Sara Ali Khan Family Tree: સારા અલી ખાન હાલમાં રિલીઝ થયેલી તેની ફિલ્મ 'મેટ્રો ઈન દિનોં'ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેની સાથે આદિત્ય રોય કપૂર છે. 29 વર્ષીય સારા અલી ખાને તેની ફિલ્મી કરિયરની શરૂઆત 2018 માં કરી હતી. અત્યાર સુધી તેણે દસેક જેટલી ફિલ્મોમાં કામ કર્યું છે. નવાબોના પરિવારમાંથી આવતી સારા અલી ખાને તેની મહેનતથી ઈન્ડસ્ટ્રીમાં તેની ઓળખ બનાવી છે. ત્યારે ચાલો જાણીએ તેના પરિવાર વિશે...
સારા અલી ખાન એ છોટે નવાબ તરીકે જાણીતા એક્ટર સૈફ અલી ખાનના દીકરી છે. 2011 માં મન્સૂર અલી ખાનના નિધન બાદ સૈફ અલી ખાનને પટૌડી પરિવારના 10મા નવાબની ઉપાધિ મળી હતી.
ઇફ્તિખાર અલી ખાન-સાજીદા સુલતાન
પટૌડીના પરિવારના મૂળમાં જઈએ તો સારા અલી ખાનના પરદાદા એટલે કે સૈફ અલી ખાનના દાદા ઇફ્તિખાર અલી ખાન એક પ્રખ્યાત ક્રિકેટર હતા. 1910 ના રોજ દિલ્હી નજીક એક બિન-રજવાડા રાજ્યમાં તેમનો જન્મ થયો હતો, જે હવે હરિયાણા તરીકે ઓળખાય છે. તેમના લગ્ન ભોપાલની બેગમ સાજીદા સુલતાન સાથે થયા હતા. તેઓ ભારત અને ઇંગ્લેન્ડ માટે રમનારા એકમાત્ર ટેસ્ટ ક્રિકેટર હતા. 1946 માં તેઓ ભારતીય ટીમના કેપ્ટન હતા. 5 જાન્યુઆરી 1952 ના રોજ તેમનું નિધન થયું હતું.
મન્સૂર અલી ખાન-શર્મિલા ટાગોર
હવે પિતાની જેમ જ સૈફ અલી ખાનના પિતા અને સારા અલી ખાનના દાદા મન્સૂર અલી ખાન ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન હતા . તેમનો જન્મ ભોપાલમાં થયો હતો. સૈફના પિતા મન્સૂર અલી ખાન અથવા એમએકે પટૌડી તરીકે પણ જાણીતા હતા. મન્સૂર અલી ખાનનું ઉપનામ ટાઇગર પટૌડી હતું . તેમને પટૌડીના નવાબ કહેવામાં આવતા હતા. તેઓ ખૂબ જ લોકપ્રિય ચહેરો હતા. મન્સૂર અલી ખાને તેમના સમયની પ્રખ્યાત અભિનેત્રી શર્મિલા ટાગોર સાથે લગ્ન કર્યા હતા.
શર્મિલા ટાગોરનું રવિન્દ્રનાથ ટાગોર કનેક્શન
સૈફની માતા શર્મિલાએ લગ્ન પછી ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો અને પોતાનું નામ બદલીને બેગમ આયશા સુલતાના ખાન રાખ્યું. શર્મિલાના પરદાદા ગગનેન્દ્રનાથ ટાગોર રવીન્દ્રનાથ ટાગોરના ભત્રીજા હતા. શર્મિલાના દાદી રવીન્દ્રનાથ ટાગોરના ભાઈ દ્વિજેન્દ્રનાથ ટાગોરના પૌત્રી હતા.
મન્સૂર અલી ખાન-શર્મિલા ટાગોર પરિવાર
મન્સૂર અલી ખાન અને શર્મિલા ટાગોરને 3 સંતાન છે. સૈફ અલી ખાન, સબા અલી ખાન અને સોહા અલી ખાન. સબા ફિલ્મી દુનિયાના ધમાલથી દૂર રહેવાનું પસંદ કરે છે. સબાને ફોટોગ્રાફી, જ્વેલરી ડિઝાઇનિંગ અને ટેરો કાર્ડ વાંચનમાં રસ છે . તે શર્મિલા અને મન્સૂર અલી ખાનની એકમાત્ર સંતાન છે જેણે ફિલ્મોમાં પ્રવેશ કર્યો નથી. જ્યારે સોહા અલી ખાને ફિલ્મોમાં પોતાનું નસીબ અજમાવ્યું છે. તેણીએ 'દિલ માંગે મોરે ', 'રંગ દે બસંતી' , 'તુમ મિલે' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તેના લગ્ન મહાન અભિનેતા 'કુણાલ ખેમુ' સાથે થયા છે અને બંનેને એક પુત્રી ઇનાયા છે.
પ્રથમ સંતાન સૈફ અલી ખાન વિશે વાત કરીએ તો પ્રારંભિક શિક્ષણ હિમાચલમાંથી મેળવ્યું અને આગળનો અભ્યાસ યુકેમાંથી કર્યો. પહેલા તેણે એક જાહેરાત કંપનીમાં કામ કર્યું , પછી થોડા સમય પછી નોકરી છોડી દીધી અને તેની માતાની જેમ બોલીવુડમાં પોતાનું નસીબ અજમાવવાનું નક્કી કર્યું . અત્યાર સુધી સૈફ અલી ખાને 60 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. આમાં ઓમકારા , હમ-તુમ , લવ આજ કલ, રેસ તેમની કેટલીક હિટ ફિલ્મો રહી છે.
સૈફ અલી ખાન- અમૃતા સિંહ
સૈફ અને અમૃતા એક ફોટોશૂટ દરમિયાન મળ્યા હતા, ત્યારબાદ તેઓ નજીક આવ્યા. પછી તેમણે 1991 માં લગ્ન કર્યા. સૈફ અને અમૃતા વચ્ચે 12 વર્ષનો ઉંમરનો તફાવત હતો. જોકે બંનેએ 2004 માં પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય લીધો. સૈફ અને અમૃતાને એક પુત્ર - ઇબ્રાહિમ અલી ખાન અને એક પુત્રી - સારા અલી ખાન છે. બંને એક્ટર છે.
સારા અલી ખાન કરિયર
સારાએ કોલંબિયામાંથી ઇતિહાસ અને રાજકીય વિજ્ઞાનમાં ડિગ્રી મેળવી છે. કેદારનાથ ફિલ્મથી તેણે ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. તેની ફિલ્મ સિમ્બા બ્લોક બસ્ટર સાબિત થઈ હતી. ફિલ્મોમાં આવતા પહેલા તેમણે 2017માં 'હેલો' મેગેઝિનના કવર પર શર્મિલા ટાગોર સાથે દેખાઈ હતી. જ્યારે તેનો ભાઈ ઇબ્રાહિમ અલી ખાન પણ એકટર છે. તેણે નાદાનિયા ફિલ્મથી શરૂઆત કરી છે.
સૈફ અલી ખાન-કરીના કપૂર
અમૃતાથી અલગ થયા બાદ સારા અલી ખાનના પિતા સૈફ અલી ખાને કરીના કપૂર સાથે લગ્ન કર્યા હતા. સૈફ અને કરીના ફિલ્મ 'ટશન'ના સેટ પર મળ્યા હતા અને 2012માં એક ખાનગી સમારંભમાં લગ્ન કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. સૈફ અને કરીનાને બે પુત્રો છે - તૈમૂર અલી ખાન અને જહાંગીર અલી ખાન.
