Ramayana Trailer Review: 'રામાયણ' ટ્રેલરમાં શ્રી રામ અને પરશુરામ તરીકે રણબીર કપૂરનો ડબલ રોલ, ભગવાન વિષ્ણુ કોણ? ફેન્સમાં ચર્ચા તેજ

Ramayana Trailer Review: 'રામાયણ'ના ટ્રેલરમાં રણબીર કપૂર ભગવાન શ્રી રામ અને પરશુરામના ડબલ રોલમાં જોવા મળ્યા. ભગવાન વિષ્ણુની ભૂમિકાને લઈને સોશિયલ મીડિયા પર અનેક અટકળો તેજ બની છે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Thu, 30 Jul 2026 03:37 PM (IST)Updated: Thu, 30 Jul 2026 03:37 PM (IST)
ramayana-trailer-review-ranbir-kapoors-double-role-as-lord-ram-and-parashurama-fans-debate-vishnu-avatar

Ramayana Trailer Review: મેગા બજેટ ફિલ્મ 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર તેની જોરદાર ચર્ચા શરૂ થઈ ગઈ છે. લગભગ 4 મિનિટ 10 સેકન્ડ લાંબા ટ્રેલરમાં ભવ્ય વિઝ્યુઅલ્સ, આધુનિક VFX અને પૌરાણિક કથાના ભવ્ય રજૂઆતે દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે. ભગવાન શ્રી રામના પાત્રમાં રણબીર કપૂરના લુકને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જોકે ટ્રેલરની સૌથી વધુ ચર્ચા તેમના ડબલ રોલ અને ભગવાન વિષ્ણુની ક્ષણિક ઝલકને લઈને થઈ રહી છે.

'રામાયણ'માં રણબીર કપૂરનો ડબલ રોલ શું છે?

'રામાયણ' ટ્રેલરમાં રણબીર કપૂર ભગવાન શ્રી રામ ઉપરાંત પરશુરામના રોલમાં જોવા મળી રહ્યા છે. આ રીતે ફિલ્મમાં તેઓ ડબલ રોલમાં જોવા મળશે. એક મહત્વપૂર્ણ સીનમાં ભગવાન શ્રી રામ અને પરશુરામ એક જ ફ્રેમમાં જોવા મળે છે. આ સીનમાં પરશુરામ ભગવાન શ્રી રામ સમક્ષ ઘૂંટણિયે બેઠેલા છે અને તેમના હાથમાં દિવ્ય ધનુષ જોવા મળે છે. લાંબા વાળ તેમજ દાઢી-મૂંછ સાથેનો તેમનો લુક ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

રામાયણમાં પરશુરામનું મહત્વ

હિંદુ માન્યતાઓ અનુસાર પરશુરામ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર માનવામાં આવે છે. તેમનો જન્મ મહર્ષિ જમદગ્નિ અને માતા રેણુકાના ઘરે થયો હતો. બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યા હોવા છતાં તેઓ મહાન યોદ્ધા તરીકે જાણીતા છે.

રામાયણમાં સીતા સ્વયંવર બાદ ભગવાન શ્રી રામ દ્વારા ભગવાન શિવનું ધનુષ ભંગ થતાં પરશુરામ ક્રોધિત થઈ રાજા જનકના દરબારમાં પહોંચે છે અને ભગવાન શ્રી રામને પડકાર આપે છે. જોકે બાદમાં તેમને જાણ થાય છે કે ભગવાન શ્રી રામ પણ ભગવાન વિષ્ણુના અવતાર છે, જેના કારણે તેમનો ક્રોધ શાંત થઈ જાય છે. ફિલ્મમાં આ સીન સૌથી મહત્વપૂર્ણ સિક્વન્સમાંથી એક બની શકે છે.

ભગવાન વિષ્ણુની ભૂમિકામાં કોણ જોવા મળશે?

ટ્રેલરમાં ભગવાન વિષ્ણુની માત્ર ક્ષણિક ઝલક જોવા મળતા સોશિયલ મીડિયા પર વિવિધ અટકળો શરૂ થઈ છે. જોકે નિર્માતાઓએ હજુ સુધી આ પાત્ર ભજવનારા કલાકાર અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરી નથી.

શું ભગવાન વિષ્ણુની ભૂમિકામાં સૌરભ રાજ જૈન છે?

ઘણા દર્શકોનું માનવું છે કે ટ્રેલરમાં ભગવાન વિષ્ણુ તરીકે દેખાતા અભિનેતા સૌરભ રાજ જૈન હોઈ શકે છે. તેમણે ટીવી સિરિયલ 'મહાભારત'માં ભગવાન શ્રી કૃષ્ણનું લોકપ્રિય પાત્ર ભજવ્યું હતું. તેમના ચહેરાની સમાનતાને આધારે સોશિયલ મીડિયા પર આવી ચર્ચા ચાલી રહી છે.

મહેશ બાબુના નામની પણ કેમ થઈ રહી છે ચર્ચા?

બીજી તરફ કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સનું માનવું છે કે આ ભૂમિકામાં મહેશ બાબુ હોઈ શકે છે. હાલમાં તેઓ એસ.એસ. રાજામૌલીની ફિલ્મ 'વારાણસી' પર કામ કરી રહ્યા છે, જેમાં રામાયણથી પ્રેરિત એક સિક્વન્સમાં તેઓ ભગવાન શ્રી રામના પાત્રમાં જોવા મળશે. જોકે આ અંગે પણ કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

શું ભગવાન વિષ્ણુ તરીકે પણ રણબીર કપૂર જ જોવા મળ્યા?

રણબીર કપૂર ફિલ્મમાં ભગવાન શ્રી રામ અને પરશુરામ એમ બંને પાત્રો ભજવી રહ્યા છે. બંને ભગવાન વિષ્ણુના અવતાર હોવાથી કેટલાક ચાહકો એવી સંભાવના વ્યક્ત કરી રહ્યા છે કે ટ્રેલરમાં ભગવાન વિષ્ણુ તરીકે પણ રણબીર જ જોવા મળ્યા હોઈ શકે. જોકે ટ્રેલરમાં તેની સ્પષ્ટ પુષ્ટિ કરવામાં આવી નથી અને હાલમાં આ માત્ર સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અટકળો છે.

'રામાયણ' ક્યારે રિલીઝ થશે?

નમિત મલ્હોત્રાના નિર્માણ હેઠળ બની રહેલી 'રામાયણ: પાર્ટ 1' આ વર્ષની દિવાળીના અવસરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. જ્યારે ફિલ્મનો બીજો ભાગ દિવાળી 2027 દરમિયાન રિલીઝ થશે.