ગુજરાતી ફિલ્મ ‘ડમરુ’ને યોગ્ય શો અને સ્ક્રીન આપવા સિનેમા માલિકો અને રાજ્ય સરકારને નમ્ર અપીલ: દર્શકોના પ્રેમ છતાં સ્ક્રીન ન મળતાં વિવાદ

બોક્સ ઓફિસ પર હાઉસફુલ શો થવા છતાં તહેવારોની મોસમમાં હિન્દી અને અન્ય ભાષાની મોટી ફિલ્મોના દબાણ સામે આ ગુજરાતી ફિલ્મને પૂરતી સ્ક્રીન અને શો ન મળતા સિનેમા ટીમ દ્વારા રાજ્ય સરકાર અને થિયેટર માલિકોને ગુહાર લગાવવામાં આવી છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Mon, 02 Nov 2026 02:35 PM (IST)Updated: Mon, 02 Nov 2026 02:35 PM (IST)
gujarati-movie-damru-screen-allocation-controversy-theatre-appeal
ગુજરાતી ફિલ્મ ડમરુ

Gujarati Movie Damru: ગુજોત્સવ પ્રોડક્શન્સ અને વ્રજ ફિલ્મ્સના બેનર હેઠળ નિર્મિત તેમજ હાર્દિક પરીખ નિર્દેશિત નવી ગુજરાતી કૉમેડી-ડ્રામા ફિલ્મ ‘ડમરુ’ હાલમાં જ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. સંજય ગોરડિયા, નક્ષરાજ, મૌલિક ચૌહાણ અને મકરેન્દ શુક્લા જેવા જાણીતા કલાકારો અભિનીત આ ફિલ્મને દર્શકો તરફથી અત્યંત બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. જોકે, બોક્સ ઓફિસ પર હાઉસફુલ શો થવા છતાં તહેવારોની મોસમમાં હિન્દી અને અન્ય ભાષાની મોટી ફિલ્મોના દબાણ સામે આ ગુજરાતી ફિલ્મને પૂરતી સ્ક્રીન અને શો ન મળતા સિનેમા ટીમ દ્વારા રાજ્ય સરકાર અને થિયેટર માલિકોને ગુહાર લગાવવામાં આવી છે.

મોટા બેનરો અને વિતરણ કંપનીઓના દબાણથી સ્થાનિક સિનેમાને અન્યાય

તહેવારો ટાણે મોટા બજેટની હિન્દી અને અન્ય ભાષાની ફિલ્મો (જેમ કે ‘રામાયણ’) રજૂ થવાને કારણે મલ્ટિપ્લેક્સ અને થિયેટર માલિકો પર વિતરણ કંપનીઓની કડક શરતોનું દબાણ રહે છે. પરિણામે, સ્થાનિક પ્રેક્ષકોમાં ભારે માંગ હોવા છતાં ‘ડમરુ’ જેવી સફળ ગુજરાતી ફિલ્મના શો કાપી નાખવામાં આવ્યા છે અથવા તો અયોગ્ય સમયે આપવામાં આવી રહ્યા છે. આ પરિસ્થિતિથી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલા કેમેરામેન, લાઈટમેન, સ્પોટબોય અને અન્ય નાના-મોટા કલાકારોની આજીવિકા તથા રોજગારી પર પણ નકારાત્મક અસર પડી રહી છે.

મધ્યમ વર્ગ માટે પોસાય તેવું મનોરંજન ચીનવાઈ રહ્યું હોવાનો આક્ષેપ

તહેવારોના દિવસોમાં મોટા બજેટની ફિલ્મોની ટિકિટો રૂ. 1500 થી રૂ. 2000 જેટલી મોંઘી હોય છે, જે ખરીદવા સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો અસમર્થ હોય છે. આવા સમયે રૂ. 100 થી રૂ. 200 ની દર ધરાવતી ગુજરાતી ફિલ્મો સામાન્ય નાગરિકો માટે પોષણક્ષમ મનોરંજન પૂરું પાડે છે. જો માતૃભાષાની ફિલ્મોને શો જ ન મળે તો સામાન્ય દર્શકો પોતાની ભાષાની ફિલ્મ જોવાની તકથી વંચિત રહી જાય છે. ‘ડમરુ’ની ટીમે સ્પષ્ટ કર્યું છે કે તેઓ અન્ય કોઈ મોટી ફિલ્મની વિરુદ્ધ નથી, પરંતુ પોતાની ધરતી પર જ ગુજરાતી ફિલ્મને ઓછામાં ઓછા 1 થી 2 શો તો મળવા જ જોઈએ.

મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સમક્ષ ટીમ ‘ડમરુ’ની રજૂઆત

આ સમગ્ર વિષમ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ‘ડમરુ’ ફિલ્મના નિર્માતાઓ અને ટીમે મુખ્યમંત્રી, ગૃહમંત્રી, ગુજરાત સરકાર, તમામ સિનેમા માલિકો અને ડિસ્ટ્રિબ્યુટર્સને કળકળતી વિનંતી કરી છે કે રાજ્યના દરેક મલ્ટિપ્લેક્સ અને થિયેટરમાં ‘ડમરુ’ ફિલ્મને દર્શકોની માંગ અનુસાર ઓછામાં ઓછા 1–2 શો ફાળવવામાં આવે જેથી પ્રાદેશિક સંસ્કૃતિ અને ગુજરાતી સિનેમાનું અસ્તિત્વ જળવાઈ રહે.