બોક્સ ઓફિસ પર 'હનુમાન અંશ'નો દબદબો: 45મા દિવસે પણ ફિલ્મની કમાણી યથાવત, કુલ કલેક્શન 269 કરોડને પાર

વિશાલ ચતુર્વેદી દિગ્દર્શિત ફિલ્મ 'હનુમાન અંશ' એ બોક્સ ઓફિસ પર 45 દિવસ પૂરા કરી લીધા છે. ફિલ્મનું ભારતમાં કુલ કલેક્શન 269 કરોડ રૂપિયાથી વધુ થઈ ગયું છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Sun, 20 Sep 2026 10:02 PM (IST)Updated: Sun, 20 Sep 2026 10:02 PM (IST)
hanuman-ansh-box-office-spiritual-film-earns-269-cr-in-45-days

Hanuman Ansh Box Office: બોક્સ ઓફિસના નિયમોને ખોટા સાબિત કરીને દિગ્દર્શક વિશાલ ચતુર્વેદીની ફિલ્મ 'હનુમાન અંશ' એ સાબિત કરી દીધું છે કે જો કન્ટેન્ટ દમદાર હોય, તો કોઈપણ ફિલ્મ ઇતિહાસ રચી શકે છે. આધ્યાત્મિક અને નીમ કરોલી બાબાના જીવન પર આધારિત આ ફિલ્મે થિયેટરોમાં સફળતાપૂર્વક 45 દિવસ પૂરા કરી લીધા છે અને હજુ પણ દર્શકો તેને જોવા માટે ઉમટી રહ્યા છે.

શરૂઆતની મંદીથી લઈને બ્લોકબસ્ટર સફળતા સુધીની સફર

આ ફિલ્મની બોક્સઓફિસ પરની શરૂઆત ખૂબ જ સાધારણ રહી હતી. સ્થિતિ એવી હતી કે રિલીઝ થયાના માત્ર એક જ અઠવાડિયામાં આ ફિલ્મને થિયેટરોમાંથી હટાવી દેવામાં આવે તેવી સંભાવના હતી. ફિલ્મે તેના શરૂઆતના બે સપ્તાહમાં માત્ર 40 લાખ રૂપિયાનો વ્યાપાર કર્યો હતો.

પરંતુ, ત્યારબાદ 'વર્ડ ઓફ માઉથ' અને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી રીલ્સ આ ફિલ્મ માટે સંજીવની સાબિત થઈ. દર્શકોનો પ્રચંડ સહયોગ મળતા જ ફિલ્મની કમાણીમાં અણધારો ઉછાળો આવ્યો હતો.

  • ત્રીજું સપ્તાહ: કલેક્શન વધીને 10.40 કરોડ રૂપિયા પહોંચ્યું.
  • ચોથું સપ્તાહ: ફિલ્મે ધમાકો કરતા 61 કરોડ રૂપિયાનો વ્યાપાર કર્યો.
  • પાંચમું અને છઠ્ઠું સપ્તાહ: પાંચમા અઠવાડિયામાં કમાણી વધીને 90.25 કરોડ અને છઠ્ઠા અઠવાડિયામાં 80.25 કરોડ રૂપિયા થઈ ગઈ.

45મા દિવસે પણ જાદુ યથાવત

ટ્રેડ વેબસાઇટ 'સેકનલ્ક'ના અહેવાલ મુજબ, ફિલ્મે 45મા દિવસે પણ બોક્સઓફિસ પર મજબૂત પકડ જાળવી રાખી છે અને 10.92 કરોડ રૂપિયાનું વધુ કલેક્શન ઉમેર્યું છે. આ સાથે જ ભારતમાં ફિલ્મનું કુલ નેટ કલેક્શન 269.05 કરોડ રૂપિયા થઈ ગયું છે, જ્યારે ગ્રોસ કલેક્શનનો આંકડો 317.69 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે.

મોટી ફિલ્મોને આપી રહી છે જોરદાર ટક્કર

આ ફિલ્મે બોક્સઓફિસ પર રિલીઝ થયેલી અનેક મોટી અને ચર્ચાસ્પદ ફિલ્મોને પાછળ છોડી દીધી છે. 'ટોક્સિક' જેવી ફિલ્મો સામે ટક્કર ઝીલવાની સાથે આ ફિલ્મે અન્ય તાજેતરની ફિલ્મોને પણ કડક સ્પર્ધા આપી છે.

શું છે ફિલ્મની વાર્તા?

આ ફિલ્મની પટકથા સ્વતંત્રતા પૂર્વના ભારત પર આધારિત છે. વાર્તા લક્ષ્મી નાયરણ નામના એક યુવકનની છે, જે બાળપણમાં જ પોતાની માતાને ગુમાવી દે છે અને ઈશ્વરની શોધમાં પોતાનું ઘર છોડી દે છે. ઉત્તર ભારતના વિવિધ સ્થળોની તેમની આધ્યાત્મિક યાત્રા અને ત્યાં થયેલા અનુભવો તેમના જીવનની કાયાપલટ કરી નાખે છે અને તેઓ આગળ જતા મહાન સંત 'નીમ કરોલી બાબા' તરીકે પ્રખ્યાત થાય છે. ફિલ્મમાં શોભિનવ સત્યાએ મુખ્ય પાત્ર ભજવ્યું છે, જ્યારે ચંદન આનંદ, અનિલ રસ્તોગી અને સુગંધા મલ્હોત્રા જેવા કલાકારોએ પોતાની અભિનયના ઓજસ પાથર્યા છે.