Hanuman Ansh Sequel: તાજેતરમાં આવેલી બૉલિવૂડ પ્રોડ્યુસર વિશાલ ચતુર્વેદીની ફિલ્મ 'હનુમાન અંશ' હાલમાં ચર્ચામાં છે. માત્ર 2 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મ ગત 7 ઓગસ્ટે થિયેટરમાં રિલીઝ થઈ હતી. જ્યારે અત્યાર સુધીમાં 'હનુમાન અંશ' ફિલ્મે બોક્સ ઑફિસ પર 50 કરોડથી વધુ રૂપિયાનું કલેક્શન કરી લીધુ છે. આ સાથે જ ફિલ્મ આ વર્ષની સૌથી સફળ ફિલ્મો પૈકી એક બની ગઈ છે.
ગુજરાતી ફિલ્મ 'લાલો'ની માફક માઉથ ટૂ માઉથ પબ્લિસિટીના કારણે 'હનુમાન અંશ' પણ લોકો વધુને વધુ જોવા થિયેટર પહોંચી રહ્યા છે. એવામાં ફિલ્મના મેકર્સે સિક્વલની જાહેરાત કરી દીધી છે.
'હનુમાન અંશ'ના બીજા ભાગની તડામાર તૈયારી
ખાનગી મીડિયા રિપોર્ટ મુજબ, 'હનુમાન અંશ'ને બૉક્સ ઑફિસ પર મળી રહેલી શાનદાર સફળતા વચ્ચે વિશાલ ચતુર્વેદીએ ફિલ્મના બીજા ભાગ પર કામ શરૂ થઈ ગયું હોવાની પુષ્ટી કરી છે.
આગ્રાના એક મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ નિહાળવા આવેલા પ્રેક્ષકો સાથેની વાતચીતમાં વિશાલે જણાવ્યું કે, 'હનુમાન અંશ'ના બીજા ભાગમાં બાબા નીમ કરોલીના જીવનની મહત્ત્વપૂર્ણ વાતોને વણી લેવામાં આવશે.
ફિલ્મની વાતા બાબાના જન્મસ્થળ ફિરોઝાબાદથી શરૂ થશે અને પછી આગ્રા, મથુરા અને તેમના જીવનની આધ્યાત્મિક યાત્રા સાથે સંકળાયેલા અન્ય સ્થળો પર કેન્દ્રિત થશે.
'હનુમાન અંશ' ફિલ્મ બાબા નીમ કરોલીના જીવનને દર્શાવે છે
ઉલ્લેખનીય છે કે, 20 ફેબ્રુઆરી, 2026ના રોજ ફિલ્મ મેકર્સ દ્વારા 'હનુમાન અંશ' ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી. આ સમયે કહેવામાં આવ્યું હતું કે, આ ફિલ્મને 3 ભાગોમાં બનાવવામાં આવશે.
બાબા નીમ કરોલીના જીવન પર આધારિત આ આધ્યાત્મિક ફિલ્મ વિશાલ ચતુર્વેદી દ્વારા લખવામાં આવેલ પુસ્તક 'ડિવાઈ ડીટુર' પર આધારિત છે. આ ફિલ્મમાં બાબાની ભૂમિકા અભિનેતા શોભિનવ સત્યાએ ભજવી છે. આ ઉપરાંત ફિલ્મમાં ચંદન આનંદ, પૂર્ણિમા તિવારી અને વિહાન શેડગે પણ અગત્યની ભૂમિકા ભજવી રહ્યા છે.
