Gujarati Film Laalo: જીગ્નેશ દાદાએ 'લાલો' ફિલ્મ પર વરસાવ્યો પ્રેમ, કહ્યું- 500 કરોડની ફિલ્મોને ન મળે એટલો પ્રેમ 50 લાખમાં પામી ગયા

જાણીતા કથાકાર જીગ્નેશ દાદા (રાધે રાધે) દ્વારા તાજેતરમાં ચર્ચિત ગુજરાતી ફિલ્મ 'લાલો - કૃષ્ણ સદા સહાયતે' (Laalo - Krishna Sada Sahaayate) ના મુક્તકંઠે વખાણ કરવામાં આવ્યા છે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Thu, 27 Nov 2025 10:27 AM (IST)Updated: Thu, 27 Nov 2025 10:27 AM (IST)
jignesh-dada-shares-his-thoughts-on-gujarati-film-laalo-krishna-sada-sahaayate

Laalo Krishna Sada Sahaayate: જાણીતા કથાકાર અને આધ્યાત્મિક વક્તા જીગ્નેશ દાદા (રાધે રાધે) દ્વારા તાજેતરમાં ચર્ચિત ગુજરાતી ફિલ્મ 'લાલો - કૃષ્ણ સદા સહાયતે' (Laalo - Krishna Sada Sahaayate) ના મુક્તકંઠે વખાણ કરવામાં આવ્યા છે. તેમણે ફિલ્મના યુવા કલાકારો અને નિર્માતાઓ પર ભગવાન શ્રી કૃષ્ણની વિશેષ કૃપા હોવાનું જણાવી તેમના સાહસને બિરદાવ્યું હતું.

બજેટ નહીં, પણ ભાવ મહત્વનો

જીગ્નેશ દાદાએ ફિલ્મ ઉદ્યોગની વાસ્તવિકતા પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં મોટા બેનરની 500-500 કરોડના જંગી બજેટ સાથે બનતી ફિલ્મોને પણ જે લોકચાહના નથી મળતી, તે આ યુવા ટીમે માત્ર 50 લાખના સીમિત બજેટમાં મેળવી લીધી છે. તેમણે આ સફળતાનો સંપૂર્ણ શ્રેય દ્વારિકાનાથના આશીર્વાદને આપતા કહ્યું હતું કે, 'પૈસા તો ચોર પણ કમાઈ શકે છે, પરંતુ આ ટીમે સમાજમાં સાચો પ્રેમ અને સન્માન કમાવ્યું છે, જે અમૂલ્ય છે.'

અંકિતે માતાનું નામ જોડીને જીત્યું દાદાનું દિલ

જીગ્નેશ દાદાએ સ્પષ્ટતા કરી હતી કે, તેમણે વિવેચકોની પરવા કર્યા વિના પોતાના પરિવાર સાથે આ ફિલ્મ નિહાળી હતી. ફિલ્મ દરમિયાન તેમને સૌથી વધુ સ્પર્શી ગયેલી બાબત નિર્દેશક અંકિતની નામ પદ્ધતિ હતી. ભારતીય પરંપરામાં સામાન્ય રીતે વ્યક્તિના નામ પાછળ પિતાનું નામ જોડાતું હોય છે, પરંતુ અંકિતે સ્ક્રીન પર પોતાની ઓળખમાં માતાનું નામ જોડીને 'અંકિત રેખાબેન' તરીકે ક્રેડિટ આપી છે.

આ નવીન અને સંવેદનશીલ વિચારની સરાહના કરતા જીગ્નેશ દાદા ભાવુક થયા હતા અને જણાવ્યું હતું કે, 'જે દીકરાએ પોતાની માતાનું નામ પોતાના નામ પાછળ લગાડ્યું હોય, તે જિંદગીમાં ક્યારેય પાછો નથી પડતો.' તેમણે હાજર જનમેદનીને તાળીઓના ગડગડાટ સાથે આ વિચારસરણી અને ટીમના પ્રયાસોને વધાવી લેવા અનુરોધ કર્યો હતો.