Hakabha Gadhvi Gujju Love Guru: લોકપ્રિય ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર અને 'ગુજ્જુ લવ ગુરુ' (Gujju Love Guru) ના નામે જાણીતા ચંદન રાઠોડના અકાળે થયેલા અવસાનથી સમગ્ર ગુજરાતમાં શોકની કાલિમા છવાયેલી છે. ત્યારે સુપ્રસિદ્ધ લોકસાહિત્યકાર હકાભા ગઢવીએ ચંદન રાઠોડને શ્રદ્ધાંજલિ આપવાની સાથે કલાકારોના જીવનની કડવી વાસ્તવિકતા અને તેમના અવસાન બાદ પરિવારની થતી દુર્દશા અંગે અત્યંત તીખી અને માર્મિક પ્રતિક્રિયા આપી છે.
'હું એક જ વાર મળ્યો હતો, સ્વભાવ અદભુત હતો'
હકાભા ગઢવીએ ચંદન રાઠોડને યાદ કરતાં જણાવ્યું કે, "હું ચંદન રાઠોડને માત્ર એક જ વાર મળ્યો હતો, પરંતુ તેમનો સ્વભાવ અત્યંત અદભુત અને સરળ હતો. માણસ એક સેકન્ડ પહેલા બોલે છે અને ચાર કલાકમાં તો તેનું અકસ્માતમાં મૃત્યુ થાય છે અને માણસ જતો રહે છે. કાળનો પંજો ક્યારે આવી જાય તે નક્કી નથી. હું મા ભગવતીને પ્રાર્થના કરું છું કે ભગવાન તેમના આત્માને પરમ શાંતિ આપે."
'ખાલી વાતો થાય છે, કલાકારના પરિવાર સામુ કોઈ જોતું નથી'
કલાકારના જીવન અને તેમના પરિવારની કટુ સત્યતા વર્ણવતા તેમણે આક્રોશ વ્યક્ત કર્યો કે, લોકો ઘણીવાર કલાકારો પર વધારે ફી લેવાના આરોપ લગાવે છે, પણ આ પૈસા ગાવાના નહીં પણ રાત-દિવસ જીવના જોખમે ગાડીઓ દોડાવીને 'મરવાના' હોય છે. તેમણે કહ્યું, "ચંદન રાઠોડના ગયા પછી હવે તેના પરિવારની સામે કોણ જોશે? ખાલી વાતો કરવાથી કંઈ થતું નથી કે 'અમે બેઠા છીએ'. આશ્વાસન આપવા તો આખી દુનિયા આવે છે, પણ જો આ વાતો કરવાવાળામાંથી કોઈ ચંદનના ઘરે જઈને રૂ. 10 લાખની આર્થિક મદદ કરી આવે તો હું માનું કે એ સાચો મરદનો દિકરો છે અને તેની જનેતાને ધન્ય છે."
જૂના બનાવો યાદ કરી છલકાયું દર્દ
હકાભા ગઢવીએ ભૂતકાળના કડવા અનુભવો વાગોળતા કહ્યું કે, અગાઉ હરેશદાન ગઢવી નામના કલાકારનું તેમના ખોળામાં જ અવસાન થયું હતું. તેમની ત્રણ નાની દીકરીઓ હોવા છતાં આજે પણ કોઈ તેમના ઘરે પૂછવા ગયું નથી. ડાયરાઓમાં કલાકારોની પાછળ લાખો રૂપિયાની જાહેરાતો અને બોલીઓ થાય છે, પણ પાછળથી કોઈ રૂપિયો ચૂકવતું નથી અને પરિવાર રાડો પાડતો રહી જાય છે. કલાકારનું આ દુનિયામાં કોઈ નથી હોતું.
