Kala Hiran Controversy: બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન ફરી એકવાર કાયદાકીય ગુંચવણમાં મુકાયા છે, પરંતુ આ વખતે તેઓ આરોપી તરીકે નહીં પણ એક ફરિયાદી તરીકે સામે આવ્યા છે. સલમાન ખાનની લીગલ ટીમે અપકમિંગ ફિલ્મ 'કાલા હિરણ: ધ બેટલ ફોર લેગેસી' ના મેકર્સને કડક નોટિસ ફટકારી છે. આ ફિલ્મ સલમાન ખાનના વર્ષ 1998 ના ચર્ચિત કૃષ્ણમૃગ શિકાર કેસ (Blackbuck Poaching Case) પર આધારિત હોવાનું કહેવાય છે. સલમાન ખાનનું માનવું છે કે આ ફિલ્મ તેમની છબી ખરાબ કરવા અને હાલમાં ચાલી રહેલી ન્યાયિક પ્રક્રિયાને પ્રભાવિત કરવાના હેતુથી બનાવવામાં આવી રહી છે.
24 કલાકનું અલ્ટીમેટમ અને માફીની માંગ
સલમાન ખાન વતી લો ફર્મ DSK લીગલે ફિલ્મના પ્રોડ્યુસર અમિત જાની અને કાસ્ટિંગ ડાયરેક્ટર અક્ષય પાંડેને આ નોટિસ મોકલી છે. નોટિસમાં મેકર્સને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે કે 24 કલાકની અંદર ફિલ્મ સાથે જોડાયેલું તમામ કન્ટેન્ટ, પોસ્ટર અને પ્રમોશનલ મટીરિયલ સોશિયલ મીડિયા પરથી હટાવી લેવામાં આવે. આ ઉપરાંત, સલમાન ખાને મેકર્સ પાસે લેખિતમાં બિનશરતી માફી માંગવાની પણ શરત રાખી છે. જો આ નિર્દેશોનું પાલન કરવામાં નહીં આવે, તો સલમાન ખાનની ટીમ મેકર્સ વિરુદ્ધ સિવિલ અને ક્રિમિનલ કેસ દાખલ કરવાની તૈયારીમાં છે.
ન્યાયિક પ્રક્રિયામાં દખલનો આરોપ
સલમાન ખાનની લીગલ ટીમે દલીલ કરી છે કે કૃષ્ણમૃગ શિકારનો મામલો અત્યારે રાજસ્થાન હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. આવી સંવેદનશીલ પરિસ્થિતિમાં ફિલ્મ બનાવવી એ ન્યાય પ્રશાસનના કાર્યમાં હસ્તક્ષેપ કરવા સમાન છે. નોટિસમાં જણાવ્યા અનુસાર, ફિલ્મમાં કેસનું સનસનીખેજ નિરૂપણ સલમાન ખાન વિરુદ્ધ પૂર્વગ્રહ પેદા કરી શકે છે અને તેમના નિષ્પક્ષ સુનાવણીના અધિકારને નુકસાન પહોંચાડી શકે છે. મેકર્સ પર આરોપ છે કે તેઓ સલમાન ખાનની પ્રતિષ્ઠાનો ઉપયોગ પોતાના આર્થિક ફાયદા માટે કરી રહ્યા છે.
પોસ્ટરમાં સલમાન જેવો જ લુક અને બ્રેસલેટ
તાજેતરમાં રિલીઝ થયેલા ફિલ્મના પોસ્ટરે વિવાદમાં વધુ વધારો કર્યો છે. પોસ્ટરમાં જે પાત્ર બતાવવામાં આવ્યું છે, તેણે હાથમાં હૂબહૂ સલમાન ખાન જેવું જ બ્રેસલેટ પહેર્યું છે અને તેના વાળની સ્ટાઇલ પણ સલમાન જેવી જ છે. સલમાનની ટીમે વાંધો ઉઠાવ્યો છે કે મેકર્સ દ્વારા તેમની ઓળખ અને પર્સનાલિટી રાઈટ્સ (Personality Rights) નો ભંગ કરવામાં આવ્યો છે. ફિલ્મમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને સલમાન વચ્ચેની દુશ્મનીને પણ ફિલ્મી અંદાજમાં વણી લેવામાં આવી હોવાની ચર્ચા છે.
પ્રોડ્યુસર અમિત જાનીનો વળતો પ્રહાર
બીજી તરફ, ફિલ્મના પ્રોડ્યુસર અમિત જાનીએ નમવાને બદલે લડાયક મૂડ બતાવ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર સલમાનની લીગલ નોટિસનો સ્ક્રીનશોટ શેર કરતા લખ્યું કે, "સલમાન ખાન નોટિસ મોકલીને 'કાલા હિરણ' મૂવી સાથે જોડાયેલા લોકોને ધમકાવી રહ્યા છે, પણ ડરવું મારી ફિતરત નથી." તેમણે વધુમાં ઉમેર્યું કે તેઓ આ ગ્લેમર સામે ઝૂકશે નહીં અને પોતાનું કામ ચાલુ રાખશે.
ઉલ્લેખનીય છે કે આ ફિલ્મનું નિર્દેશન ભારત એસ. શ્રીનેત કરી રહ્યા છે અને મેકર્સ 20 જૂન 2026 ના રોજ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવાની તૈયારી કરી રહ્યા છે. સલમાન ખાનના કૃષ્ણમૃગ કેસની આગામી સુનાવણી 13 જુલાઈ 2026 ના રોજ થવાની છે, તે પહેલા જ આ કાયદાકીય જંગે મનોરંજન જગતમાં ભારે ઉત્તેજના ફેલાવી દીધી છે.
