વેલિંગ્ટન ટેસ્ટમાં KL રાહુલની શાનદાર સદી: SENA દેશોમાં આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો, સેહવાગ-ગાવસ્કરને પાછળ છોડ્યા

કે.એલ. રાહુલે આ સદી સાથે એક ઐતિહાસિક સિદ્ધિ પોતાના નામે કરી છે. તે SENA દેશો દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા તમામમાં ટેસ્ટ સદી ફટકારનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sat, 21 Nov 2026 08:45 AM (IST)Updated: Sat, 21 Nov 2026 08:45 AM (IST)
kl-rahul-century-wellington-test-first-indian-opener-sena-countries-india-vs-new-zealand-gujarati-news
કે.એલ. રાહુલ

KL Rahul Century Wellington Test: ટીમ ઈન્ડિયાના ઓપનર બેટ્સમેન કે.એલ. રાહુલે વેલિંગ્ટનના બેસિન રિઝર્વ ખાતે ન્યૂઝીલેન્ડ સામે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં શાનદાર સદી ફટકારીને ઈતિહાસ રચ્યો છે. શનિવારે મેચના ત્રીજા દિવસે રાહુલે 209 બોલમાં 100 રનનો આંકડો પાર કર્યો હતો. 52 રનથી આગળ રમતા તેણે સંયમ અને આક્રમકતાનો ઉત્તમ સમન્વય દાખવ્યો હતો. આ સદી સાથે જ રાહુલ ન્યૂઝીલેન્ડમાં ટેસ્ટ સદી ફટકારનાર માત્ર ચોથો ભારતીય ઓપનર બન્યો છે.

SENA દેશોમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય ઓપનર

કે.એલ. રાહુલે આ સદી સાથે એક ઐતિહાસિક સિદ્ધિ પોતાના નામે કરી છે. તે SENA દેશો દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા તમામમાં ટેસ્ટ સદી ફટકારનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો છે. આ મામલે તેણે વીરેન્દ્ર સેહવાગ અને સુનીલ ગાવસ્કર જેવા દિગ્ગજ ઓપનરોને પણ પાછળ છોડી દીધા છે. ઉલ્લેખનીય છે કે સેહવાગે ન્યૂઝીલેન્ડમાં ક્યારેય ટેસ્ટ સદી ફટકારી નથી, જ્યારે ગાવસ્કરે દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ ક્રિકેટ રમી નથી.

આ ઉપરાંત, રાહુલ SENA દેશોમાં સદી ફટકારનાર પાંચમો ભારતીય બેટ્સમેન બન્યો છે. અગાઉ સચિન તેંડુલકર, વિરાટ કોહલી, રાહુલ દ્રવિડ અને મોહમ્મદ અઝહરુદ્દીન આ યાદીમાં સ્થાન મેળવી ચૂક્યા છે.

મહત્વપૂર્ણ ભાગીદારીથી ભારત મજબૂત સ્થિતિમાં

વેલિંગ્ટન ટેસ્ટમાં કે.એલ. રાહુલે બે મોટી ભાગીદારી કરીને ભારતને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું હતું. સૌપ્રથમ તેણે ઓપનર યશસ્વી જયસ્વાલ સાથે મળીને 130 રનની ભાગીદારી નોંધાવી હતી, જે ન્યૂઝીલેન્ડમાં ભારત તરફથી બીજી સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી છે. જયસ્વાલે માત્ર 89 બોલમાં 16 ચોગ્ગાની મદદથી 85 રનની ઝડપી ઇનિંગ્સ રમી હતી, પરંતુ તે સદી ચૂકી ગયો હતો.

ત્યારબાદ રાહુલે બીજી વિકેટ માટે દેવદત્ત પડિક્કલ સાથે 165 રન જોડ્યા હતા. પડિક્કલે પણ 80 રનનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું, જોકે તે પણ સદી પૂરી કરી શક્યો ન હતો. રાહુલની આ સદી અને બંને ભાગીદારીઓની મદદથી ભારતીય ટીમે મેચ પર મજબૂત પકડ જમાવી છે.