RCB VS MI: બૉલિવૂડના 'ભાઈજાન' સલમાન ખાનનો નાનો ભાઈ અને અભિનેતા સોહેલ ખાન પોતાના અંગત જીવનને લઈને ફરીથી ચર્ચામાં છે. જેમાં સોહેલ ખાન પત્ની સીમા સાથે છૂટાછેડાના 3 વર્ષ બાદ જાણીતી ટીવી એન્કર શેફાલી બગ્ગા સાથે મેચ નિહાળતો જોવા મળ્યો હતો. સોહેલ અને શેફાલીની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં બન્ને એકબીજાને ડેટ કરી રહ્યાં હોવાની અટકળોએ વેગ પકડ્યો છે.
તાજેતરમાં જ સોહેલ ખાન અને શેફાલી બગ્ગા મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચ નિહાળતા કેમેરામાં કેદ થઈ ગયા હતા. આટલું જ નહી, મેચ પત્યા પછી પણ શેફાલી સોહેલ ખાન સાથે કારમાં જતી જોવા મળી હતી. જેમાં શેફાલી કારમાં આગળના ભાગે ડ્રાઈવરની બાજુમાં બેઠેલી જોવા મળે છે. જ્યારે પાછળ સોહેલ ખાન બેઠો છે.
આ ઉપરાંત શેફાલી બગ્ગાએ વાનખેડે સ્ટેડિયમમાંથી સોહેલ ખાન સાથે પોતાની સેલ્ફી શેર કરી હતી. જયારે બીજી એક તસવીરમાં ટીવી એક્ટર જય ભાનુશાલી પણ જોવા મળે છે. આ તસવીર સાથે શેફાલીએ કેપ્શનમાં લખ્યું છે કે, એક RCBનો ફેન છે, તો બીજો MIનો, હવે તમે જ અંદાજો લગાવો કોણ કોનું ફેન છે? બસ ત્યારથી સોશિયલ મીડિયા યુઝર્સને બન્ને વચ્ચે કંઈક રંધાઈ રહ્યું હોવાની ગંધ આવી રહી છે. આ પોસ્ટને લઈને સોશિયલ મીડિયા યુઝર્સ શેફાલી ખાન અને સોહેલ ખાન વચ્ચે ડેટિંગની અટકળો લગાવી રહ્યા છે.
જણાવી દઈએ કે, શેફાલી બગ્ગા બિગ બૉસ સિઝન 13માં જોવા મળી હતી. જેમાં વિજેતા સિદ્ધાર્થ શુક્લા અને શહનાઝ ગિલની સાથે-સાથે શેફાલીના ગેમ પ્લાન લોકોને ખૂબ જ પસંદ પડ્યો હતો. આ સિઝન થકી જ શેફાલીએ દર્શકોના દિલમાં આગવું સ્થાન મેળવ્યું હતુ. આ ઉપરાંત શેફાલી મ્યુઝિક વીડિયો અને સોશિયલ મીડિયા પોસ્ટ થકી ફેન્સ વચ્ચે સતત ચર્ચામાં રહે છે.
