Gujju Love Guru Accident News: સોશિયલ મીડિયા ક્ષેત્રે પોતાની વિશિષ્ટ કોમેડી શૈલીથી લાખો લોકોના દિલ જીતનાર કલાકાર સ્વ. ચંદન રાઠોડ ઉર્ફે ‘ગુજ્જુ લવ ગુરુ’ના અકાળે થયેલા અવસાનના એક સપ્તાહ બાદ અકસ્માત પૂર્વેની ગણતરીની મિનિટોના અંતિમ દ્રશ્યો સામે આવ્યા છે. 17 સપ્ટેમ્બરના રોજ ભાભર નજીક હરિધામ આશ્રમ ગૌશાળા પાસે સર્જાયેલા દર્દનાક અકસ્માતમાં તેમનું નિધન થયું હતું. જોકે, અકસ્માત નડ્યો તે પહેલાં જ પેટ્રોલ પંપ પર બાઈક બંધ પડી જતાં કર્મચારીઓએ કીક મારીને બાઈક ચાલુ કરી આપ્યું હતું, જે બાબત હવે સીસીટીવી અને સ્ટાફના નિવેદનોથી સામે આવી છે.
પેટ્રોલ પંપના કર્મચારીઓના ખુલાસા
પેટ્રોલ પંપના કર્મચારી નરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, ચંદન રાઠોડ અકસ્માતના થોડા સમય પહેલાં પેટ્રોલ પૂરાવવા આવ્યા હતા. તેમણે મોઢે રૂમાલ બાંધેલો હોવાથી શરૂઆતમાં કોઈ તેમને ઓળખી શક્યું ન હતું. તેમણે 200નું પેટ્રોલ ભરાવીને 'PhonePe' દ્વારા ઓનલાઈન ચુકવણું કર્યું હતું.
ત્યારબાદ જ્યારે તેઓ રવાના થવા લાગ્યા ત્યારે બાઈક સ્ટાર્ટ થયું ન હતું. અન્ય કર્મચારી વિષ્ણુ ઠાકોરે કીક મારીને બાઈક સ્ટાર્ટ કરી આપ્યું હતું. બાઈક ચાલુ થતાં જ ચંદન રાઠોડ પોતાના અસલ અંદાજમાં આવ્યા હતા અને કર્મચારીનો આભાર માની ભવિષ્યમાં ભેગા મળીને સાથે વીડિયો બનાવવાનો વાયદો પણ કર્યો હતો. કર્મચારીઓએ ભાવુક થઈને જણાવ્યું કે, જો તે સમયે બાઈક ચાલુ ન થયું હોત અને મોડું થયું હોત તો કદાચ આ કમનસીબ અકસ્માત ટળી ગયો હોત.
ઘટનાસ્થળે આજે પણ પડેલા છે અકસ્માતના અવશેષો
હરિધામ આશ્રમ પાસે જે સ્થળે આ ભયાનક અકસ્માત સર્જાયો હતો, ત્યાં આજે પણ ઘટનાની ભયાનકતા દર્શાવતા પુરાવાઓ વિખરાયેલા જોવા મળે છે. અકસ્માતગ્રસ્ત બાઈકના તૂટેલા સ્પેરપાર્ટ્સના અવશેષો, ચંદન રાઠોડના ચપ્પલ અને તેમનો ગમછો રોડની સાઈડમાં પડ્યા છે. આ ઉપરાંત અકસ્માતનું કારણ બનનાર બાંધકામ માટે વપરાતો પાલખ પણ ઝાડીઓમાં પડેલો નજરે પડે છે.
વિલેજ બોય ટીમ સાથે શૂટિંગ પૂર્ણ કરી ઘરે પરત ફરી રહેલા આ લોકપ્રિય કલાકારની અચાનક વિદાયથી ચાહકો અને પંથકમાં આજે પણ ભારે શોકની લાગણી છવાયેલી છે.
