Laalo Box Office Collection Worldwide: વર્ષ 2025 ભારતીય સિનેમા જગત માટે યાદગાર રહ્યું છે. આ વર્ષે 'સૈયરા', 'છાવા' અને 'ધુરંધર' જેવી બિગ બજેટ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ડંકો વગાડ્યો હતો. જોકે, આ તમામની વચ્ચે એક નાનકડી ગુજરાતી ફિલ્મે જે સફળતા મેળવી છે, તેણે ફિલ્મ ઉદ્યોગના પંડિતોને પણ ચોંકાવી દીધા છે.
ગુજરાતી ફિલ્મ 'લાલો: કૃષ્ણ સદા સહાયતે' બોક્સ ઓફિસ પર 2025ની સૌથી મોટી 'સ્લીપર હિટ' સાબિત થઈ છે. માત્ર 50 લાખ રૂપિયાના સામાન્ય બજેટમાં બનેલી આ ફિલ્મે અત્યાર સુધીમાં 120 કરોડ રૂપિયાની જંગી કમાણી કરીને ઇતિહાસ રચ્યો છે. આ સાથે જ તે અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ગુજરાતી ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મે ફરી એકવાર સાબિત કર્યું છે કે ફિલ્મની સફળતા માટે મોટા સ્ટાર્સ નહીં, પરંતુ મજબૂત વાર્તા હોવી જરૂરી છે.
આ પણ વાંચો
આમિર ખાન અને હોલિવૂડ ફિલ્મોના રેકોર્ડ ધ્વસ્ત
રોકાણ સામે મળતા વળતર (Return on Investment) ની દ્રષ્ટિએ 'લાલો'એ નવા કીર્તિમાન સ્થાપિત કર્યા છે. ફિલ્મે આશરે 24,000 ટકા જેટલો અધધ નફો નોંધાવ્યો છે. આ આંકડા સાથે તેણે આમિર ખાનની 'સિક્રેટ સુપરસ્ટાર' અને વર્ષો જૂની હિટ ફિલ્મ 'જય સંતોષી માં'ના રેકોર્ડને પણ પાછળ છોડી દીધા છે.
ઉલ્લેખનીય છે કે, 'સિક્રેટ સુપરસ્ટાર'નું બજેટ 15 કરોડ હતું અને તેણે 900 કરોડનું કલેક્શન કર્યું હતું. જ્યારે 'લાલો'એ તેના સીમિત બજેટ સામે 'સિક્રેટ સુપરસ્ટાર' કરતા ચાર ગણો વધુ નફો રળ્યો છે.
આ સફળતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, જો 'ધુરંધર' જેવી મોટી ફિલ્મે 'લાલો' જેટલો નફો કમાવવો હોય, તો તેણે બોક્સ ઓફિસ પર 30,000 કરોડ રૂપિયાની કમાણી કરવી પડે. આ આંકડો જેમ્સ કેમેરોનની 'અવતાર' અને માર્વેલની 'એન્ડગેમ'ની સંયુક્ત કમાણી કરતા પણ ઘણો મોટો છે.
9 જાન્યુઆરીએ હિન્દીમાં રિલીઝ થશે
ગુજરાતમાં અભૂતપૂર્વ સફળતા મેળવ્યા બાદ, હવે 'લાલો: કૃષ્ણ સદા સહાયતે' રાષ્ટ્રીય સ્તરે ધૂમ મચાવવા તૈયાર છે. નિર્માતાઓએ ફિલ્મને હિન્દીમાં ડબ કરીને રિલીઝ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. આગામી 9 જાન્યુઆરી, 2026ના રોજ આ ફિલ્મ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.
ફિલ્મનું હિન્દી ટ્રેલર હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે અને દર્શકો આ હૃદયસ્પર્શી વાર્તા જોવા માટે ઉત્સુક છે. વિવેચકોનું માનવું છે કે 'વર્ડ ઓફ માઉથ' પબ્લિસિટીના કારણે આ ફિલ્મ હિન્દી બેલ્ટમાં પણ સુપરહિટ સાબિત થઈ શકે છે.
