Manasi Parekh Birthday Surprise: ગુજરાતી સિનેમાની જાણીતી અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેત્રી-નિર્માતા માનસી પારેખે પોતાના જન્મદિવસે ચાહકોને એક અનોખી અને ડબલ સરપ્રાઇઝ આપી છે. સોશિયલ મીડિયા પર સત્તાવાર પોસ્ટ શેર કરીને માનસી પારેખ અને ગાયક-નિર્માતા પાર્થિવ ગોહિલે તેમના બે મોટા અપકમિંગ પ્રોજેક્ટ્સની જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ ઢોલીવુડ તેમજ મનોરંજન જગતમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આગામી સમય ગુજરાતી સિનેમા માટે વધુ એક ધમાકેદાર વર્ષ બનવા તરફ જઈ રહ્યું છે.
મિત્રતા અને પ્રેમની સુંદર સફર કરાવશે ફિલ્મ 'Mitrata'
માનસી પારેખે પોતાની પ્રથમ જાહેરાતમાં ફિલ્મ 'મિત્રતા' (Mitrata) વિશે વિગતો શેર કરી છે. આ ફિલ્મ વિશે વાત કરતા તેમણે લખ્યું કે, "આ એક એવી ફિલ્મ છે જે અમારા દિલની ખૂબ જ નજીક છે. કેટલીક વાર્તાઓ આપણું મનોરંજન કરે છે, પરંતુ કેટલીક વાર્તાઓ આપણને યાદ અપાવે છે કે જીવનમાં ખરેખર શું મહત્વનું છે." ફિલ્મ 'મિત્રતા' દોસ્તી, પ્રેમ, હાસ્ય અને જીવનની દરેક ઋતુમાં સાથે રહેતા અતૂટ સંબંધોની ઉજવણી કરતી એક ખૂબ જ સુંદર પારિવારિક ફિલ્મ છે.
આ ફિલ્મમાં જાણીતા ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર અને અભિનેતા વિરાજ ઘેલાની (Viraj Ghelani) મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તેમની સાથે દીપ નાયક, વિશ્વા જોશી સહિતના કલાકારો સ્ક્રીન શેર કરશે. આ ફિલ્મનું નિર્દેશન ઓનીલ (Oneel) દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે વિશાલ ડી.ઓ.પી. તરીકે જોડાયેલા છે. નિર્માતા તરીકે પાર્થિવ ગોહિલ અને માનસી પારેખ આ ફિલ્મને લઈને ખૂબ જ આતુર છે. આ ફિલ્મ આગામી 25 સપ્ટેમ્બરના રોજ થિયેટરોમાં રિલીઝ થવા માટે સંપૂર્ણ તૈયાર છે.
ગુજરાતી અને મરાઠી ભાષાની પ્રથમ દ્વિભાષી ફિલ્મ 'અદ્ભુત'
પ્રથમ સરપ્રાઇઝ બાદ માનસીએ ચાહકોને વધુ એક સરપ્રાઇઝ આપતા પોતાની બીજી ફિલ્મ 'અદ્ભુત' (Adhbhut) ની જાહેરાત કરી છે. આ ફિલ્મની ખાસિયત એ છે કે તે ગુજરાતી અને મરાઠી સિનેમાના ઇતિહાસની સૌથી પહેલી ઓફિશિયલ દ્વિભાષી (Bilingual) ફિલ્મ હશે. આ ફિલ્મમાં મરાઠી ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર સ્વપ્નિલ જોશી (Swapnil Joshi) અને માનસી પારેખ મુખ્ય ભૂમિકામાં સાથે જોવા મળશે.
આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું નિર્દેશન દિગ્ગજ ડાયરેક્ટર ગજેન્દ્ર અહીરે (Gajendra Ahire) કરી રહ્યા છે. આ ફિલ્મને પાર્થિવ ગોહિલ, માનસી પારેખ અને ધવલ ઠક્કર સંયુક્ત રીતે પ્રોડ્યુસ કરી રહ્યા છે, જ્યારે દેવરાજ દુબારિયા અને સુરભી ગ્રુપ ઓફ કંપનીઝ આમાં કો-પ્રોડ્યુસર તરીકે જોડાયેલા છે. 'સોલ સૂત્ર સ્ટુડિયોઝ' અને 'ફિલ્મવાલે ઓફિશિયલ'ના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મ આગામી વર્ષે એટલે કે 2027માં સિનેમાઘરોમાં ધમાકેદાર એન્ટ્રી કરશે.
માનસી પારેખની આ ડબલ જાહેરાતથી સ્પષ્ટ થાય છે કે તેઓ પ્રાદેશિક સિનેમાના દાયરાને વધારીને તેને એક નવા સ્તરે લઈ જવા માટે સખત મહેનત કરી રહ્યા છે. ચાહકો તેમજ ઇન્ડસ્ટ્રીના મિત્રો સોશિયલ મીડિયા પર માનસીને જન્મદિવસની શુભેચ્છા પાઠવવાની સાથે બંને ફિલ્મોની સફળતા માટે શુભકામનાઓ આપી રહ્યા છે.
