Robert Pattinson New James Bond: હોલીવુડ જગતમાંથી એક ખૂબ જ મોટા અને રોમાંચક સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત અભિનેતા રોબર્ટ પેટિનસન (Robert Pattinson)ને અધિકૃત (Official) રીતે આગામી 'જેમ્સ બોન્ડ' (James Bond) તરીકે જાહેર કરવામાં આવ્યો છે. 'ધ બેટમેન' અને 'ટેનેટ' જેવી સુપરહિટ ફિલ્મોમાં પોતાની શાનદાર એક્ટિંગથી ધૂમ મચાવનાર રોબર્ટ પેટિનસન હવે વિશ્વના સૌથી લોકપ્રિય સિક્રેટ એજન્ટ '007'ના રોલમાં મોટા પડદા પર ધમાકો કરવા માટે તૈયાર છે.
આ સાથે જ છેલ્લા કેટલાક મહિનાઓથી આગામી 007 કોણ બનશે તેને લઈને ચાલી રહેલી તમામ અટકળો અને ચર્ચાઓનો અંત આવ્યો છે.
ડેનિયલ ક્ર્રેગ પછી રોબર્ટ પેટિનસન સંભાળશે કમાન
વર્ષો સુધી જેમ્સ બોન્ડના પાત્રને જીવંત રાખનાર પ્રખ્યાત અભિનેતા ડેનિયલ ક્ર્રેગ (Daniel Craig) એ 5 ફિલ્મોમાં આ ભૂમિકા ભજવી છે. ડેનિયલ ક્રેગ વર્ષ 2006માં આવેલી ફિલ્મ 'કેસિનો રોયલ' (Casino Royal) થી બોન્ડ ફ્રેન્ચાઇઝીમાં આવ્યો હતો અને વર્ષ 2021માં આવેલી ફિલ્મ 'નો ટાઈમ ટુ ડાઈ' (No Time To Die) સાથે આ પાત્રને અલવિદા કહી દીધું હતું. આ છેલ્લી ફિલ્મમાં વૈશ્વિક જોખમને રોકવા માટે બોન્ડ પોતાના પ્રાણની આહુતિ આપી દે છે, જેના કારણે ચાહકો પણ ભાવુક થયા હતા. હવે ડેનિયલ ક્રેગના ગયા પછી, રોબર્ટ પેટિનસન આ મહાન વિરાસતને આગળ વધારશે.

64 વર્ષ જૂની જેમ્સ બોન્ડ ફ્રેન્ચાઇઝીનો ઇતિહાસ
જેમ્સ બોન્ડનું પાત્ર પ્રખ્યાત લેખક ઇયાન ફ્લેમિંગ (Ian Fleming)ની નોવેલ પર આધારિત છે. વૈશ્વિક સિનેમાની આ સૌથી મોટી અને લોકપ્રિય ફ્રેન્ચાઇઝીની પ્રથમ ફિલ્મ 'ડો. નો' (Dr. No) 1962માં રિલીઝ થઈ હતી, જેમાં સૌપ્રથમવાર જેમ્સ બોન્ડ (007)નું પાત્ર શૉન કોનરી (Sean Connery) દ્વારા ભજવવામાં આવ્યું હતું.
છેલ્લા 6 દાયકાઓમાં આ ફ્રેન્ચાઇઝીની કુલ 25 ફિલ્મો આવી ચૂકી છે, જેમાં માત્ર 6 જ અભિનેતાઓએ આ આઇકોનિક 007નું પાત્ર ભજવ્યું છે. હવે 26મી ફિલ્મ માટે રોબર્ટ પેટિનસનની પસંદગી કરવામાં આવી છે.
અત્યાર સુધી કયા 6 કલાકારોએ ભજવ્યું છે 'જેમ્સ બોન્ડ'નું પાત્ર?
ઇતિહાસમાં અત્યાર સુધી માત્ર 6 જ કલાકારો સત્તાવાર રીતે '007' બન્યા છે.
- શૉન કોનરી (Sean Connery) — 1962-1971 (6 ફિલ્મોમાં)
- જ્યોર્જ લેજેનબી (George Lazenby) — 1969 (1 ફિલ્મમાં)
- રોજર મૂર (Roger Moore) — 1973 થી 1985 (7 ફિલ્મોમાં)
- ટિમોથી ડાલ્ટન (Timothy Dalton) — 1987 થી 1989(2 ફિલ્મોમાં)
- પિયર્સ બ્રોસનન (Pierce Brosnan) — 1995 થી 2002 (4 ફિલ્મોમાં)
- ડેનિયલ ક્ર્રેગ (Daniel Craig) — 2006 થી 2021 (5 ફિલ્મોમાં)
આગામી ફિલ્મ
હાલમાં મેકર્સ દ્વારા જેમ્સ બોન્ડની 26મી ફિલ્મનું ટાઇટલ કે રિલીઝ ડેટ હજુ સત્તાવાર રીતે જાહેર કરવામાં નથી આવી, પરંતુ રોબર્ટ પેટિનસનને કાસ્ટ કરવાના નિર્ણયથી હોલીવુડમાં અને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ટૂંક સમયમાં જ ફિલ્મનું ટાઇટલ, બાકીની સ્ટારકાસ્ટ અને ફર્સ્ટ લુક પણ સામે આવશે તેવી પૂરી સંભાવના છે.
