SAB TVના પોપ્યુલર શો 'પુષ્પા ઈમ્પોસિબલ'ના કલાકારો અમદાવાદમાં: કરુણા પાંડે અને મુકુલ હરીશે ફેન્સ સાથે સમય વિતાવ્યો

આ શોના પ્રિય પાત્રોને ચાહકોની વધુ નજીક લાવવાના ભાગરૂપે મુખ્ય કલાકાર કરુણા પાંડે (પુષ્પા) અને મુકુલ હરીશ (ટાઇગર) ખાસ અમદાવાદની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં તેમણે મીડિયા અને ચાહકો સાથે મુલાકાત કરીને શો પ્રત્યે દર્શકોના મળતા અપાર પ્રેમ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Tue, 13 Oct 2026 03:01 PM (IST)Updated: Tue, 13 Oct 2026 03:01 PM (IST)
pushpa-impossible-actors-karuna-pandey-mukul-harish-visit-ahmedabad-sony-sab
પુષ્પા ઇમ્પોસિબલ

Pushpa Impossible Actor Ahmedabad Visit: રોજિંદા જીવનની વાસ્તવિકતા, પારિવારિક સંબંધો અને સંઘર્ષની વાર્તાઓને દર્શકો સમક્ષ જીવંત કરતા સોની સબ (Sony SAB) નો લોકપ્રિય શો ‘પુષ્પા ઈમ્પોસિબલ’ (Pushpa Impossible) તેના નવા અને રસપ્રદ મોડ સાથે દર્શકોનું દિલ જીતી રહ્યો છે. આ શોના પ્રિય પાત્રોને ચાહકોની વધુ નજીક લાવવાના ભાગરૂપે મુખ્ય કલાકાર કરુણા પાંડે (પુષ્પા) અને મુકુલ હરીશ (ટાઇગર) ખાસ અમદાવાદની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં તેમણે મીડિયા અને ચાહકો સાથે મુલાકાત કરીને શો પ્રત્યે દર્શકોના મળતા અપાર પ્રેમ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

શોમાં નવો વળાંક જોવા મળશે

અમદાવાદની આ ખાસ મુલાકાત શોના એક અત્યંત મહત્વપૂર્ણ અને લાગણીસભર વળાંક પર થઈ રહી છે. શોની કહાનીમાં પુષ્પા પોતાના ભૂતકાળના એક જીવંત પ્રતિબિંબ સમાન પોતાના વિખૂટા પડેલા દીકરા ટાઇગર સામે આવે છે. ટાઇગરનો સ્વભાવ બેફામ, નિખાલસ અને અભણ છે, જે દર્શકોને શોની શરૂઆતની પુષ્પાની યાદ અપાવે છે.

એક માતા તરીકે પુષ્પા સામે હવે ટાઇગરને યોગ્ય માર્ગદર્શન આપવાની સાથે શાનાયા અને ચિરાગ વચ્ચેના પારિવારિક સંબંધોમાં સંતુલન જાળવવાનો નવો પડકાર ઊભો થયો છે. આ ઉપરાંત, પુષ્પા પોતાની '₹99 લોયર' પહેલ દ્વારા સામાન્ય ફીમાં ગરીબોને કાનૂની મદદ પૂરી પાડીને વકીલ તરીકે નવી સફળતા તરફ આગળ વધી રહી છે.

કરુણા પાંડે (પુષ્પા) એ શું કહ્યું?

પોતાની ખુશી વ્યક્ત કરતા કરુણા પાંડેએ જણાવ્યું હતું કે, "અમદાવાદમાં આવવું અને દર્શકોનો પ્રેમ અનુભવવો ખરેખર અદ્ભુત રહ્યો. પુષ્પાનું પાત્ર ગુજરાતી પૃષ્ઠભૂમિ ધરાવતું હોવાથી અમદાવાદ સાથે તેનો વિશેષ સંબંધ છે. પુષ્પા એક સિંગલ મધર તરીકે પોતાના અભણપણાથી લડીને આજે પોતે શિક્ષિત બની છે, વકીલ બની છે અને હવે પોતાના જૂના સ્વરૂપ જેવા ટાઇગરને સાચો માર્ગ બતાવી રહી છે."

મુકુલ હરીશ (ટાઇગર) એ શું કહ્યું?

અમદાવાદ સાથેનો પોતાનો નાતો વાગોળતા મુકુલ હરીશે કહ્યું કે, "હું પોતે પણ અમદાવાદનો જ હોવાથી આ શહેર મારા દિલની ખૂબ નજીક છે. ટાઇગરનું પાત્ર થોડું અણઘડ છે અને નવા પરિવાર સાથે ભળવાનો પ્રયાસ કરી રહ્યું છે. પુષ્પા ટાઇગરમાં પોતાનું પ્રતિબિંબ જોઈ શકે છે અને તે જાણે છે કે લોકોને માત્ર સાચા માર્ગદર્શનની જરૂર હોય છે."

બંને કલાકારોની આ ખાસ મુલાકાતે અમદાવાદના ફેન્સમાં ભારે ઉત્સાહ જગાડ્યો હતો અને શો પ્રત્યે દર્શકોનો સંબંધ વધુ મજબૂત બનાવ્યો હતો.