Ruff and Tuff Kanya Title Song: ગુજરાતી સિનેમામાં અવનવા પ્રયોગો અને મનોરંજનનો દોર સતત આગળ વધી રહ્યો છે, ત્યારે ગુજરાતી ફિલ્મ ‘રફ એન્ડ ટફ કન્યા’નું ધમાકેદાર ટાઇટલ સોંગ રિલીઝ કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે ફિલ્મોમાં હિરો અને હિરોઇન વચ્ચેના પ્રેમપ્રસંગો પર આધારિત રોમેન્ટિક ગીતો જોવા મળતા હોય છે, પરંતુ આ ફિલ્મમાં સસરા અને જમાઈ વચ્ચેની મજેદાર રમૂજી ટક્કર દર્શાવતું અનોખું ‘હેટ એન્થમ ઓફ ધ યર’ રજૂ કરવામાં આવ્યું છે, જે દર્શકોને હસાવી હસાવીને લોટપોટ કરી દેશે.
જિગરદાન ગઢવીનો એકદમ અલગ અને જોશીલો અંદાજ
‘વ્હાલમ આવો ને’ અને ‘તારી મધ મીઠી’ જેવા સુપરહિટ રોમેન્ટિક ગીતોથી ચાહકોના દિલ જીતનાર લોકપ્રિય ગુજરાતી ગાયક જિગરદાન ગઢવીના અવાજે આ ટાઇટલ સોંગમાં નવો જ પ્રાણ પૂર્યો છે. આ વખતે જિગરદાન પોતાના નિયમિત રોમેન્ટિક અંદાજથી હટીને એકદમ અલગ અને જોશથી ભરેલા અવતારમાં જોવા મળી રહ્યા છે. એન્ડ્રુ સેમ્યુઅલ દ્વારા કમ્પોઝ કરવામાં આવેલા અને ઉજ્જવલ દવે દ્વારા લખાયેલા આ ગીતમાં રમૂજ, એટિટ્યૂડ અને એનર્જીનો અદભુત સંગમ જોવા મળે છે.
સસરા અને જમાઈની નોકઝોક પર હિતેન કુમારની પ્રતિક્રિયા
ફિલ્મના પીઢ અને લોકપ્રિય અભિનેતા હિતેન કુમારે આ ગીત અંગે ઉત્સાહ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, "જ્યારે મેં પહેલીવાર આ ગીતનો કોન્સેપ્ટ સાંભળ્યો ત્યારે મને તે અત્યંત રસપ્રદ લાગ્યો હતો. અત્યાર સુધી અનેક યાદગાર ફિલ્મો અને ગીતો કર્યા પછી પણ સસરા અને જમાઈ વચ્ચેનું આવું ‘હેટ એન્થમ’ મેં ક્યારેય જોયું કે સાંભળ્યું નહોતું. આપણે ટીવી અને ફિલ્મોમાં સાસુ-વહુના કિસ્સા અને ફેમિલી કોમેડી ઘણી જોઈ છે, પરંતુ આ ફિલ્મમાં સસરા અને જમાઈ વચ્ચેની મસ્તી અને નોકઝોકને આજના યુવા અને કૌટુંબિક દર્શકોને ગમે તે રીતે રજૂ કરાઈ છે."
હિતેન કુમારે વધુમાં ઉમેર્યું કે, સહ-અભિનેતા રવિ ગોહિલ એક શાનદાર ડાન્સર છે અને તેમની સાથે શૂટિંગ કરવાની ખૂબ મજા આવી. બંનેની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી આ ગીતને વધુ આકર્ષક બનાવે છે.
ફિલ્મની વાર્તા, સ્ટારકાસ્ટ અને રિલીઝ ડેટ
બિરલા સ્ટુડિયોઝ દ્વારા પ્રસ્તુત અને બિગ બોક્સ સિરીઝ પ્રોડક્શન દ્વારા નિર્મિત આ ફિલ્મનું દિગ્દર્શન જાણીતા ડિરેક્ટર યશ વૈષ્ણવ દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મની વાર્તા બે અનોખા ગુજરાતી પરિવારોની આસપાસ ફરે છે, જેમાં હિતેન કુમાર ‘શિવ પંડિત’ નામના એક એવા પિતાની ભૂમિકા ભજવી રહ્યા છે, જે પોતાની લાડકવાયી દીકરી છવીના લગ્ન કરીને વિદાય આપવાની વાત સ્વીકારી શકતા નથી ખાસ કરીને ત્યારે, જ્યારે છવીએ પોતાના જીવનસાથીની પસંદગી પોતે જ કરી હોય.
ફિલ્મમાં હિતેન કુમારની સાથે રવિ ગોહિલ, યુક્તિ રંડેરિયા અને નીલમ પંચાલ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. હાસ્ય અને કૌટુંબિક લાગણીઓથી ભરપૂર આ ફિલ્મ 20 નવેમ્બર, 2026ના રોજ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.
