'મેં પોતે 20 કરોડ આપ્યા…', છેતરપિંડીના આરોપો પર શિલ્પા શેટ્ટીની ધીરજ ખૂટી; ભગવદ્ ગીતાના શ્લોક સાથે વ્યક્ત કરી વ્યથા

શિલ્પા શેટ્ટીએ પોતાના પર લાગેલા આરોપોને પાયાવિહોણા ગણાવતા એક નિવેદન જારી કર્યું છે. તેણે દાવો કર્યો છે કે તેણીએ પૈસા લીધા નથી, ઉલટાનું તેણીએ પૈસા ગુમાવ્યા છે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Fri, 19 Dec 2025 04:32 PM (IST)Updated: Fri, 19 Dec 2025 04:32 PM (IST)
60-cr-fraud-case-shilpa-shetty-breaks-silence-shares-her-reaction

Shilpa Shetty on 60 Crore Fraud Case: બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી હાલમાં કાયદાકીય મુશ્કેલીઓમાં ઘેરાયેલી જોવા મળી રહી છે. મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (EOW) દ્વારા ₹60 કરોડના કથિત કૌભાંડમાં કલમ 420 (છેતરપિંડી) ઉમેર્યા બાદ મામલો ગરમાયો છે. પતિ રાજ કુંદ્રા બાદ હવે શિલ્પા શેટ્ટીએ પણ આ ગંભીર આરોપો પર પોતાનું મૌન તોડ્યું છે અને પ્રથમ વખત આ મામલે પોતાની સ્પષ્ટતા રજૂ કરી છે.

'મારા પરિવારે કંપનીને લોન આપી હતી'

શિલ્પા શેટ્ટીએ પોતાના પર લાગેલા આરોપોને પાયાવિહોણા ગણાવતા એક નિવેદન જારી કર્યું છે. તેણે દાવો કર્યો છે કે તેણીએ પૈસા લીધા નથી, ઉલટાનું તેણીએ પૈસા ગુમાવ્યા છે. અભિનેત્રીના જણાવ્યા અનુસાર, 'હું સ્પષ્ટ કરવા માંગુ છું કે મારા પરિવારે સંબંધિત કંપનીને લગભગ 20 કરોડ રૂપિયાની લોન આપી હતી, જે આજ સુધી અમને પરત મળી નથી.'

કંપનીમાં પોતાની ભૂમિકા અંગે સ્પષ્ટતા

શિલ્પાએ જણાવ્યું હતું કે આ કેસમાં તેનું નામ ખોટી રીતે જોડવામાં આવી રહ્યું છે, જેનાથી તેને ઘણું દુઃખ થયું છે. તેણે કહ્યું, 'કંપની સાથે મારું જોડાણ માત્ર 'નોન-એક્ઝિક્યુટિવ' હતું. કંપનીના રોજિંદા કામકાજ, નાણાકીય નિર્ણયો કે કોઈપણ દસ્તાવેજ પર સહી કરવાની સત્તા સાથે મારો કોઈ સંબંધ નહોતો.' તેણીએ ઉમેર્યું હતું કે અન્ય સેલિબ્રિટીઝની જેમ તેણે માત્ર હોમ શોપિંગ ચેનલ માટે ઉત્પાદનોનું પ્રમોશન કર્યું હતું, અને તેનું વળતર મળવાનું પણ હજુ બાકી છે.

ભગવદ ગીતાના શ્લોકનો સહારો

લગભગ 9 વર્ષ બાદ પોતાની સામે ગુનાહિત આરોપો લગાવવાને કાયદાકીય રીતે ખોટું ગણાવતા શિલ્પાએ પોતાની વ્યથા વ્યક્ત કરવા માટે શ્રીમદ્ ભગવદ ગીતાનો સહારો લીધો હતો. તેણે લખ્યું, 'ગીતા કહે છે: જ્યાં અન્યાય સામે અવાજ ઉઠાવવો તમારું કર્તવ્ય હોય અને તમે તે ન કરો, તો તે પણ અધર્મ છે.' શિલ્પાએ કહ્યું કે આવા ખોટા આરોપો એક મહિલાની પ્રતિષ્ઠા અને સામાજિક સન્માનને નુકસાન પહોંચાડે છે.

હાઈકોર્ટમાં પિટિશન દાખલ

ન્યાયતંત્ર પર પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરતા શિલ્પા શેટ્ટીએ જણાવ્યું હતું કે તેણે માનનીય બોમ્બે હાઈકોર્ટમાં કેસ રદ કરવા માટે 'ક્વોશિંગ પિટિશન' દાખલ કરી છે. તેણે મીડિયાને પણ વિનંતી કરી હતી કે સત્યની ખરાઈ કર્યા બાદ જ જવાબદારીપૂર્વક અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે.