Pratap Movie Review: 15 વર્ષ બાદ ઈશા દેઓલની વાપસી, અમિત સાધ 'પ્રતાપ'માં ક્રાઈમ-થ્રિલર અંદાજમાં; જાણો કેવી છે ફિલ્મ

આ ફિલ્મ દ્વારા અભિનેત્રી ઈશા દેઓલ (Esha Deol) 15 વર્ષના લાંબા અંતરાલ બાદ મોટા પડદા પર વાપસી કરી રહી છે, જ્યારે અભિનેતા અમિત સાધ (Amit Sadh) એક શક્તિશાળી એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પોલીસ અધિકારીની મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Fri, 20 Nov 2026 12:42 PM (IST)Updated: Fri, 20 Nov 2026 12:42 PM (IST)
pratap-movie-review-amit-sadh-esha-deol-seema-biswas-sachin-saraf-crime-drama-gujarati-news
ફિલ્મ પ્રતાપ રિવ્યુ

Pratap Movie Review: ટ્રેલરથી જ દર્શકોમાં ઉત્સુકતા જગાવનાર ક્રાઈમ-ડ્રામા થ્રિલર ફિલ્મ 'પ્રતાપ' (Pratap) હવે સિનેમાઘરોમાં દસ્તક દેવા જઈ રહી છે. આ ફિલ્મ દ્વારા અભિનેત્રી ઈશા દેઓલ (Esha Deol) 15 વર્ષના લાંબા અંતરાલ બાદ મોટા પડદા પર વાપસી કરી રહી છે, જ્યારે અભિનેતા અમિત સાધ (Amit Sadh) એક શક્તિશાળી એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પોલીસ અધિકારીની મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે.

સામાન્ય રીતે સિનેમામાં પોલીસ અધિકારીને કાયદાના રક્ષક અને ગુનેગારો માટે કાળ સમાન રજૂ કરવામાં આવે છે, પરંતુ જો એક નિડર અને પ્રતિષ્ઠિત અધિકારીને માત્ર એક વાયરલ વીડિયોના કારણે ગુનેગાર સાબિત કરી દેવામાં આવે અને તેને એ જ ગુનેગારો વચ્ચે જેલમાં રહેવું પડે, જેઓ ક્યારેક તેના નામથી ધ્રૂજતા હતા તો શું થાય? દિગ્દર્શક સચિન સરાફની ફિલ્મ 'પ્રતાપ' આ જ સંવેદનશીલ અને ગંભીર પરિસ્થિતિની આસપાસ ગૂંથાયેલી કહાની છે, જે પોલીસ વ્યવસ્થા, રાજકારણ, મીડિયા અને એક વ્યક્તિના સંઘર્ષને પડદા પર ઉતારે છે.

પ્રતાપ ફિલ્મની સ્ટોરી

ફિલ્મની શરૂઆત એક જેલના દ્રશ્યથી થાય છે, જ્યાં પ્રતાપ (અમિત સાધ) નામના એક જિદ્દી અને ગુસ્સે ભરાયેલા કેદીને કાબૂમાં લેવા ડઝનબંધ પોલીસકર્મીઓ મથામણ કરતા જોવા મળે છે. જેલમાં શિસ્તભંગના મામલે કડક સ્વભાવના જેલર મીરા સેન (સીમા બિશ્વાસ) તેમને 'એગ સેલ'માં મોકલવાનો આદેશ આપે છે. વાસ્તવમાં આ કેદી કોઈ સામાન્ય આરોપી નથી, પરંતુ 26 ખુંખાર ગુનેગારોનું એન્કાઉન્ટર કરી ચૂકેલા જાણીતા IPS અધિકારી પ્રતાપ રાનાડે છે, જેમને એક કથિત એન્કાઉન્ટર અને તેના વાયરલ વીડિયોના આધારે કોર્ટે જેલ મોકલ્યા છે.

