Kinjal Dave: કિંજલ દવેએ ઇન્સ્ટાગ્રામ પરથી મંગેતર ધ્રુવિન શાહ સાથેના માલદિવ્સ વેકેશનના ફોટા કેમ હટાવ્યા? સંબંધોમાં ખટાશની ચર્ચા તેજ

થોડા સમય પહેલા જ કિંજલ દવે અને ધ્રુવિન શાહ માલદિવ્સના સુંદર દરિયા કિનારે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા અને વેકેશન મનાવવા ગયા હતા.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sun, 14 Jun 2026 03:48 PM (IST)Updated: Sun, 14 Jun 2026 03:48 PM (IST)
gujarati-singer-kinjal-dave-delete-maldives-photos-with-fiance-dhruvin-shah

Kinjal Dave delete Maldives photos Instagram: ગુજરાતી લોક સંગીત અને ગરબા ક્વીન તરીકે જાણીતી સિંગર કિંજલ દવે (Kinjal Dave) અને તેના મંગેતર ધ્રુવિન શાહ (Dhruvin Shah) ફરી એકવાર સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચાનો વિષય બન્યા છે. પોતાના સુરીલા અવાજથી લાખો દિલો પર રાજ કરનારી કિંજલ દવેની પર્સનલ લાઈફને લઈને અવારનવાર અનેક અટકળો વહેતી થતી હોય છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારી બાબત સામે આવી છે, જેણે બંનેના ચાહકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. કિંજલ દવેએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી મંગેતર ધ્રુવિન શાહ સાથે વિતાવેલી માલદિવ્સ વેકેશનની તમામ રોમેન્ટિક તસવીરો અને વીડિયો ડિલીટ કરી દીધા છે. આ ફોટોઝ અચાનક ગાયબ થઈ જતાં સોશિયલ મીડિયા પર બંનેના સંબંધોને લઈને ફરીથી તર્ક-વિતર્ક શરૂ થઈ ગયા છે.

માલદિવ્સની સુંદર તસવીરો થઈ ડિલીટ

થોડા સમય પહેલા જ કિંજલ દવે અને ધ્રુવિન શાહ માલદિવ્સના સુંદર દરિયા કિનારે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા અને વેકેશન મનાવવા ગયા હતા. આ વેકેશન દરમિયાન બંનેએ ફેન્સ સાથે પોતાની સુંદર ક્ષણોની અનેક તસવીરો શેર કરી હતી, જેને ચાહકોએ ખૂબ જ પસંદ કરી હતી અને તેના પર લાખો લાઈક્સ પણ આવી હતી. પરંતુ હવે અચાનક આ બધી જ તસવીરો પ્રોફાઈલમાંથી હટાવી લેવામાં આવી છે. સામાન્ય રીતે સેલિબ્રિટીઝ જ્યારે પોતાના પાર્ટનર સાથેની તસવીરો સોશિયલ મીડિયા પરથી આ રીતે ડિલીટ કરે છે, ત્યારે ફેન્સ તેમના બ્રેકઅપ અથવા સંબંધોમાં અણબનાવની આશંકા વ્યક્ત કરવા લાગે છે. આ કિસ્સામાં પણ કંઈક એવું જ જોવા મળી રહ્યું છે.

અગાઉ પણ કિંજલ દવેની સગાઇ તુટી ચુકી છે

આ પહેલા કિંજલ દવેએ પવન જોષી સાથે સાટા પદ્ધતિથી સગાઇ કરી હતી. કિંજલના ભાઈ આકાશ દવેની સગાઈ પવનની બહેન સાથે થઈ હતી જે કોઈ કારણોસર તૂટી ગઈ હતી. ત્યારથી જ કિંજલ અને પવનના સંબંધો પર પણ સંકટના વાદળો ઘેરાયા હતા. ફરી ધ્રુવિન સાથેની તસવીરો ડિલીટ કરાતા અનેક અફવાઓ માર્કેટમાં વહેતી થઇ છે.

શું આ માત્ર કોઈ પ્રમોશનલ સ્ટંટ છે?

બીજી તરફ, બોલિવૂડ અને પ્રાદેશિક મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં આજકાલ પોતાના નવા ગીત અથવા પ્રોજેક્ટના હાઈપ (Hype) માટે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ આર્કાઇવ કે ડિલીટ કરવાનો ટ્રેન્ડ ખૂબ વધી ગયો છે. આથી, કિંજલના કેટલાક ડાયહાર્ડ ફેન્સ એવું પણ અનુમાન લગાવી રહ્યા છે કે કદાચ કિંજલ દવેનું કોઈ નવું ગીત આવી રહ્યું હોય અને આ માત્ર ફેન્સનું ધ્યાન આકર્ષિત કરવા માટેનો ડિજિટલ સ્ટંટ હોઈ શકે છે. જો કે, આ સમગ્ર બાબતે કિંજલ દવે અથવા ધ્રુવિન શાહ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કે નિવેદન સામે આવ્યું નથી, જેથી ચાહકો હજુ પણ અસમંજસની સ્થિતિમાં છે.