Ramayana Update: બોલિવૂડના સુપરસ્ટાર રણબીર કપૂરની આગામી મેગા બજેટ ફિલ્મ 'રામાયણ'ને લઈને દર્શકોમાં જબરદસ્ત ઉત્સાહ છે. નિતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મની જાહેરાત થઈ ત્યારથી જ ચાહકો તેના દરેક અપડેટ પર નજર રાખી રહ્યા છે. હવે આ ફિલ્મના ફર્સ્ટ લુક અને પોસ્ટર રિલીઝ ડેટને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે.
રામ નવમી પર થઈ શકે છે મોટો ખુલાસો
મીડિયા અહેવાલો અને ખાસ કરીને 'ટાઈમ્સ નાઉ'ના રિપોર્ટ અનુસાર, 'રામાયણ'ના મેકર્સ ફિલ્મના પાત્રોના સત્તાવાર પોસ્ટર રિલીઝ કરવા માટે ખાસ દિવસની પસંદગી કરી શકે છે. સૂત્રોનું કહેવું છે કે આગામી રામ નવમીના પવિત્ર અવસરે, એટલે કે 27 માર્ચના રોજ રણબીર કપૂર અને યશનો લુક રિલીઝ કરવામાં આવે તેવી શક્યતા છે. જોકે, મેકર્સ દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર સતાવાર જાહેરાત કરવામાં આવી નથી.
ફિલ્મની રિલીઝ અને પ્રોડક્શન અપડેટ
ફિલ્મના પ્રોડક્શન વિશે વાત કરીએ તો, પ્રથમ ભાગનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે અને હાલમાં એડિટિંગનું કામ ચાલી રહ્યું છે. ઓક્ટોબર 2025 ના રિપોર્ટ્સ મુજબ, મેકર્સ હાલમાં ફિલ્મમાં હાઈ ક્વોલિટી VFX પર કામ કરી રહ્યા છે. આ ફિલ્મનું કામ 2026 ના ઉનાળા સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે, જેથી તેને આ વર્ષે દિવાળીના તહેવાર પર ભવ્ય રીતે રિલીઝ કરી શકાય.
નિતેશ તિવારી દ્વારા દિગ્દર્શિત રામાયણ બે ભાગમાં રિલીઝ થશે. પહેલો ભાગ આ વર્ષે દિવાળી પર રિલીઝ થશે, જ્યારે બીજો ભાગ આવતા વર્ષે દિવાળી 2027 પર રિલીઝ થશે. નિતેશ તિવારીની આ ફિલ્મમાં સ્ટાર્સનો જમાવડો જોવા મળશે.
કોણ ભજવશે કયું પાત્ર?
- રણબીર કપૂર: ભગવાન રામ
- સાઈ પલ્લવી: માતા સીતા
- યશ (KGF ફેમ): રાવણ
- સની દેઓલ: હનુમાન
- રવિ દુબે: લક્ષ્મણ
- કાજલ અગ્રવાલ: મંદોદરી
- રકુલ પ્રીત સિંહ: શૂર્પણખા
આ ઉપરાંત, ફિલ્મમાં દિગ્ગજ કલાકાર અરુણ ગોવિલ, કુણાલ કપૂર અને ઇન્દિરા કૃષ્ણન પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
