Pappa Tamne Nahi Samjaay: ગુજરાતી મનોરંજનના અગ્રણી OTT પ્લેટફોર્મ ‘જોજો’ (JOJO) એપ પર દર્શકો માટે વધુ એક યાદગાર અને સમગ્ર પરિવાર સાથે બેસીને માણી શકાય તેવી સુપરહિટ ગુજરાતી ફિલ્મ ‘પપ્પા તમને નહીં સમજાય’ આગામી 26 નવેમ્બર, 2026 ના રોજ સ્ટ્રીમ થવા જઈ રહી છે. હાસ્ય, લાગણી અને પારિવારિક મૂલ્યોથી ભરપૂર આ ફિલ્મ હવે ઘરે બેઠા ડિજિટલ પ્લેટફોર્મ પર માણી શકાશે.
દિગ્ગજ કલાકારોની શાનદાર ટીમ
આ પણ વાંચો
ધર્મેશ મહેતા દ્વારા દિગ્દર્શિત આ કોમેડી-ડ્રામા ફિલ્મમાં ગુજરાતી અને હિન્દી સિનેમાના જાણીતા કલાકારોનો કાફલો જોવા મળે છે. ફિલ્મમાં મનોજ જોશી, ભવ્ય ગાંધી, કેતકી દવે, શ્રદ્ધા ડાંગર અને જોની લીવર મુખ્ય ભૂમિકામાં અભિનય કરતા જોવા મળશે. દિગ્ગજ કલાકારોની કોમિક ટાઈમિંગ અને ભાવનાત્મક અભિનય આ ફિલ્મને ખાસ બનાવે છે.
જનરેશન ગેપ અને પિતા-પુત્રના અનોખા સંબંધોની વાર્તા
‘પપ્પા તમને નહીં સમજાય’ એ પિતા હસમુખલાલ મહેતા (મનોજ જોશી) અને તેમના પુત્ર મુંજાલ મહેતા (ભવ્ય ગાંધી) વચ્ચેના ખાસ સંબંધોની આસપાસ ફરતી વાર્તા છે. મુંજાલ જ્યારે કોલેજ જીવનમાં પ્રવેશે છે ત્યારે પિતા અને પુત્ર વચ્ચે 'જનરેશન ગેપ' સર્જાય છે. આધુનિક વિચારસરણી ધરાવતા દીકરા અને પરંપરાગત વિચારો ધરાવતા પિતા વચ્ચેના મતભેદો, ગેરસમજો અને આ અંતરને દૂર કરવા માટે હસમુખલાલ દ્વારા કરવામાં આવતા હૃદયસ્પર્શી તેમજ હાસ્યજનક પ્રયાસો ફિલ્મને અત્યંત રસપ્રદ બનાવે છે.
દરેક ઘરની વાર્તા છે આ ફિલ્મ: ધ્રુવિન શાહ
આ ખાસ ડિજિટલ રિલીઝ અંગે વાત કરતા જોજો (JOJO) એપના ફાઉન્ડર અને મેનેજિંગ ડિરેક્ટર ધ્રુવિન શાહે જણાવ્યું હતું કે, "અમે 'જોજો' પર હંમેશા એવું કન્ટેન્ટ લાવવાનો પ્રયાસ કરીએ છીએ જે દરેક ગુજરાતી પરિવારને એકસાથે બેસીને જોવું ગમે. ‘પપ્પા તમને નહીં સમજાય’ માત્ર એક કોમેડી ફિલ્મ નથી, પરંતુ દરેક ઘરની વાર્તા છે જેમાં પિતાનો પ્રેમ, સંતાનોની મહત્વાકાંક્ષા અને બે પેઢી વચ્ચેનો સંવાદ ખૂબ જ સુંદર રીતે વણાયેલો છે. 26 નવેમ્બરથી અમારા દર્શકો આ શાનદાર ફિલ્મનો આનંદ ઘરે બેઠા માણી શકશે તેનો અમને ખૂબ આનંદ છે."
177 થી વધુ દેશોના ગુજરાતીઓનું મનપસંદ પ્લેટફોર્મ
ઉલ્લેખનીય છે કે ‘જોજો’ (JOJO) એ વિશ્વની અગ્રણી ગુજરાતી OTT એપ છે, જે 177 થી વધુ દેશોમાં વસતા ગુજરાતીઓને તેમની માતૃભાષા અને સંસ્કૃતિ સાથે જોડે છે. દર અઠવાડિયે નવી ગુજરાતી ફિલ્મો, વેબ સિરીઝ, નાટકો અને શોઝ સાથે 'જોજો' વિશ્વભરના ગુજરાતી પરિવારોનું મનપસંદ મનોરંજન પ્લેટફોર્મ બની ચૂક્યું છે. ‘પપ્પા તમને નહીં સમજાય’ 26 નવેમ્બરથી માત્ર ‘જોજો’ એપ પર ઉપલબ્ધ થશે.
