ગુજરાતી ફિલ્મ 'પાતકી'નું OTT પર ધમાકેદાર આગમન: 1 ઓક્ટોબરથી JOJO પ્લેટફોર્મ પર થશે ગ્લોબલ સ્ટ્રીમિંગ

આ ડિજિટલ રિલીઝના કારણે ભારત તેમજ વિશ્વભરના 177 થી વધુ દેશોમાં વસતા ગુજરાતી દર્શકો હવે આ સસ્પેન્સ થ્રિલરનો આનંદ પોતાના ઘરઆંગણે માણી શકશે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Tue, 29 Sep 2026 08:19 AM (IST)Updated: Tue, 29 Sep 2026 08:19 AM (IST)
pataki-gujarati-movie-ott-release-jojo-app-october-1
પાતકી ગુજરાતી મૂવી

Pataki OTT Release: સિનેમાઘરોમાં જબરદસ્ત સફળતા મેળવ્યા બાદ, પ્રશંસાપાત્ર ગુજરાતી સાયકોલોજિકલ સસ્પેન્સ થ્રિલર ફિલ્મ ‘પાતકી’ હવે ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આ ફિલ્મ 1 ઓક્ટોબર, 2026 ના રોજ 'JOJO' OTT પ્લેટફોર્મ પર પ્રીમિયર થશે. આ ડિજિટલ રિલીઝના કારણે ભારત તેમજ વિશ્વભરના 177 થી વધુ દેશોમાં વસતા ગુજરાતી દર્શકો હવે આ સસ્પેન્સ થ્રિલરનો આનંદ પોતાના ઘરઆંગણે માણી શકશે.

શું છે ફિલ્મની અનોખી વાર્તા?

ફિલ્મની વાર્તા એક અત્યંત જટિલ અને માનસિક દ્વંદ્વથી ભરેલા વિષય પર આધારિત છે. વાર્તા એક એવા વ્યક્તિની આસપાસ ફરે છે જે પોતે કરેલા ગુનાની કબૂલાત કરવા માંગે છે. તેને દ્રઢ વિશ્વાસ છે કે તે જ ગુનેગાર છે, પરંતુ આશ્ચર્યજનક રીતે આખી દુનિયા અને તમામ પુરાવા તેને નિર્દોષ માને છે. પુરાવા અને સંજોગો તેની વિરુદ્ધ હોવા છતાં, સત્યની આ શોધ તેને એક એવા વળાંક પર લાવીને ઊભી કરે છે જે માનવ મનની માનસિકતા અને સંબંધોને મૂળમાંથી ઝંઝોળાવી મૂકે છે.

સ્ટાર કાસ્ટ વિશે જાણો

એએમપી સ્ટુડિયો પ્રોડક્શન્સ (AMP Studio Productions) ના બેનર હેઠળ નિર્મિત આ ફિલ્મનું લેખન અને દિગ્દર્શન અભિનય દેશમુખ દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મમાં ગૌરવ પાસવાલા ('માનવ') અને શ્રદ્ધા ડાંગર ('નિત્યા') એ મુખ્ય ભૂમિકા ભજવી છે. આ ઉપરાંત હિતેન તેજવાણી, સુચિતા ત્રિવેદી અને ઉજ્જવલ દવે જેવા અનુભવી અને દિગ્ગજ કલાકારોના ઉત્કૃષ્ટ અભિનયે વાર્તામાં પ્રાણ પૂરી દીધા છે.

ગ્લોબલ ઓટીટી રિલીઝ અંગે JOJO App ના CEO નું નિવેદન

આ મહત્વકાંક્ષી ડિજિટલ રિલીઝ અંગે ઉત્સાહ વ્યક્ત કરતા JOJO App ના ફાઉન્ડર અને સીઈઓ ધ્રુવિન શાહે જણાવ્યું હતું કે, "JOJO પ્લેટફોર્મ પર અમારો હંમેશાં એવો પ્રયાસ રહ્યો છે કે અમે વૈશ્વિક સ્તરે વસતા ગુજરાતી દર્શકો સુધી શ્રેષ્ઠ અને અનોખું મનોરંજન પહોંચાડીએ. 'પાતકી' એ માત્ર એક ફિલ્મ નથી, પરંતુ ભારતીય અને ગુજરાતી સિનેમાની એક અદભુત સાયકોલોજિકલ થ્રિલર છે, જેણે બોક્સ ઓફિસ પર પોતાની કન્ટેન્ટની શક્તિ સાબિત કરી બતાવી છે. આ પ્રકારની મજબૂત વાર્તાઓને અમારા ડિજિટલ પ્લેટફોર્મ પર લાવવી એ JOJO નો મુખ્ય ઉદ્દેશ્ય છે. અમને પૂર્ણ વિશ્વાસ છે કે 1 ઓક્ટોબરથી રિલીઝ થયા બાદ ડિજિટલ દર્શકોને આ ફિલ્મ અંત સુધી જકડી રાખશે."

યુએસ, યુકે, કેનેડા, દુબઈ સહિત વિશ્વના તમામ ખૂણે વસતા ગુજરાતીઓ માટે હવે આ રોમાંચક સફર માત્ર એક ક્લિક દૂર છે.