Laalo: 100 કરોડની કમાણી કરનાર પ્રથમ ગુજરાતી ફિલ્મ હવે હિન્દીમાં રિલીઝ થશે, ડાયરેક્ટરે પત્ની સાથે કર્યા દ્વારકાધીશના દર્શન

Laalo: ગુજરાતી સિનેમાના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલી અને બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડનારી ફિલ્મ 'લાલો - શ્રી કૃષ્ણ સદા સહાયતે' હવે રાષ્ટ્રીય સ્તરે ધૂમ મચાવવા માટે તૈયાર છે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Wed, 24 Dec 2025 03:31 PM (IST)Updated: Wed, 24 Dec 2025 03:32 PM (IST)
gujarati-film-laalo-to-release-in-hindi-after-rs-100-crore-success-director-visits-dwarkadhish

Laalo Krishna Sada Sahaayate: ગુજરાતી સિનેમાના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલી અને બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડનારી ફિલ્મ 'લાલો - શ્રી કૃષ્ણ સદા સહાયતે' હવે રાષ્ટ્રીય સ્તરે ધૂમ મચાવવા માટે તૈયાર છે. 100 કરોડના ક્લબમાં સ્થાન મેળવનારી સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ બન્યા બાદ, હવે આ ફિલ્મ હિન્દી ભાષામાં રિલીઝ થવા જઈ રહી છે. આ મહત્વપૂર્ણ અવસર પહેલાં ફિલ્મના ડાયરેક્ટર અંકિત સખીયાએ દેવભૂમિ દ્વારકા પહોંચીને ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

ક્યાં દિવસે 'લાલો' હિન્દીમાં રિલીઝ થશે?

ડાયરેક્ટર અંકિત સખીયાએ પોતાની પત્ની સાથે જગત મંદિરની મુલાકાત લીધી હતી અને ફિલ્મની સફળતા માટે પ્રાર્થના કરી હતી. તેમણે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે આ ફિલ્મ 9 જાન્યુઆરી 2026 ના રોજ હિન્દી ભાષામાં દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. ગુજરાતમાં પ્રચંડ સફળતા મેળવ્યા બાદ હવે હિન્દી દર્શકો પણ આ ફિલ્મનો આનંદ માણી શકશે.

સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી કૃતજ્ઞતા

અંકિત સખીયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર દ્વારકાધીશના દર્શનની તસવીરો શેર કરતા એક ભાવુક પોસ્ટ લખી હતી. તેમણે લખ્યું હતું કે, 'આપણા પરમ આરાધ્ય ભગવાન શ્રી કૃષ્ણની દિવ્ય અને ચમત્કારિક કૃપાથી, 'લાલો - શ્રી કૃષ્ણ સદા સહાયતે' હવે હિન્દીમાં રિલીઝ થવા માટે સજ્જ છે. આગામી 9 જાન્યુઆરી 2026 ના રોજ ફિલ્મ આવી રહી છે ત્યારે અમે આ નવી યાત્રા માટે આપ સૌના પ્રેમ, સમર્થન અને આશીર્વાદની કામના કરીએ છીએ. અમારા હૃદયમાં કૃતજ્ઞતા અને દ્વારકાની પવિત્ર ભૂમિના આશીર્વાદ સાથે, ગુજરાતથી હિન્દી સિનેમા સુધીની અમારી આ સફર અવિરત ચાલુ છે.'