Radhe Raas Garba, Raj Gadhvi Pre Navratri 2026: નવરાત્રી 2026ના તહેવાર પૂર્વે આયોજિત પ્રિ-નવરાત્રી ગરબા મહોત્સવમાં આયોજકોની ગંભીર બેદરકારી સામે આવતા ખેલૈયાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અમદાવાદ ખાતે આયોજિત 'રાધે રાસ ગરબા'માં 7 ઓક્ટોબરના રોજ સિંગર રાજ ગઢવીના વિશેષ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, આયોજકો દ્વારા ક્ષમતા કરતા અનેક ગણા વધુ પાસ અને ટિકિટોનું વેચાણ કરી દેવાતાં ગ્રાઉન્ડ પર ભારે ગેરવ્યવસ્થા સર્જાઈ હતી, જેના કારણે ગરબા રમવા આવેલા ખેલૈયાઓની પ્રિ-નવરાત્રી સંપૂર્ણપણે બગડી ગઈ હતી.
1 હજારની કેપેસિટી સામે 10 હજાર લોકો ભરાયા
ઘટના અંગે સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને વિરોધ નોંધાવનારા ખેલૈયાઓએ આક્ષેપ કર્યો હતો કે જે ગ્રાઉન્ડની કાયદેસર ક્ષમતા માત્ર 1,000 લોકોની હતી, ત્યાં અંદાજે 10,000 જેટલા લોકોને ઘૂસાડી દેવામાં આવ્યા હતા. ગ્રાઉન્ડમાં પગ મૂકવાની પણ જગ્યા ન હોવાને કારણે ગરબા રમવા આવેલા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સ્થિતિ એટલી ખરાબ હતી કે લોકો એક વેત જેટલી જગ્યા માટે પણ ઝઝૂમી રહ્યા હતા અને મોટાભાગના ખેલૈયાઓ ગરબા રમી જ શક્યા નહોતા.
ટિકિટ, ડ્રેસ કોડ વગર નાઇટ ડ્રેસમાં લોકો ઘૂસી ગયા
ખેલૈયાઓએ આયોજનની કડક ટીકા કરતા જણાવ્યું હતું કે, સુરક્ષા અને એન્ટ્રી ચેકિંગ જેવી કોઈ સુવિધા જ નહોતી. પાસ કે ટિકિટ વગરના લોકો અને ડ્રેસ કોડ વગર નાઇટ ડ્રેસ પહેરીને આવેલા લોકો પણ ગ્રાઉન્ડમાં સરળતાથી ઘૂસી ગયા હતા. ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને મનોરંજન માટે આવેલા ખેલૈયાઓએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે, "જો આટલી ખરાબ વ્યવસ્થા કરવાની હોય તો તમારે આવા પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ જ ન કરવા જોઈએ. આવી રીતે લોકોને હેરાન કરવાનો કોઈ હક નથી. આના કરતાં તો ઘરે ગરબા રમવા સારા."
હાલમાં સોશિયલ મીડિયા પર આ ગેરવ્યવસ્થાના અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં ખેલૈયાઓ આયોજકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની અને તેમના પૈસા રિફંડ કરવાની માંગ કરી રહ્યા છે.
