Kiara Advani Pregnancy News: બોલીવુડના સૌથી લોકપ્રિય કપલમાંથી એક કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના ચાહકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. લગ્નના લગભગ ત્રણ વર્ષ બાદ કપલે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે કે તેઓ બીજી વખત માતા-પિતા બનવા જઈ રહ્યા છે. કિયારા અને સિદ્ધાર્થની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
ક્યૂટ તસવીર સાથે આપી ખુશખબર
કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સંયુક્ત પોસ્ટ શેર કરીને બીજી પ્રેગ્નન્સીની જાણકારી આપી હતી. પોસ્ટમાં તેમની દીકરી સરાયાહ મલ્હોત્રા નાના સફેદ રંગના બેબી સોક્સ હાથમાં પકડેલી જોવા મળે છે, જ્યારે કિયારા અને સિદ્ધાર્થ તેના હાથને પ્રેમથી સપોર્ટ કરતા દેખાય છે.
આ તસવીર સાથે કપલે ભાવુક કેપ્શન પણ લખ્યું. તેમણે જણાવ્યું કે એક વખત ફરી જીવનની સૌથી મોટી ભેટ તેમના ઘરે આવવાની છે અને તેમનું દિલ પ્રેમ તથા આભારથી ભરાઈ ગયું છે. પોસ્ટ શેર થતાં જ લાખો ચાહકો અને સેલેબ્સે શુભેચ્છાઓ પાઠવવાનું શરૂ કરી દીધું હતું.
જુલાઈ 2025માં થયો હતો પ્રથમ સંતાનનો જન્મ
કિયારા અને સિદ્ધાર્થના લગ્ન 7 ફેબ્રુઆરી 2023ના રોજ રાજસ્થાનના જેસલમેર સ્થિત સૂર્યગઢ પેલેસમાં થયા હતા. આ લગ્નમાં પરિવારના સભ્યો અને નજીકના મિત્રો હાજર રહ્યા હતા. લગ્નના બે વર્ષ બાદ જુલાઈ 2025માં કપલના ઘરે પુત્રીનો જન્મ થયો હતો. બાદમાં નવેમ્બર 2025માં બંનેએ પોતાની દીકરીનું નામ સરાયાહ મલ્હોત્રા હોવાનું જાહેર કર્યું હતું. હવે દીકરીના જન્મ બાદ કપલના પરિવારમાં ફરી એક નવા મહેમાનનું આગમન થવાનું છે.
'શેરશાહ'થી શરૂ થઈ હતી પ્રેમ કહાની
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની પહેલી મુલાકાત 'લસ્ટ સ્ટોરીઝ'ની રેપ-અપ પાર્ટીમાં થઈ હતી. જોકે બંને વચ્ચેની નજીકતા ફિલ્મ 'શેરશાહ'ના શૂટિંગ દરમિયાન વધી હતી. આ ફિલ્મમાં બંનેની જોડી દર્શકોને ખૂબ પસંદ આવી હતી.
ત્યારબાદ બંનેના સંબંધોની ચર્ચા સતત ચાલી રહી હતી અને વર્ષ 2022માં કરણ જોહરના શો 'કોફી વિથ કરણ'માં તેમના સંબંધોને લઈને સંકેતો પણ મળ્યા હતા. આખરે વર્ષ 2023માં બંનેએ લગ્ન કરીને પોતાના સંબંધને નવું નામ આપ્યું હતું.
ફેન્સે પાઠવી શુભેચ્છાઓ
બીજી પ્રેગ્નન્સીની જાહેરાત બાદ સોશિયલ મીડિયા પર અભિનંદનોનો વરસાદ જોવા મળી રહ્યો છે. ભૂમિ પેડનેકર સહિત અનેક બોલીવુડ સેલેબ્સે કપલને શુભેચ્છાઓ પાઠવી છે. ચાહકો પણ આ ખુશખબરથી ઉત્સાહિત જોવા મળી રહ્યા છે અને પોસ્ટ પર પ્રેમભરી કોમેન્ટ્સ કરી રહ્યા છે.
