'ગુજ્જુ લવ ગુરુ'ના પરિવારના આઘાતમાં ભાગીદાર બન્યા ખજૂરભાઈ: રૂબરૂ મળીને સહાય કરશે, વીડિયો શેર કરી કહી આ મોટી વાત

ખજૂરભાઈએ પોતાના વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે, બનાસકાંઠાની પવિત્ર ધરતીના આ અદભુત કલાકાર અને લોકપ્રિય ઇન્ફ્લુએન્સરના અચાનક વિદાયથી બનાસકાંઠા જ નહીં પરંતુ આખા ગુજરાતે એક ઉદારદિલ કલાકાર અને પરોપકારી સમાજસેવક ખોયો છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sat, 19 Sep 2026 11:51 AM (IST)Updated: Sat, 19 Sep 2026 11:51 AM (IST)
khajurbhai-nitin-jani-video-on-gujju-love-guru-chandan-rathod-death-financial-help
ગુજ્જુ લવ ગુરુ

Khajurbhai Video On Gujju Love Guru: સોશિયલ મીડિયા પર પોતાની દેશી હાસ્ય શૈલીથી લાખો ચાહકોના દિલ જીતનારા જાણીતા યુટ્યુબર અને કલાકાર 'ગુજ્જુ લવગુરુ' (ચંદન રાઠોડ)ના આકસ્મિક નિધનથી સમગ્ર ગુજરાતમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે. આ દુઃખદ સમયે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને જાણીતા સમાજસેવક નીતિન જાની ઉર્ફે 'ખજૂરભાઈ'એ એક ખાસ વીડિયો શેર કરીને સ્વ. ચંદન રાઠોડની સેવાભાવનાને બિરદાવી હતી અને તેમના પરિવાર માટે રૂબરૂ જઈને આર્થિક સહાય પૂરી પાડવાની જાહેરાત કરી છે.

બનાસકાંઠાની પવિત્ર ધરતીના પરોપકારી કલાકાર

ખજૂરભાઈએ પોતાના વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે, બનાસકાંઠાની પવિત્ર ધરતીના આ અદભુત કલાકાર અને લોકપ્રિય ઇન્ફ્લુએન્સરના અચાનક વિદાયથી બનાસકાંઠા જ નહીં પરંતુ આખા ગુજરાતે એક ઉદારદિલ કલાકાર અને પરોપકારી સમાજસેવક ખોયો છે. 'ગુજ્જુ લવગુરુ' માત્ર મનોરંજન પૂરતા સીમિત ન હતા, પરંતુ તેમની અંદર સેવાભાવના કૂટ-કૂટાઈને ભરેલી હતી. બનાસકાંઠાના રસ્તાઓ પર જ્યારે પણ કોઈ અકસ્માત સર્જાતો, ત્યારે પોતાના ખિસ્સામાં પૈસા હોય કે ન હોય, તેઓ પોતે ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવા દોડી જતા હતા. આ ઉપરાંત રસ્તા પર રઝળતી કે હેરાન થતી ગાયોની સેવા અને જીવદયાના કાર્યો માટે પણ તેઓ હંમેશાં આગળ રહેતા હતા.

પરિવાર માટે ₹1.50 લાખની સહાય અને મોટી અપીલ

'ગુજ્જુ લવગુરુ' પોતાના પરિવારમાં 2 નાના બાળકો અને પત્ની સહિત પરિવારજનોને વિલાપ કરતા છોડી ગયા છે. હંમેશાં અન્ય લોકોનું ભલું વિચારનારા આ કલાકારના પરિવાર પર અણધાર્યો આઘાત આવી પડ્યો છે. ખજૂરભાઈએ જાહેરાત કરી હતી કે તેઓ પોતે દોઢ લાખ રૂપિયાની આર્થિક સહાય સાથે સ્વ. ચંદન રાઠોડના પરિવારને રૂબરૂ મળવા સુઈગામ જઈ રહ્યા છે.

આ સાથે જ તેમણે એક ભાવુક અપીલ કરતાં કહ્યું કે, આ અત્યંત મુશ્કેલ અને દુઃખદ સમયે ગુજરાતની કલાકાર ઇન્ડસ્ટ્રી, ડિજિટલ ઇન્ફ્લુએન્સર ઇન્ડસ્ટ્રી તેમજ ગુજરાતના અગ્રણી નેતાઓએ આગળ આવવું જોઈએ અને તેમના પરિવારને આર્થિક તથા સામાજિક સહારા માટે મદદરૂપ થવું જોઈએ. 'ગુજ્જુ લવગુરુ'ની ખોટ સમસ્ત ગુજરાત અને કલાજગતને સદાય સાલતી રહેશે.