખમમાં આવી શકે છે. આ અંગે ઝાલાના જંગલમાં ચેતવણીની માહિતી આપતા બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. પરંતુ શ્યામ રંગીલાએ તેની અવગણના કરીને આવું કૃત્ય કર્યું હતું.
