Gujarati Movie Chatni Trailer Release: ઢોલીવુડના સુપરસ્ટાર મલ્હાર ઠાક્કર અને ગુણવાન અભિનેત્રી પૂજા જોષીની બહુપ્રતિક્ષિત ગુજરાતી ફિલ્મ 'ચટણી' (Chatni) નું સત્તાવાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. 'લવની ભવાઈ' જેવી બ્લોકબસ્ટર ફિલ્મ આપનારા દિગ્દર્શક સંદીપ પટેલના માર્ગદર્શન હેઠળ બનેલી આ ફિલ્મનું ટ્રેલર દર્શકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. પ્રેમનો મીઠો સ્વાદ, પરિવારની મજા, લાગણીઓની ખટાશ-મીઠાશ અને લાઈફના સરપ્રાઈઝિંગ ટ્વિસ્ટ્સથી સજ્જ આ ફિલ્મ 18 સપ્ટેમ્બર 2026ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.
મનોરંજનનું મજેદાર મિશ્રણ જોવા મળશે
'ચટણી' ફિલ્મનું ટ્રેલર દર્શાવે છે કે આ એક પ્યોર ફેમિલી એન્ટરટેઈનર ડ્રામા છે. ફિલ્મમાં લાગણીઓ, મસ્તી અને સંબંધોના ઉતાર-ચડાવને ખૂબ જ સુંદર રીતે વણી લેવામાં આવ્યા છે. મલ્હાર ઠાક્કર અને પૂજા જોષીની ઓન-સ્ક્રીન કેમિસ્ટ્રી ફરી એકવાર દર્શકોના દિલ જીતી રહી છે. આ ફિલ્મ 'ઈફોરુ એન્ટરટેઈનમેન્ટ' (Eforu Entertainment) પ્રસ્તુત 'બુદ્ધિપ્રિય પિક્ચર્સ એલએલપી' (A Buddhipriyay Pictures LLP) ના બેનર હેઠળ નિર્માણ પામી છે.
દમદાર સ્ટારકાસ્ટ જોવા મળશે
ફિલ્મનું નિર્દેશન સંદીપ પટેલે કર્યું છે અને તેની સ્ટોરી હર્ષ શોધણ તથા સંદીપ પટેલે સાથે મળીને લખી છે. ફિલ્મના નિર્માતા પ્રશાંત મોદી, નિલેશ મોદી, અમિત વેદાવાળા અને હર્ષ પટેલ છે. વિશેષ વાત એ છે કે મુખ્ય કલાકારો પૂજા જોષી અને મલ્હાર ઠાક્કર આ ફિલ્મના સહ-નિર્માતા (Co-producers) પણ છે. નીરજ જોષી ક્રિએટિવ પ્રોડ્યુસર તરીકે જોડાયેલા છે. ફિલ્મમાં મલ્હાર અને પૂજા ઉપરાંત સ્મિત જોષી, પ્રેમલ યાજ્ઞિક, મનીષા ત્રિવેદી, આકાશ ઝાલા, આરજે હિરેન, પૌરવ શાહ, રિયા મકવાણા, કરણ અને સતીશ ભટ્ટ જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
18 સપ્ટેમ્બરે થિયેટરોમાં થશે ધમાકો
ફિલ્મનું ડિસ્ટ્રિબ્યુશન રૂપા એન્ટરટેઈનમેન્ટ (Rupa Entertainment Pvt Ltd) દ્વારા કરવામાં આવી રહ્યું છે, જ્યારે ઓવરસીઝ ડિસ્ટ્રિબ્યુટર તરીકે OMG Pictures છે. ટ્રેલર સામે આવ્યા બાદ ગુજરાતી સિનેમાપ્રેમીઓમાં ફિલ્મ 'ચટણી' જોવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
