Salman Khan Big Boss 20: બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાને રિયાલિટી શો 'બિગ બોસ 20'ના તાજેતરના 'વીકેન્ડ કા વાર' એપિસોડ દરમિયાન પોતાના અંગત જીવન, સંબંધો અને કારકિર્દીના મુશ્કેલ તબક્કા વિશે ખુલીને વાત કરી હતી. શોના સ્પર્ધકો સાથે ખાસ ચર્ચા કરતી વખતે સલમાને યાદ કર્યું હતું કે કેવી રીતે એક સમયે મીડિયા અને જાહેર જીવનમાં તેમની આસપાસ ભારે નકારાત્મકતા ફેલાયેલી હતી અને નાના પડદાના ગેમ શો 'દસ કા દમ' (10 Ka Dum) દ્વારા તેમની એ નકારાત્મક જાહેર છબી ક્ષણભરમાં બદલાઈ ગઈ હતી.
અંગત સંબંધો અને કોર્ટ કેસને કારણે ઘેરાયા હતા નકારાત્મકતામાં
સ્પર્ધક કાઝી તૌકીર અને અન્ય હાઉસમેટ્સ સાથે વાતચીત કરતી વખતે સલમાન ખાને તેમની શરૂઆતની સફળતા અને તે પછી આવેલી મુશ્કેલીઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, "મૈંને પ્યાર કિયા ફિલ્મની ગ્રાન્ડ સફળતા બાદ લોકોએ મારા અંગત જીવન અને સંબંધો વિશે ઘણી અટકળો લગાવવાનું શરૂ કર્યું હતું. એક તબક્કો એવો આવ્યો જ્યારે મારી આસપાસ બહુ જ નકારાત્મક વાતાવરણ બની ગયું હતું - કોર્ટ કેસ, પર્સનલ રિલેશનશિપના વિવાદોથી લઈને મારી ફિલ્મો સુધી, દરેક જગ્યાએ મારી ચર્ચા નેગેટિવ રીતે થતી હતી."
સલમાને વધુમાં ઉમેર્યું કે તે સમયે પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે કોઈ પણ અખબાર કે ટીવી ચેનલ ખોલો તો તેમની સતત ટીકા જ થતી જોવા મળતી હતી અને તેમને સતત નિશાન બનાવવામાં આવતા હતા.
પિતા સલીમ ખાનની એક સલાહ અને ટીવી ડેબ્યૂ
સલમાન ખાને ખુલાસો કર્યો કે જ્યારે તેમને ટેલિવિઝન શો દસ કા દમની ઓફર મળી, ત્યારે તેઓ શરૂઆતમાં આ શો કરવા માટે જરાય તૈયાર નહોતા. પોતાના વિશે ફેલાયેલી નકારાત્મકતાને કારણે તેમને ડર હતો. આ પરિસ્થિતિમાં તેમણે પોતાના પિતા અને જાણીતા સ્ક્રિપ્ટ રાઇટર સલીમ ખાનની સલાહ લીધી હતી.
સલીમ ખાને સલમાનને પૂછ્યું હતું કે, "શું તને તારા ઉછેર પર વિશ્વાસ છે?" સલમાને હકારમાં જવાબ આપ્યો ત્યારે સલીમ ખાને કહ્યું હતું કે, "જો તને તારા અને અમારા ઉછેર પર પૂરો ભરોસો હોય તો ચોક્કસપણે આ શો કર અને બસ તું જેવો છે તેવો જ કેમેરા સામે રહેજે."
એક જ એપિસોડથી બદલાઈ ગઈ લોકોની જોવાની દ્રષ્ટિ
પિતાની સલાહ માનીને સલમાને ટીવી પર ડેબ્યૂ કર્યું અને તેના પરિણામો અદ્ભુત રહ્યા. પોતાની સ્ક્રિપ્ટેડ કે ફિલ્મી છબીથી અલગ જ્યારે લોકોએ સલમાનનું અસલી સ્વરૂપ, તેમનો સહજ સ્વભાવ અને લાગણીઓ ટીવી સ્ક્રીન પર જોઈ, ત્યારે મીડિયા દ્વારા ઉભી કરાયેલી નકારાત્મક ઈમેજ માત્ર એક જ એપિસોડમાં ગાયબ થઈ ગઈ. લોકોએ તેમને માત્ર ફિલ્મી કલાકાર તરીકે જ નહીં પરંતુ એક સચ્ચા અને સહજ વ્યક્તિ તરીકે પસંદ કરવાનું શરૂ કર્યું. સલમાને સ્પર્ધકોને પ્રેરણા આપતા કહ્યું કે આ અનુભવ બાદ પણ તેમના જીવનમાં ઘણા ચડાવ-ઉતાર આવ્યા, પરંતુ તેમણે દરેક પરિસ્થિતિનો મક્કમતાથી સામનો કર્યો છે.
