Laalo: લાલો શ્રીકૃષ્ણ સદા સહાયતે ફિલ્મના હિન્દી ટિઝરને અભુતપૂર્વ પ્રતિસાદ

હિન્દી ટીઝર રિલીઝ થયાના માત્ર ત્રણ દિવસમાં જ 15 લાખથી વધુ વ્યૂઝ મેળવીને તેણે દર્શકોના દિલ જીતી લીધા છે. ટીઝરમાં એકલતા અને ભક્તિનો એવો અહેસાસ છે કે દર્શકો ભાવુક થઈ જાય છે.

By: Hariom SharmaEdited By:Hariom SharmaPublish Date: Sat, 27 Dec 2025 05:22 PM (IST)Updated: Sat, 27 Dec 2025 05:22 PM (IST)
gujarati-movie-laalo-krishna-sada-sahaayate-official-teaser-in-hindi

Laalo Krishna Sada Sahaayate: ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં એક નવો અધ્યાય લખાયો છે લાલો – શ્રી કૃષ્ણ સદા સહાયતે ફિલ્મથી. આ ફિલ્મ માત્ર એક મનોરંજક કથા નથી, પરંતુ જીવનની કઠોર વાસ્તવિકતાઓ વચ્ચે ભક્તિ, આત્મખોજ અને દૈવી માર્ગદર્શનની એક પ્રેરણાદાયી વાર્તા છે. 10 ઓક્ટોબર 2025ના રોજ ગુજરાતીમાં રિલીઝ થયેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. વર્લ્ડવાઇડ 100 કરોડથી વધુની કમાણી કરીને પહેલી ગુજરાતી ફિલ્મ બની છે જેણે આ માઇલસ્ટોન હાંસલ કર્યો. અને હવે, આ આધ્યાત્મિક યાત્રા સમગ્ર દેશ સુધી પહોંચવા જઈ રહી છે. 9 જાન્યુઆરી 2026ના રોજ હિન્દીમાં નેશનવાઇડ રિલીઝ થશે.

હિન્દી ટીઝર રિલીઝ થયાના માત્ર ત્રણ દિવસમાં જ 15 લાખથી વધુ વ્યૂઝ મેળવીને તેણે દર્શકોના દિલ જીતી લીધા છે. ટીઝરમાં એકલતા અને ભક્તિનો એવો અહેસાસ છે કે દર્શકો ભાવુક થઈ જાય છે.

ટીઝરમાં શું છે ખાસ?

હિન્દી ટીઝરમાં લાલોનો એક હૃદયસ્પર્શી ડાયલોગ છે: "પ્રભુ, હું બહુ એકલો પડી ગયો છું. મારો કોઈ મિત્ર નથી. શું તમે મારા મિત્ર બનશો?"

આ ડાયલોગ જ ફિલ્મની આત્મા છે – જ્યારે જીવનની મુશ્કેલીઓમાં માણસ એકલો અને અસહાય અનુભવે છે, ત્યારે શ્રી કૃષ્ણ કેવી રીતે મિત્ર, માર્ગદર્શક અને સહારો બનીને આવે છે. ટીઝરમાં ભક્તિરસ, લાગણીઓ અને દૈવી અહેસાસનું સુંદર મિશ્રણ છે, જે દર્શકોને થિયેટર તરફ ખેંચી રહ્યું છે.

લાલો ફિલ્મની વાર્તા

લાલો એક સામાન્ય રિક્ષાચાલક છે, જે ગરીબી અને ભૂતકાળના દુઃખદ બોજથી પીડાતો જીવન જીવે છે. એક દિવસ અચાનક તે એક ખાલી અને અવાવરુ ફાર્મહાઉસમાં ફસાઈ જાય છે. આ એકલતામાં તેના અંતરના રાક્ષસો – અપરાધભાવ, પસ્તાવો અને હતાશા – સામે આવે છે. પરંતુ આ જ એકલતા તેને શ્રી કૃષ્ણના દિવ્ય દર્શન તરફ લઈ જાય છે. કૃષ્ણ તેને માર્ગદર્શન આપે છે, જીવનના સત્યો સમજાવે છે અને આત્મશાંતિ તરફની યાત્રા કરાવે છે.

આ ફિલ્મ ભગવદ્ગીતાના સંદેશને આધુનિક જીવન સાથે જોડે છે – કર્મ, ભક્તિ અને સ્વ-શોધની વાત કરે છે. તે બતાવે છે કે જ્યારે દુનિયા સાથ છોડી દે, ત્યારે પ્રભુ ક્યારેય એકલા નથી છોડતા.

લાલો ફિલ્મના મુખ્ય કલાકારો

  • કરણ જોશી – લાલો (મુખ્ય ભૂમિકા, હૃદયસ્પર્શી અભિનયથી પ્રેક્ષકોને રડાવી દીધા)
  • શ્રુહાદ ગોસ્વામી – શ્રી કૃષ્ણ (દિવ્ય અને શાંત અભિનય)
  • રીવા રચ્છ – તુલસી (લાલોની પત્ની, લાગણીઓથી ભરપૂર રોલ)
  • મિષ્ટી કડેચા, અંશુ જોશી, કિન્નલ નાયક સહિત અન્ય કલાકારો.
  • દિગ્દર્શક: અંકિત સખીયા