Laalo Krishna Sada Sahaayate in Australia: વૈશ્વિક સ્તરે ગુજરાતી સિનેમાનો વ્યાપ સતત વધી રહ્યો છે. અંકિત સખીયા દ્વારા દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ 'લાલો - શ્રી કૃષ્ણ સદા સહાયતે' એ ઓસ્ટ્રેલિયાની ધરતી પર એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ફિલ્મને ઓસ્ટ્રેલિયામાં મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદ બદલ મેકર્સ દ્વારા 'થેંક યુ ઓસ્ટ્રેલિયા' પોસ્ટર શેર કરવામાં આવ્યું છે.
ઓસ્ટ્રેલિયામાં રેકોર્ડબ્રેક સફળતા
આ પણ વાંચો
પ્રાઈમ પિક્ચર્સ દ્વારા ઓસ્ટ્રેલિયામાં વાઈડ રિલીઝ કરવામાં આવેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર નવા સમીકરણો માંડ્યા છે. જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડાઓ અનુસાર, આ ફિલ્મ ઓસ્ટ્રેલિયાના 18 થી વધુ શહેરો અને 40 થી વધુ સિનેમાઘરોમાં પ્રદર્શિત કરવામાં આવી હતી. દર્શકોની ભારે માંગને કારણે ફિલ્મના 70 થી વધુ શો યોજવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 15,000 થી વધુ દર્શકોએ સિનેમાઘરોમાં જઈને આ ફિલ્મ નિહાળી છે.
ઓસ્ટ્રેલિયાના ઇતિહાસમાં પ્રથમ ઘટના
પોસ્ટરમાં કરવામાં આવેલા દાવા મુજબ, ઓસ્ટ્રેલિયાના ઇતિહાસમાં 'પ્રાઈવેટ રિલીઝ' (Private Release) કેટેગરીમાં આટલી મોટી સફળતા મેળવનારી અને 15,000 થી વધુ ઓડિયન્સ સુધી પહોંચનારી આ પ્રથમ ફિલ્મ બની છે. આ સિદ્ધિ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે ગૌરવની બાબત છે.
ગુજરાતીઓએ માતૃભાષાની ફિલ્મને વધાવી
'જય વ્યાસ પ્રોડક્શન્સ' અને 'મેનિફેસ્ટ ફિલ્મ્સ'ના બેનર હેઠળ બનેલી આ ફિલ્મનું ઓસ્ટ્રેલિયામાં ડિસ્ટ્રિબ્યુશન 'પ્રાઈમ પિક્ચર્સ' દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મની આ સફળતા દર્શાવે છે કે વિદેશમાં વસતા ગુજરાતીઓ પણ પોતાની માતૃભાષાની ફિલ્મોને વધાવી રહ્યા છે.
