Oscars 2027: ઓસ્કારની રેસમાં પહોંચી મરાઠી ફિલ્મ 'ગોંધલ', લોક પરંપરા પર આધારિત થ્રિલર ભારતીય સિનેમાનું પ્રતિનિધિત્વ કરશે

મરાઠી સાઈકોલૉજિકલ થ્રિલર ફિલ્મ 'ગોંધલ'ને 99માં એકેડમી એવોર્ડ (ઓસ્કાર 2027) માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે. સંતોષ ડાવખર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ મહારાષ્ટ્રની પ્રાચીન લોક કલા 'ગોંધલ' પર આધારિત છે અને IFFI 2025માં 'સિલ્વર પીકૉક' એવોર્ડ જીતી ચૂકી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 18 Sep 2026 10:49 PM (IST)Updated: Fri, 18 Sep 2026 10:49 PM (IST)
oscars-2027-marathi-movie-gondhal-to-represent-india-on-the-global-stage

Oscars 2027: મરાઠી સાઈકોલૉજિકલ થ્રિલર ફિલ્મ 'ગોંધલ'(Gondhal)ને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. આ ફિલ્મને 99માં અકેડમી એવોર્ડ (Oscar 2027) માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે. ફિલ્મ ફેડરેશન ઑફ ઈન્ડિયા (FFI)ની સિલેક્શન કમિટીએ દેશભરમાંથી આવેલી ફિલ્મો પૈકી મરાઠી ફિલ્મ 'ગોંધલ'ને સર્વશ્રેષ્ઠ ઈન્ટરનેશનલ ફિલ્મની કેટેગરી માટે પસંદ કરી છે.

સંતોષ ડાવખરના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મને અગાઉ IFFI 2025માં સર્વશ્રેષ્ઠ ડિરેક્ટરનો 'સિલ્વર પીકૉક' એવોર્ડ પણ મળ્યો હતો. આ મરાઠી ફિલ્મ 'ગોંધલ'ની વાર્તા મહારાષ્ટ્રની સૌથી પ્રાચીન લોક કલા અને ધાર્મિક રિવાજ ગોંધલની આસપાસ વણાયેલી છે. આ ફિલ્મમાં આ પરંપરાને વાર્તાના મુખ્ય ભાગ તરીકે વણી લેવામાં આવી છે.

આ ફિલ્મમાં સુમન (ઈશિતા દેશમુખ) નામની એક મહિલાની વાર્તા છે, જેના લગ્ન ધનિક પરિવારમાં થાય છે. લગ્ન બાદ પણ સુમનનો ભૂતકાળ તેનો પીછો નથી છોડતો. આ સબંધથી મુક્ત થવા માટે સુમન એક આત્મઘાતી યોજના બનાવે છે. આ ફિલ્મ સંસ્કૃતિની આડમાં છૂપાયેલ માનવીય લાલચ, દગો અને અપરાધના ડાર્ક થ્રિલરને પીરસે છે.

14 નવેમ્બર, 2025ના રોજ થિયેટરમાં રિલીઝ થયેલી 'ગોંધલ' ફિલ્મ ખૂબ જ ઓછા બજેટમાં બનેલી ફિલ્મ હતી. જેને ખૂબ જ મર્યાદિત સંશાધનોની મદદથી ગ્રામીણ પૃષ્ઠભૂમિ પર ફિલ્માવાઈ હતી. વિવેચકો દ્વારા વખાણવામાં આવી હોવા છતાં 'ગોંધલ' ફિલ્મે બોક્સ ઑફિસ પર માત્ર 84 થી 90 લાખ રૂપિયાની આસપાસ જ કલેક્શન કર્યું હતુ. આ ફિલ્મનું સૌથી મજબૂત પાસું તેનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે, જેને દિગ્ગજ સંગીતકાર ઈલૈયારાજાએ તૈયાર કર્યું હતુ.

ખાસ વાત એ છે કે, આ વર્ષે દેશની અલગ-અલગ ભાષાઓમાં બનેલી 33 ફિલ્મોએ ઑસ્કર માટે દાવેદારી કરી હતી, જે પૈકી 14 ફિલ્મો તો માત્ર હિન્દી ભાષાની હતી. આ સિવાય મરાઠી, તેલુગુ અને ગુજરાતી ફિલ્મે પણ ઑસ્કારની રેસમાં ભાગ લીધો હતો.

ભારત તરફથી ઑસ્કર એન્ટ્રી નક્કી કરવા માટે FFI દ્વારા 13 સભ્યોની એક સ્પેશિયલ જ્યુરી બનાવવામાં આવી હતી. જેમાં ગુજરાતી કલાકાર હિતુ કનોડિયા ઉપરાંત પી.શેષાદ્રી, અનિલ થૉમસ, વિજય પાટકર, શાંતિકુમાર, તનિષ્ટા ચેટર્જી સહિતના લોકો મેમ્બર હતા. આ જ્યુરીએ ઑસ્કર માટે મોકલવામાં આવેલી તમામ ફિલ્મો નિહાળ્યા બાદ પોતાનો નિર્ણય લીધો હતો. જેમાં આખરે મરાઠી ફિલ્મ 'ગોંધલ'ના નામ પર મંજૂરીની મહોર વાગી હતી.