Gujju Love Guru News: ગુજરાતના જાણીતા કન્ટેન્ટ ક્રિએટર અને ડિજિટલ ઇન્ફ્લુએન્સર ‘ગુજ્જુ લવ ગૂરૂ’ (ચંદન રાઠોડ)ના તાજેતરમાં એક માર્ગ અકસ્માતમાં થયેલા કરુણ અને દુઃખદ અવસાનથી સમગ્ર સોશિયલ મીડિયા જગત અને ચાહકોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. આ ઘટના બાદ લોકપ્રિય કલાકાર, યુટ્યુબર અને જાણીતા સમાજસેવક નીતિન જાની (ખજૂર ભાઈ) ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સ્વર્ગસ્થ ચંદન રાઠોડના પરિવારજનોની રૂબરૂ મુલાકાત લઈને તેમને સાંત્વના પાઠવી હતી.
અકસ્માત સ્થળે અંધશ્રદ્ધા જોઈને વ્યક્ત કર્યું દુઃખ
અકસ્માતની જગ્યાએ પહોંચેલા ખજૂર ભાઈએ ત્યાંનું દ્રશ્ય જોઈને ભારે અસંતોષ અને દુઃખ વ્યક્ત કર્યું હતું. ઘટનાસ્થળે લોકો દ્વારા શ્રીફળ, પાણીની બોટલો અને નમકીન જેવી વસ્તુઓ મૂકીને અંધશ્રદ્ધા અને અફવાઓ ફેલાવવામાં આવી રહી હોવાનું તેમના ધ્યાને આવ્યું હતું. આ અંગે વિડીયો સંદેશ દ્વારા લોકોને સ્પષ્ટ અપીલ કરતા નીતિન જાનીએ જણાવ્યું હતું કે, અકસ્માતના સ્થળે આવી વસ્તુઓ ચઢાવીને અંધશ્રદ્ધા પ્રોત્સાહિત ન કરવી જોઈએ. જો લોકોને ગુજ્જુ લવ ગૂરૂ પ્રત્યે સાચો પ્રેમ અને આદર હોય તો અંધશ્રદ્ધા છોડીને માર્ગ સુરક્ષા અને સમાજઉપયોગી કાર્યોમાં યોગદાન આપવું જોઈએ. તેમણે રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોને હેલ્મેટ પહેરવા પ્રોત્સાહિત કરવા અને વૃક્ષારોપણ જેવા સત્કાર્યો કરવાની સલાહ આપી હતી.
પરિવાર માટે ઘર બનાવવાની અને 2000 હેલ્મેટ આપવાની ઘોષણા
ચંદન રાઠોડના પરિવારની આર્થિક પરિસ્થિતિ અત્યંત નબળી હોવાનું જાણવા મળતાં, ખજૂર ભાઈએ એક મોટો અને ઉમદા નિર્ણય લીધો હતો. તેમણે જાહેરાત કરી હતી કે આગામી નવરાત્રિના બીજા નોરતાથી તેઓ પોતાના અંગત ખર્ચે ચંદન રાઠોડના પરિવાર માટે એક નવું અને પાકું ઘર બનાવી આપશે.
આ ઉપરાંત, ભવિષ્યમાં માર્ગ અકસ્માતને કારણે કોઈ પરિવાર પોતાનો કમાનારો સભ્ય કે સ્વજન ન ગુમાવે તે હેતુથી, નીતિન જાનીએ સમગ્ર બનાસકાંઠા વિસ્તારમાં 2,000 હેલ્મેટનું વિનામૂલ્યે વિતરણ કરવાનો મોટો સંકલ્પ લીધો હતો.
બોગસ QR કોડ અને સાયબર ઠગાઈથી સાવધાન રહેવા ચેતવણી
અહેવાલના અંતે ખજૂર ભાઈએ સોશિયલ મીડિયાના યુઝર્સ અને સ્વ. ચંદન રાઠોડના ચાહકોને એક મહત્વપૂર્ણ ચેતવણી પણ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે કેટલાક અસામાજિક તત્વો ગુજ્જુ લવ ગૂરૂના નામે આર્થિક મદદ એકઠી કરવા માટે બોગસ QR કોડ અને ફેક એકાઉન્ટનો ઉપયોગ કરી રહ્યા છે. આવી કોઈપણ પ્રકારની નાણાકીય છેતરપિંડીથી સાવધ રહેવું અને કોઈને પણ અજાણ્યા ક્યુઆર કોડ પર પૈસા ટ્રાન્સફર ન કરવા તેમણે વિનંતી કરી હતી.
