TIME100 Next 2026: ગુજરાતી મૂળના હિમેશ પટેલ વિશ્વના સૌથી પ્રભાવશાળી 100 લોકોમાં સામેલ; ડિરેક્ટર નોલાનની 'Odyssey' માં ભજવી હતી ભૂમિકા

35 વર્ષીય હિમેશ પટેલનો જન્મ બ્રિટનમાં થયો હતો, પરંતુ તેમના માતા-પિતા મૂળ ગુજરાતી પરિવારના હતા.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 04 Oct 2026 09:33 AM (IST)Updated: Sun, 04 Oct 2026 09:33 AM (IST)
gujarati-origin-hollywood-actor-himesh-patel-named-in-time-100-next-2026-played-role-in-nolan-odyssey-tenet
Himesh Patel

Gujarati Origin Himesh Patel in TIME100 Next 2026: ગુજરાતી મૂળના હોલિવૂડ અભિનેતા હિમેશ પટેલને 'ટાઈમ્સ-100 નેક્સ્ટ 2026: ધ વર્લ્ડ મોસ્ટ ઈન્ફ્લુએન્સિયલ રાઈઝિંગ સ્ટાર' (TIME100 Next 2026: The World's Most Influential Rising Stars) પ્રતિષ્ઠિત યાદીમાં સ્થાન મળ્યું છે. 35 વર્ષીય હિમેશ પટેલે પ્રખ્યાત હોલિવૂડ ડિરેક્ટર ક્રિસ્ટોફર નોલનની બ્લોકબસ્ટર ફિલ્મો 'Tenet' અને 'Odyssey' સહિતની ફિલ્મોમાં યાદગાર અભિનય કર્યો છે.

ટાઈમ્સ-100 નેક્સ્ટ 2026 યાદીમાં 'ઈનોવેટર' શ્રેણીમાં સ્થાન

35 વર્ષની વયના મૂળ ગુજરાતી હિમેશ પટેલને ટાઈમ્સ મેગેઝિનની આ વૈશ્વિક યાદીમાં 'ઈનોવેટર' (Innovator) શ્રેણીમાં સ્થાન આપવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે વિશ્વભરના 100 સૌથી વગદાર અને ઉભરતા રાઈઝિંગ સ્ટાર્સમાં સામેલ થઈને તેમણે વિશ્વભરમાં ગુજરાતી સમુદાયનું નામ રોશન કર્યું છે.

 

કેન્યાથી બ્રિટન સ્થળાંતર અને ઘરમાં ગુજરાતી ભાષામાં ઉછેર

35 વર્ષીય હિમેશ પટેલનો જન્મ બ્રિટનમાં થયો હતો, પરંતુ તેમના માતા-પિતા મૂળ ગુજરાતી પરિવારના હતા. તેમના માતા-પિતા પહેલા કેન્યામાં રહેતા હતા અને ત્યાંથી બાદમાં બ્રિટન શિફ્ટ થયા હતા. બ્રિટનમાં જન્મ અને ઉછેર થયો હોવા છતાં હિમેશ પટેલનો ઘરનો માહોલ એવો રહ્યો હતો કે તેઓ નાનપણથી જ ગુજરાતી ભાષા બોલતાં બોલતાં ઉછેર પામ્યા છે.

2007થી કારકિર્દીની શરૂઆત: 15થી વધુ ફિલ્મો અને એવોર્ડ્સ

હિમેશ પટેલે વર્ષ 2007 થી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી અને અત્યાર સુધીમાં અનેક પ્રતિષ્ઠિત એવોર્ડ્સ જીત્યા છે. તેમણે પોતાની કારકિર્દીમાં રોમેન્ટિક, થ્રિલર, સાયન્સ ફિક્શન (Sci-Fi) જેવા વિવિધ ઝોનરની 15થી વધુ અંગ્રેજી ફિલ્મોમાં અભિનય કર્યો છે. ફિલ્મો ઉપરાંત તેમણે જાણીતા ટીવી શો અને નાટકોમાં પણ પોતાની બહુભુખી પ્રતિભા દર્શાવી છે.

'આવનારા સમયમાં હિમેશ પટેલને વધુ જોઈશું': ડાયરેક્ટર નોલન

હોલિવૂડના મહાન નિર્દેશક ક્રિસ્ટોફર નોલને હિમેશ પટેલના કૌશલ્યની મુક્તકંઠે પ્રશંસા કરતા કહ્યું હતું કે, "હું ટેનેટ ફિલ્મમાં હિમેશને પહેલીવાર મળ્યો, ત્યારે અમે સહજ રીતે જોડાઈ ગયા." ફિલ્મ 'ઓડિસી' અંગે વધુમાં ઉમેર્યું કે, "જ્યારે હું ઓડિસી ફિલ્મમાં યુરિલોકસનું પાત્ર કાસ્ટ કરી રહ્યો હતો, ત્યારે હું જાણતો હતો કે મારે એવી વ્યક્તિ જોઈએ જેનામાં ખૂબી હોય અને હિમેશે આ પાત્રમાં એક જીવંત માણસને શોધી કાઢ્યો."

હિમેશના ભવિષ્ય અંગે ક્રિસ્ટોફર નોલને વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "મને લાગે છે કે તેણે હજુ તો પોતાની ક્ષમતા બતાવવાની શરૂઆત જ કરી છે. તે સહાયક પાત્ર અદ્ભુત રીતે ભજવે છે, પરંતુ તે એક ઘણો સારો લીડ અભિનેતા પણ છે. આપણે આવનારા સમયમાં તેને વધુ જોઈશું."