Mahesh Babu Family Tree: 'પ્રિન્સ ઓફ ટોલીવુડ' તરીકે જાણીતા મહેશ બાબુ (Mahesh Babu Birthday) 9 ઓગસ્ટે પોતાનો 51મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ફિલ્મી દુનિયામાં પોતાની અલગ ઓળખ બનાવનાર મહેશ બાબુ એક જાણીતા ફિલ્મી પરિવારમાંથી આવે છે. તેમના પિતા સુપરસ્ટાર કૃષ્ણાથી લઈને પત્ની નમ્રતા શિરોડકર, બાળકો અને ભાઈ-બહેનો સુધી તેમનો પરિવાર પણ એટલો જ રસપ્રદ છે. આવો જાણીએ મહેશ બાબુની Family Tree વિશે.
અભિનય ક્ષેત્રે શરૂઆત અને સફળ કારકિર્દી
મહેશ બાબુ (Mahesh Babu) એ ચેન્નાઈની સેન્ટ બેડેઝ એંગ્લો ઈન્ડિયન હાયર સેકન્ડરી સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. તેમણે માત્ર 4 વર્ષની નાની ઉંમરે બાળ કલાકાર તરીકે અભિનયની શરૂઆત કરી હતી. ત્યારબાદ અભ્યાસ પૂર્ણ કરવા માટે તેમણે અભિનયમાંથી બ્રેક લીધો હતો. વર્ષ 1999માં ફિલ્મ 'રાજા કુમારુડુ' થી તેમણે મુખ્ય અભિનેતા તરીકે ડેબ્યૂ કર્યું હતું.
પોતાની બે દાયકાથી વધુની કારકિર્દીમાં તેઓ 40 થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. અભિનય સિવાય તેઓ ફિલ્મ નિર્માતા પણ છે. સિંગાપોરના મેડમ તુસાદ મ્યુઝિયમમાં મીણની પ્રતિમા ધરાવતા તેઓ એકમાત્ર તેલુગુ અભિનેતા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પણ તેઓ સૌથી વધુ ફોલો થનારા દક્ષિણ ભારતીય સ્ટાર છે.
અંગત જીવન અને સામાજિક યોગદાન
મહેશ બાબુને 'ફેમિલી મેન' તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ પોતાની કમાણીનો મોટો હિસ્સો સમાજસેવા અને ચેરિટી માટે આપે છે. વર્ષ 2000માં ફિલ્મ 'વામસી' ના સેટ પર તેમની મુલાકાત અભિનેત્રી નમ્રતા શિરોડકર (Namrata Shirodkar) સાથે થઈ હતી, જેના પછી 2005માં બંનેએ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ નમ્રતાએ અભિનય છોડી દીધો હતો અને હાલ તેઓ હૈદરાબાદમાં મહેશ બાબુનું બિઝનેસ મેનેજમેન્ટ સંભાળે છે. આ દંપતીને સિતારા ઘટ્ટામનેની અને ગૌતમ નામના બે બાળકો છે.
મહેશ બાબુનો પરિવાર
મહેશ બાબુના પિતા કૃષ્ણા તેલુગુ સિનેમાના જાણીતા અભિનેતા હતા. તેમને બે લગ્ન કર્યા હતા. કૃષ્ણાની પ્રથમ પત્ની ઈન્દિરા દેવી હતી અને ત્યારબાદ તેમણે વિજય નિર્મલા સાથે લગ્ન કર્યા હતા. ઈન્દિરા દેવી સાથે તેમને પાંચ બાળકો મહેશ બાબુ, રમેશ બાબુ, પદ્માવતી, મંજુલા અને પ્રિયદર્શિની હતા. કૃષ્ણાના બીજા એક લગ્ન અભિનેત્રી વિજય નિર્મલા સાથે થયા હતા.
- પદ્માવતી: મહેશ બાબુની મોટી બહેન પદ્માવતીના લગ્ન ઉદ્યોગપતિ અને રાજકારણી ગલ્લા જયદેવ સાથે થયા છે. તેમનો એક પુત્ર અશોક ગલ્લા અભિનેતા છે અને બીજો પુત્ર સિદ્ધાર્થ ગલ્લા રાજકારણમાં છે.
- મંજુલા: તેલુગુ સિનેમામાં અભિનેત્રી, ડિરેક્ટર અને નિર્માતા તરીકે સક્રિય છે. તેમણે સંજય સ્વરૂપ સાથે લગ્ન કર્યા છે.
- પ્રિયદર્શિની: સૌથી નાની બહેન પ્રિયદર્શિનીના લગ્ન જાણીતા અભિનેતા-નિર્માતા સુધીર બાબુ સાથે થયા છે.
- નરેશ બાબુ: પિતાની બીજી પત્ની વિજય નિર્મલાના પુત્ર અને સાવકા ભાઈ નરેશ બાબુ પણ તેલુગુ ઈન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા છે.
મહેશ બાબુની આગામી ફિલ્મ
મહેશ બાબુ આગામી સમયમાં બાહુબલી ફેમ ડિરેક્ટર એસ. એસ. રાજામૌલીની ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મનું નામ 'વારાણસી' (Varanasi) છે, જેમાં તેમની સાથે પ્રિયંકા ચોપરા અને પૃથ્વીરાજ સુકુમારન પણ મુખ્ય ભૂમિકામાં હશે. આ ફિલ્મ 7 એપ્રિલ, 2027 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.
