King of Salangpur Trailer Launch: ગુજરાતી સિનેમામાં ભક્તિ અને આસ્થાને કેન્દ્રમાં રાખીને બનેલી ફિલ્મ ‘કિંગ ઓફ સાળંગપુર’નું દમદાર ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ખાસ અવસર માટે સાળંગપુર ધામ ખાતે ભવ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રેલી, ધ્વજારોહણ, મહાઆરતી અને લોકસાહિત્યકાર બ્રિજદાન ગઢવીના ડાયરાએ ઉત્સવમાં ચાર ચાંદ લગાવ્યા હતા. ફિલ્મના ટ્રેલરને પણ ઉપસ્થિત લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો.
સાળંગપુર ધામમાં ભક્તિ અને ઉત્સવનો માહોલ
ઝી સ્ટુડિયોઝ અને વામિકા પ્રોડક્શન દ્વારા પ્રસ્તુત ફિલ્મ ‘કિંગ ઓફ સાળંગપુર’ના પ્રમોશન અને શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના આશીર્વાદ મેળવવા માટે સાળંગપુર ધામ ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.
ઉત્સવની શરૂઆત બપોરે 4 વાગ્યે હનુમાનજી દાદાના જયઘોષ સાથે ભવ્ય રેલીથી થઈ હતી. ત્યારબાદ સાંજે 6:15 વાગ્યે પરંપરાગત વિધિથી ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. સાંજે 6:30 વાગ્યે દાદાની મહાઆરતી યોજાઈ હતી, જેમાં ભક્તોએ ભક્તિભાવ સાથે ભાગ લીધો હતો.
રાત્રે ફિલ્મ ‘કિંગ ઓફ સાળંગપુર’નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. ટ્રેલરમાં હનુમાનજી દાદાની મહિમા અને સાળંગપુર ધામના ઐતિહાસિક વારસાની ઝલક જોવા મળી હતી. આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ ટ્રેલરને ઉત્સાહભેર વધાવ્યું હતું.
બ્રિજદાન ગઢવીના ડાયરાએ જમાવી રંગત
ટ્રેલર લોન્ચ બાદ રાત્રે 10 વાગ્યે જાણીતા લોકસાહિત્યકાર બ્રિજદાન ગઢવીનો લાઈવ ડાયરો યોજાયો હતો. તેમણે પોતાની આગવી શૈલીમાં હનુમાનજી દાદાની મહિમા, સંતવાણી અને ગુજરાતી લોકસાહિત્યની રજૂઆત કરી હતી. તેમના ડાયરાની રમઝટથી સમગ્ર સાળંગપુર ધામમાં ભક્તિ અને લોકસંસ્કૃતિનો અનોખો માહોલ સર્જાયો હતો.
ફિલ્મના ટ્રેલરમાં જોવા મળશે સાળંગપુર ધામનો ભવ્ય ઇતિહાસ
ફિલ્મ ‘કિંગ ઓફ સાળંગપુર’ના ટ્રેલરમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાની અસીમ કૃપા, ભક્તોની અતૂટ શ્રદ્ધા અને સાળંગપુર ધામના દિવ્ય ઇતિહાસને દર્શાવવામાં આવ્યો છે. ટ્રેલરની શરૂઆત પવિત્ર મંત્રોચ્ચાર અને હનુમાનજી દાદાની મહિમા સાથે થાય છે, જે દર્શકોને ભક્તિભાવનો અનુભવ કરાવે છે.
આ ફિલ્મમાં વિક્રમ સંવત 1905ના ઐતિહાસિક સમયગાળાની ઘટનાઓને પણ રજૂ કરવામાં આવી છે. ખાસ કરીને સાળંગપુર ધામના નિર્માણ અને સદ્દગુરુ ગોપાલાનંદ સ્વામી દ્વારા હનુમાનજી દાદાની પ્રતિષ્ઠા સાથે જોડાયેલી ઘટનાઓની ઝલક જોવા મળે છે.
ટ્રેલરમાં માનવીય સંઘર્ષ, મુશ્કેલીઓ સામે લડવાની હિંમત અને સંકટના સમયે હનુમાનજી દાદા પર રાખવામાં આવતી અતૂટ શ્રદ્ધાને ભાવનાત્મક સંવાદો દ્વારા રજૂ કરવામાં આવી છે. ફિલ્મનાં દૃશ્યો, બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને કલાકારોનો અભિનય દર્શકોમાં ઉત્સુકતા જગાવે તેવો છે.
કોણે બનાવી છે ‘કિંગ ઓફ સાળંગપુર’ ફિલ્મ?
સંજય પ્રજાપતિએ આ ફિલ્મની વાર્તા લખી છે, જ્યારે પ્રશાંત દેશાવલેએ તેનું દિગ્દર્શન કર્યું છે. ફિલ્મમાં આકાશ પંડ્યા, આર.જે. સલોની, ભૂષણ ભટ્ટ, ભાવિન, મયૂર કુમાર, સાગર પંચાલ, હરિકૃષ્ણ દવે, ભરત ઠક્કર, હેતલ બારોટ, કલ્પેશ પટેલ, નિહારિકા દવે, મીત, અતુલ પ્રજાપતિ, પ્રથમ, પરેશ શુક્લા અને મહેશ કોટેચા સહિતના કલાકારો જોવા મળશે.
આ ફિલ્મનું નિર્માણ ધ્રુવ દેશાવલ, અમિત સંતોકી, ચેતન થુમ્મર, આનંદ અઘારા અને હાર્દિક પટેલે કર્યું છે. જ્યારે મોહિત વઘાસિયા સહ-નિર્માતા છે. ભક્તિ, ઇતિહાસ અને ગુજરાતી સંસ્કૃતિને સિનેમાના માધ્યમથી રજૂ કરતી આ ફિલ્મને લઈને ગુજરાતી ફિલ્મપ્રેમીઓમાં ઉત્સુકતા જોવા મળી રહી છે.