કહાની મુજબ, મુંબઈના એક રહેણાંક સ્થળે ભાગેડુ ગુનેગાર છુપાયો હોવાની માહિતી મળતા પ્રતાપ રાનાડે પોતાની ટીમ સાથે ત્યાં પહોંચે છે. તેઓ ગુનેગારને પકડીને લમણે પિસ્તોલ તાકે છે, પરંતુ ગોળી ચાલે તે પહેલાં જ હાર્ટ એટેકથી તેનું મોત થાય છે. નજીકમાં ઊભેલી કારમાં બેઠેલી એક યુવતી આ સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના ફોનમાં ઉતારી લે છે અને સોશિયલ મીડિયા પર એવી રીતે વાયરલ કરે છે જાણે પ્રતાપે તેની હત્યા કરી હોય. પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે કોઈ નક્કર પુરાવો ન હોવાથી કોર્ટ તેમને જેલ મોકલે છે. શરૂઆતમાં જલ્દી બહાર આવવાની આશા રાખતા પ્રતાપને ધીમે-ધીમે સમજાય છે કે તેઓ રાજકારણ અને સિસ્ટમના ચક્રવ્યૂહમાં ફસાઈ ચૂક્યા છે, જ્યાં પોતાના સાથીઓ પણ સાથ છોડી દે છે. જેલમાં તેમની સાથે ખુંખાર ગુનેગાર જેવો વ્યવહાર થાય છે. શું પ્રતાપ પોતાની નિર્દોષતા સાબિત કરી શકશે અને ગુમાવેલું સન્માન પાછું મેળવી શકશે? તેનો જવાબ ફિલ્મમાં મળે છે.

કલાકારોનો અભિનય

અભિનયની દ્રષ્ટિએ અમિત સાધ આ ફિલ્મનો સૌથી મોટો આધાર છે. પ્રતાપ રાનાડેના પાત્રને તેમણે અત્યંત પ્રભાવશાળી રીતે ભજવ્યું છે. એક તરફ દબંગ અને કડક પોલીસ અધિકારીનો રોઆબ અને બીજી તરફ જેલમાં એકલા અને લાચાર બનેલા વ્યક્તિની મજબૂરી આ બંને પાસાઓ વચ્ચે અમિત સાધે શાનદાર સંતુલન જાળવ્યું છે. તેમના ચહેરાના હાવભાવ અને સંવાદ અદાયગી પાત્રને જીવંત બનાવે છે.

કડક જેલર મીરા સેનના પાત્રમાં સીમા બિશ્વાસ સંપૂર્ણપણે ફિટ બેસે છે અને પોતાના લાંબા અનુભવથી ઊંડી છાપ છોડે છે. તિગ્માંશુ ધૂલિયા અને મિલિંદ ગુણાજીએ પણ સારો અભિનય કર્યો છે. 15 વર્ષ બાદ પરત ફરેલી ઈશા દેઓલ પોતાના પાત્રમાં ઠીક-ઠાક લાગે છે, જ્યારે દુષ્યંત વાઘ, પ્રણતિ દામોદર અને વિવેક રઘુવંશી સહિતના કલાકારોએ પણ પોતાની ભૂમિકાઓને ન્યાય આપ્યો છે.

દિગ્દર્શન અને ટેકનિકલ પાસું

દિગ્દર્શક સચિન સરાફે ગંભીર વિષયને એક્શન, ઈમોશન અને થ્રિલરના સમન્વય સાથે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. સત્તા અને પ્રતિષ્ઠા અચાનક સવાલોના ઘેરામાં આવે ત્યારે વ્યક્તિની સ્થિતિ કેવી થાય છે, તે દર્શાવવામાં તેઓ સફળ રહ્યા છે. ફિલ્મનો મોટાભાગનો હિસ્સો જેલમાં શૂટ થયો હોવાથી જેલના વાતાવરણ અને કેદીના માનસિક સંઘર્ષને પડદા પર ઉતારવો પડકારજનક હતો. સિનેમેટોગ્રાફર અનિલ અક્કીના કેમેરા વર્ક, બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને એડિટિંગે ફિલ્મના તણાવપૂર્ણ માહોલને વધુ ઘટ્ટ બનાવ્યો છે.

પ્રતાપ ફિલ્મ જોવી જોઈએ કે નહીં?

'પ્રતાપ' એ એક ગંભીર વિષય પર આધારિત એક્શન-ડ્રામા થ્રિલર છે, જે શરૂઆતથી અંત સુધી જકડી રાખે છે. જો તમને પોલીસ, જેલ અને કોર્ટ-કચેરી આધારિત કહાનીઓ તથા કલાકારોના સશક્ત અભિનયમાં રસ હોય, તો આ ફિલ્મ જોઈ શકાય.