Pushpak Viman Series: OTT પર એક નવી અને રસપ્રદ સિરીઝની જાહેરાત કરવામાં આવી છે. Netflix પોતાની આગામી ક્રાઇમ-કોમેડી સિરીઝ 'પુષ્પક વિમાન' લઈને આવી રહ્યું છે. આ સિરીઝમાં જયદીપ અહલાવત, અભિષેક બેનર્જી અને બરુણ સોબતી જેવા દમદાર કલાકારો એકસાથે જોવા મળશે. ત્રણેય કલાકારોની અનોખી જોડી અને વાર્તામાં રહેલો કોમેડી-ક્રાઇમનો તડકો દર્શકો માટે ખાસ આકર્ષણ બની શકે છે.
‘પુષ્પક વિમાન’માં જોવા મળશે ક્રાઇમ અને કોમેડીનો મજેદાર સંગમ
Netflixની નવી સિરીઝ 'પુષ્પક વિમાન'ની જાહેરાત થતાં જ OTT પ્રેમીઓમાં તેને લઈને ઉત્સુકતા વધી છે. આ સિરીઝમાં જયદીપ અહલાવત, અભિષેક બેનર્જી અને બરુણ સોબતી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ત્રણેય કલાકારો પોતાની અલગ અભિનય શૈલી માટે જાણીતા છે. ત્યારે પહેલીવાર આ ત્રણેયને એક જ પ્રોજેક્ટમાં સાથે જોવાનો અનુભવ દર્શકો માટે રસપ્રદ બની રહેશે.
આ સિરીઝનું નિર્માણ અને લેખન સુદીપ શર્મા તથા અભિષેક બેનર્જીએ સાથે મળીને કર્યું છે. વાર્તામાં ક્રાઇમની સાથે કોમેડીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કેટલાક અનોખા પાત્રોની આસપાસ ફરતી આ કહાનીમાં શરૂઆતમાં સામાન્ય લાગતી ઘટનાઓ આગળ જતાં રસપ્રદ વળાંક લેતી જોવા મળશે.
ગંભીર વાર્તાઓ પછી કોમેડીમાં સુદીપ શર્માનો નવો પ્રયોગ
સુદીપ શર્મા અત્યાર સુધી ગંભીર અને રોમાંચક વાર્તાઓ રજૂ કરવા માટે જાણીતા રહ્યા છે. જોકે, 'પુષ્પક વિમાન' દ્વારા તેઓ કોમેડીના ક્ષેત્રમાં નવો પ્રયોગ કરવા જઈ રહ્યા છે. આ પ્રોજેક્ટ વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે આ વખતે તેઓ કંઈક અલગ પ્રકારની વાર્તા દર્શકો સમક્ષ રજૂ કરવા ઇચ્છતા હતા. નવા વિષય અને અલગ જૉનર સાથે પ્રયોગ કરવા માટે Netflix યોગ્ય પ્લેટફોર્મ છે.
Netflix ઇન્ડિયાએ પણ સિરીઝને લઈને વ્યક્ત કરી ઉત્સુકતા
Netflix ઇન્ડિયાની સિરીઝ હેડ તાન્યા બામીએ પણ 'પુષ્પક વિમાન' અંગે ખુશી વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા અનુસાર, સુદીપ શર્મા સાથે Netflixની આ આગામી મહત્વપૂર્ણ ફ્રેન્ચાઇઝી બની શકે છે. તેમણે સુદીપની વાર્તા કહેવાની શૈલીનાં વખાણ કરતાં જણાવ્યું કે તેમની કહાનીઓમાં મનોરંજનની સાથે સામાજિક મુદ્દાઓની ઝલક પણ જોવા મળે છે.
અભિષેક બેનર્જીનો Netflix સાથે ત્રીજો પ્રોજેક્ટ
'પુષ્પક વિમાન' ફિલ્મ સ્ક્વોડ પ્રોડક્શન્સ LLPના બેનર હેઠળ બનાવવામાં આવી રહી છે. ખાસ વાત એ છે કે Netflix સાથે અભિષેક બેનર્જીનો આ ત્રીજો પ્રોજેક્ટ છે. આ પહેલાં તેઓ 'લસ્ટ સ્ટોરીઝ 3' અને 'અનકહી કહાનિયા' જેવા પ્રોજેક્ટ્સમાં જોવા મળી ચૂક્યા છે.
હવે 'પુષ્પક વિમાન'માં અભિષેક બેનર્જી સાથે જયદીપ અહલાવત અને બરુણ સોબતીની જોડી જોવા મળશે. ક્રાઇમ અને કોમેડીના મિશ્રણ સાથે તૈયાર થઈ રહેલી આ સિરીઝની જાહેરાત બાદ દર્શકો તેના વધુ અપડેટ્સની રાહ જોઈ રહ્યા છે.
