79th Cannes Film Festival 2026: વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત અને ભવ્ય ફિલ્મ ઉત્સવોમાંનો એક, કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ફરી એકવાર ફ્રાન્સના કાન્સ શહેરમાં (ફ્રેન્ચ રિવેરા) ધામધૂમથી શરૂ થઈ રહ્યો છે. 12 થી 23 મે 2026 સુધી ચાલનારા આ 79મા મહોત્સવમાં વિશ્વભરના દિગ્ગજ ફિલ્મ નિર્માતાઓ અને કલાકારો પોતાની કૃતિઓ સાથે ભાગ લેશે. આ ઇન્ટરનેશનલ સ્ટેજ પર ભારતીય સિનેમા અને ફેશનનો દબદબો જોવા માટે ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ પ્રોમો વીડિયો જોઈ ચાહકો નારાજ થયા છે. આ પ્રોમોમાં ઐશ્વર્યા રાય બચ્ચન ગાયબ થઈ ગઈ છે.
બ્રાન્ડ વીડિયોથી શરૂ થયેલો વિવાદ
ફેસ્ટિવલ શરૂ થાય તે પહેલા જ સોશિયલ મીડિયા પર એક વિવાદે જોર પકડ્યું છે. લોરિયલ પેરિસ દ્વારા શેર કરવામાં આવેલા લેટેસ્ટ પ્રોમો વીડિયોમાં આલિયા ભટ્ટ જોવા મળી રહી છે, પરંતુ વર્ષ 2004 થી બ્રાન્ડની ગ્લોબલ એમ્બેસેડર રહેલી ઐશ્વર્યા રાય બચ્ચન ગેરહાજર જણાતા તેના ચાહકો નારાજ થયા છે. ચાહકોનું કહેવું છે કે ઐશ્વર્યા વિના કાન્સ અધૂરું છે અને કોઈ તેની જગ્યા લઈ શકે નહીં.
જ્યુરી અને ઓપનિંગ સેરેમની
79મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની ઓપનિંગ સેરેમની ફ્રાન્સના પ્રખ્યાત પેલેસ ડેસ ફેસ્ટિવલ એટ દે કોંગ્રે ખાતે 12 May ની સાંજે યોજાશે. આ વર્ષે ફેસ્ટિવલની જ્યુરીની અધ્યક્ષતા પ્રખ્યાત દક્ષિણ કોરિયન ફિલ્મ નિર્માતા પાર્ક ચાન-વૂક કરી રહ્યા છે, જેઓ તેમની અનોખી સિનેમેટિક સ્ટાઇલ માટે જાણીતા છે. મહોત્સવનું સમાપન 23 મે ના રોજ થશે, જેમાં 'પાલ્મે ડી'ઓર' સહિતના પ્રતિષ્ઠિત પુરસ્કારો એનાયત કરવામાં આવશે.
રેડ કાર્પેટ પર ભારતીય સિતારાઓનો જમાવડો
આ વર્ષે પણ કાન્સમાં ભારતનું મજબૂત પ્રતિનિધિત્વ જોવા મળશે. બોલિવૂડની 'કાન્સ ક્વીન' ગણાતી ઐશ્વર્યા રાય બચ્ચન ફરી એકવાર રેડ કાર્પેટ પર પોતાનો જાદુ વિખેરશે. તેની સાથે આલિયા ભટ્ટ પણ આ ગ્લોબલ ઇવેન્ટમાં ભાગ લેવા માટે રવાના થઈ ચૂકી છે. આ ઉપરાંત, અભિનેત્રી તારા સુતારિયા આ વર્ષે પોતાનું કાન્સ ડેબ્યૂ કરવા જઈ રહી છે, જેના પર સૌની નજર ટકેલી છે. ફિલ્મ નિર્માતા કરણ જોહર, મૌની રોય અને પૂજા બત્રા પણ આ મહોત્સવમાં હાજરી આપવાના છે. ફિલ્મ નિર્માતા આશુતોષ ગોવારીકર ભારતના સત્તાવાર પ્રતિનિધિ મંડળના સભ્ય તરીકે દેશનું પ્રતિનિધિત્વ કરશે.
ગુજરાતી અને પ્રાદેશિક સિનેમાનું ગૌરવ
આ વર્ષે કાન્સમાં પ્રાદેશિક સિનેમાના કલાકારો પણ મોટી સંખ્યામાં જોવા મળશે. ગુજરાતી સિનેમા માટે ગૌરવની વાત એ છે કે અભિનેત્રી માનસી પારેખ અને ગાયક-નિર્માતા પાર્થિવ ગોહિલ આ મહોત્સવમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. પંજાબી સિનેમા તરફથી અભિનેતા અને ગાયક એમી વિર્ક તેમની ફિલ્મ 'ચાર્ડીકલા' સાથે ડેબ્યૂ કરશે. મરાઠી સિનેમાના દિગ્ગજ અભિનેતા અશોક સરાફ અને નિવિદિતા સરાફ પણ આ ફેસ્ટિવલનો હિસ્સો બનશે, જ્યારે મલયાલમ ફિલ્મ નિર્માતા ચિદમ્બરમ તેમની ફિલ્મ 'બાલન: ધ બોયઝ' રજૂ કરશે.
ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે લાઈવ?
જો તમે ઘરે બેઠા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની રેડ કાર્પેટ અને ઓપનિંગ સેરેમની જોવા માંગતા હોવ, તો કાન્સની સત્તાવાર યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અને તેમની સત્તાવાર વેબસાઇટ પર તેનું લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકાશે. ભારતની અનેક ફિલ્મો જેવી કે 'શેડોઝ ઓફ ધ મૂનલેસ નાઈટ્સ' અને હિન્દી-કન્નડ ડ્રામા 'સિતમ્બર 21' ના વર્લ્ડ પ્રીમિયર પણ આ મહોત્સવમાં યોજાવાના છે.
