72ndNational film awards: ભારતીય સિનેમા ક્ષેત્રે દેશના સૌથી પ્રતિષ્ઠિત એવા 'રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર' (National Film Awards) ના વિજેતાઓને લઈને સિનેપ્રેમીઓમાં હંમેશાં મોટો ઉત્સાહ જોવા મળે છે. ગુજરાતના એકતા નગર ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં બોલિવૂડથી લઈને સાઉથ સિનેમાના અનેક દિગ્ગજ કલાકારોને રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. વિજેતાઓમાં કાર્તિક આર્યન, મમ્મુટી અને વરિષ્ઠ અભિનેતા અનંત નાગ જેવા જાણીતા કલાકારોનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય પુરસ્કાર મેળવનારા કલાકારોને દેશના રાષ્ટ્રપતિના હસ્તે ઓફિશિયલ સર્ટિફિકેટ (પ્રમાણપત્ર), મેડલ, શાલ અથવા પટ્ટિકા અને રોકડ ઈનામી રકમ આપવામાં આવે છે. પરંતુ, બહુ ઓછા લોકો જાણે છે કે અલગ-અલગ કેટેગરીમાં વિજેતાઓને કેટલી રકમ અને કયું સન્માન મળે છે.
ગોલ્ડન લોટસ અને સિલ્વર લોટસ વચ્ચે શું તફાવત છે?
નેશનલ ફિલ્મ એવોર્ડ્સને મુખ્યત્વે બે શ્રેણીઓમાં વહેંચવામાં આવ્યા છે ગોલ્ડન લોટસ અને સિલ્વર લોટસ
ગોલ્ડન લોટસ (Golden Lotus): આ કેટેગરીમાં સિનેમા ક્ષેત્રના સૌથી સર્વોચ્ચ સન્માનોનો સમાવેશ થાય છે. જેમાં બેસ્ટ ફીચર ફિલ્મ, બેસ્ટ ડાયરેક્ટર અને બેસ્ટ પોપ્યુલર ફિલ્મ જેવા મુખ્ય એવોર્ડ આપવામાં આવે છે. આ ઉપરાંત ભારતીય સિનેમાનો સર્વોચ્ચ 'દાદાસાહેબ ફાળકે એવોર્ડ' પણ આ જ શ્રેણી હેઠળ આપવામાં આવે છે.
સિલ્વર લોટસ (Silver Lotus): આ કેટેગરીમાં કલાકારોના વ્યક્તિગત પ્રદર્શન અને તકનીકી ક્ષમતાઓને બિરદાવવામાં આવે છે. જેમાં બેસ્ટ એક્ટર , બેસ્ટ એક્ટ્રેસ, બેસ્ટ સપોર્ટિંગ રોલ અને બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટર જેવા એવોર્ડ્સનો સમાવેશ થાય છે.
વિજેતાઓને કેટલી રોકડ રકમ મળે?
રાષ્ટ્રીય એવોર્ડ વિજેતાઓને તેમની કેટેગરી મુજબ રોકડ રકમ પુરસ્કાર તરીકે આપવામાં આવે છે:
ગોલ્ડન લોટસ કેટેગરી: આ શ્રેણી હેઠળ વિજેતા બનનાર કલાકાર કે નિર્માતા-નિયામકને સ્વર્ણ કમળ સાથે ₹૩ લાખની રોકડ રકમ આપવામાં આવે છે.
સિલ્વર લોટસ કેટેગરી: આ શ્રેણીના વિજેતાઓને રજત કમળ સાથે ₹૨ લાખની રોકડ રકમ પૂરી પાડવામાં આવે છે.
એવોર્ડ શેરિંગનો નિયમ: જો કોઈ એક જ કેટેગરીમાં બે કલાકારોને સંયુક્ત રીતે એવોર્ડ મળે, તો ઈનામી રકમ બંને વચ્ચે સરખા ભાગે વહેંચવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કાર્તિક આર્યન અને મમ્મુટી બંનેને સંયુક્ત રીતે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળે છે (જે સિલ્વર કેટેગરીમાં આવે છે), તો નિયમ મુજબ નક્કી કરેલી ₹૨ લાખની કુલ રકમમાંથી બંને કલાકારોને ₹૧-૧ લાખ પ્રાપ્ત થાય છે.
દાદાસાહેબ ફાળકે એવોર્ડ વિજેતાને મળે છે સૌથી મોટું સન્માન
દાદાસાહેબ ફાળકે એવોર્ડ એ ગોલ્ડન લોટસ કેટેગરીનો સૌથી વિશેષ અને સર્વોચ્ચ પુરસ્કાર છે, જે કોઈ એક ફિલ્મ માટે નહીં પરંતુ કલાકારના સમગ્ર જીવનકાળ દરમિયાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આપેલા અતુલીય યોગદાન માટે આપવામાં આવે છે. આ એવોર્ડ મેળવનાર કલાકારને સ્વર્ણ કમળ, શાલ, સર્ટિફિકેટ અને ₹૧૫ લાખની અધધ રોકડ ઈનામી રકમ ફાળવવામાં આવે છે. આ વખતે સાઉથ સિનેમાના દંતકથાસમાન દિગ્ગજ અભિનેતા અનંત નાગને આ સર્વોચ્ચ બહુમાનથી નવાજવામાં આવ્યા છે.
