Gujju Love Guru News: વાવ-થરાદ જિલ્લાના સુઈગામ ખાતે સોશિયલ મીડિયા ક્રિએટર અને 'ગુજ્જુ લવ ગુરુ' તરીકે જાણીતા સ્વ. ચંદન ઘેગાજી રાઠોડની ઉત્તરક્રિયા એટલે કે બારમાની ધાર્મિક વિધિ શ્રદ્ધાપૂર્વક યોજાઈ હતી. ગત 17 સપ્ટેમ્બરના રોજ એક માર્ગ અકસ્માતમાં નાની વયે તેમનું અકાળે અવસાન થયું હતું. તેમના આકસ્મિક નિધનથી સમગ્ર પંથક, સ્વજનો અને સોશિયલ મીડિયા પર તેમના લાખો ચાહકોમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ હતી.
રાધાકૃષ્ણ મંદિર નજીક ઘડા ભરવાની વિધિ યોજાઈ
સુઈગામ ખાતે રાધાકૃષ્ણ મંદિરની બાજુમાં આવેલા બ્રાહ્મણવાસ શાળા નજીક પરિવારજનો, સગા-સંબંધીઓ અને ગ્રામજનોની હાજરીમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ ઘડા ભરવાની ધાર્મિક ક્રિયા કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો, મિત્રો અને પરિચિતો ઉપસ્થિત રહ્યા હતા અને સ્વ. ચંદન રાઠોડની છબી પર પુષ્પાંજલિ અર્પણ કરી તેમના આત્માની શાંતિ માટે પરમપિતા પરમાત્માને પ્રાર્થના કરી હતી.
અનન્ય કોમેડીથી સોશિયલ મીડિયા પર મેળવી હતી ખ્યાતિ
સ્વ. ચંદન રાઠોડ પોતાની આગવી અને દેશી શૈલીની કોમેડી તેમજ સોશિયલ મીડિયા વીડિયોઝ દ્વારા ખૂબ જ ટૂંકા સમયમાં ડિજિટલ પ્લેટફોર્મ પર ભારે લોકપ્રિયતા મેળવી હતી. તેમના રમુજી અંદાજ અને સંવાદોને કારણે તેઓ 'ગુજ્જુ લવ ગુરુ' તરીકે ઘરોઘર જાણીતા બન્યા હતા. બારમાની વિધિ દરમિયાન પરિવારજનો અને મિત્રોએ તેમની સાથે વિતાવેલી વિતેલી ક્ષણો અને યાદો વાગોળી અશ્રુભીની આંખે અંજલિ આપી હતી.
પરિવાર અને ચાહકો પર દુઃખનો પહાડ
માર્ગ અકસ્માતમાં અકાળે થયેલા અવસાનથી પરિવારે પોતાના વહાલસોયા સ્વજનને ગુમાવ્યા છે, તો બીજી તરફ ગુજરાતી ડિજિટલ મીડિયા અને મનોરંજન ક્ષેત્રે એક ઉભરતા કલાકારને ગુમાવ્યાનું ભારે દુઃખ પ્રવર્તી રહ્યું છે. બારમાની વિધિમાં ઉપસ્થિત તમામ લોકોએ સ્વ. ચંદન રાઠોડના પરિવારને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી સાંત્વના પાઠવી હતી.
