Raj Kundra Cheating Case: બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ વધી રહી છે. ઇકોનોમિક ઓફેન્ગ વિંગ (EOW) એ તેમને 60.48 કરોડ રૂપિયાના છેતરપિંડીના કેસમાં સમન્સ મોકલ્યું છે. આજે રાજ કુન્દ્રાનો જન્મદિવસ પણ છે. તેમને 15 સપ્ટેમ્બરે પૂછપરછ માટે હાજર રહેવાનું કહેવામાં આવ્યું છે. અગાઉ, રાજ કુન્દ્રા 10 સપ્ટેમ્બરે હાજર થવાના હતા. જોકે, તેમણે હાજર રહેવા માટે વધુ સમય માંગ્યો હતો.
લુક-આઉટ સર્ક્યુલર જારી
EOW ના એક વરિષ્ઠ અધિકારીએ પુષ્ટિ આપી છે કે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) ના ઓડિટરને પણ પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવ્યું છે.
ત્રણ વખત સમન્સ મોકલવામાં આવ્યું
પ્રાથમિક તપાસ દરમિયાન શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા બંનેને અગાઉ ત્રણ વખત સમન્સ મોકલવામાં આવ્યા હતા. બંનેએ કહ્યું હતું કે, તેઓ લંડનમાં રહે છે, તેથી તેમણે તેમના વકીલ મોકલ્યા હતા. આ અંગે EOW એ કહ્યું કે વકીલે સંપૂર્ણ માહિતી આપી ન હતી. આ પછી ઔપચારિક FIR નોંધવામાં આવી.
શું છે આખો મામલો?
મુંબઈના જુહુ પોલીસ સ્ટેશનમાં રાજ કુન્દ્રા વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. લોટસ કેપિટલ ફાઇનાન્શિયલ સર્વિસીસના ડિરેક્ટર કહે છે કે 2015 થી 2023 દરમિયાન તેમણે શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાની કંપની બેસ્ટ ડીલ ટીવી પ્રાઇવેટ લિમિટેડમાં 60.48 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. તેમણે આરોપ લગાવ્યો છે કે શિલ્પા અને રાજે આ પૈસા કંપનીમાં રોકાણ કરવાને બદલે પોતે ખર્ચ્યા હતા.
શિલ્પાના વકીલની દલીલ
ફરિયાદી દીપક કોઠારીના વકીલ જૈન શ્રોફે કહ્યું કે, તેમના ક્લાયન્ટે પુરાવા સાથે પૈસાનું રોકાણ કર્યું હતું. કંપનીએ તેમને ગેરમાર્ગે દોર્યા. તેનાથી વિપરીત, શિલ્પા શેટ્ટીના વકીલ પ્રશાંત પાટીલે આરોપોને ફગાવી દીધા છે. તેમનું કહેવું છે કે ફરિયાદી પોતે કંપનીમાં ભાગીદાર હતા. તેમના પુત્રને ડિરેક્ટર બનાવવામાં આવ્યો હતો. જો કંપની નફો કરતી હોત, તો તે બંને વચ્ચે વહેંચાઈ જાત.
