Income Tax Raid Mumbai: મુંબઈ આવકવેરા વિભાગે (Income Tax Department) આજે બોલિવૂડ ઉદ્યોગની અનેક જાણીતી હસ્તીઓ અને પ્રોડક્શન હાઉસીસ વિરૂદ્ધ એક સાથે મોટી કાર્યવાહી હાથ ધરી છે. કરચોરી અને ફિલ્મ સંબંધિત પ્રવૃત્તિઓના બહાને વિદેશમાં ગેરકાયદેસર રીતે નાણાં મોકલવાના (Foreign Remittance) આશંકાના આધારે વિભાગે અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે. આ આકસ્મિક કાર્યવાહીમાં જાણીતી અભિનેત્રી રકુલ પ્રીત સિંહ, દિગ્ગજ ફિલ્મ નિર્માતા વાસુ ભગનાની અને પ્રસિદ્ધ પ્રોડક્શન હાઉસ 'પેનોરમા સ્ટુડિયોઝ' સાથે સંકળાયેલા સ્થળોનો સમાવેશ થાય છે. આ ઘટનાથી આખા બોલિવૂડ ઉદ્યોગમાં ભારે ચકચાર અને ખળભળાટ મચી ગયો છે.
વિદેશી નાણાકીય વ્યવહારો અને કરચોરીની શંકા
મુંબઈ આવકવેરા વિભાગની અલગ-અલગ ટીમો દ્વારા આજે સવારથી જ મુંબઈમાં આવેલા અંદાજે 12 થી વધુ સ્થળોએ એકસાથે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. તપાસ એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર, ફિલ્મ શૂટિંગ, વિદેશી વિતરણ (Foreign Distribution) અને ફિલ્મોના નિર્માણના નામે મોટા પાયે નાણાકીય ગેરરીતિઓ આચરવામાં આવી હોવાની ગુપ્ત માહિતી મળી હતી. આ માહિતીના આધારે જ કાયદાકીય તપાસ હાથ ધરીને મહત્વના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે.
મુખ્ય હસ્તીઓ અને પ્રોડક્શન હાઉસ પર સંકટ
રકુલ પ્રીત સિંહ અને ભગનાની પરિવાર
રકુલ પ્રીત સિંહ હિન્દી અને દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગની જાણીતી અભિનેત્રી છે. તેમણે 2009માં સાઉથ સિનેમાથી કરિયરની શરૂઆત કર્યા બાદ દે દે પ્યાર દે, ડોક્ટર જી અને પતિ પત્ની ઔર વો જેવી હિટ ફિલ્મો આપી છે. નોંધનીય છે કે રકુલ પ્રીત સિંહ વાસુ ભગનાનીના પુત્ર અને અભિનેતા-પ્રોડ્યુસર જેકી ભગનાનીની પત્ની એટલે કે વાસુ ભગનાનીની પુત્રવધૂ છે. વાસુ ભગનાની 'પૂજા એન્ટરટેઈનમેન્ટ' બેનર હેઠળ અનેક મોટા બજેટની ફિલ્મો બનાવી ચૂક્યા છે.
પેનોરમા સ્ટુડિયોઝ
દરોડાનો ભોગ બનેલું પેનોરમા સ્ટુડિયોઝ બોલિવૂડનું અગ્રણી પ્રોડક્શન હાઉસ છે, જે અજય દેવગન અને તબ્બુ અભિનીત સુપરહિત 'દ્રશ્યમ' ફ્રેન્ચાઇઝી જેવી ફિલ્મો માટે જાણીતું છે.
તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, હાલમાં તમામ સ્થળો પર દસ્તાવેજો અને ડિજિટલ પુરાવાઓની સઘન તપાસ ચાલી રહી છે. દરોડા અને સર્ચ ઓપરેશન પૂર્ણ થયા બાદ આવકવેરા વિભાગ આ સમગ્ર મામલે મોટા અને ચોંકાવનારા ખુલાસા કરી શકે છે.
