કેન્સર સામેની જંગ જીતી ગુજરાતી અભિનેત્રી મોનલ ગજ્જર: સર્જરી સફળ થયા બાદ ચાહકોને કહી મોટી વાત

મોનલ ગજ્જરે તાજેતરમાં જ સોશિયલ મીડિયા દ્વારા ખુલાસો કર્યો છે કે તેમને પેપિલરી થાઇરોઇડ કેન્સર (Papillary Thyroid Cancer) હોવાનું નિદાન થયું હતું. આ ખબર સામે આવ્યા બાદ તેમના ચાહકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, જોકે રાહતની વાત એ છે કે તેમની સર્જરી સફળ રહી છે અને હાલ તેઓ સ્વસ્થ થઈ રહ્યા છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Fri, 13 Nov 2026 12:56 PM (IST)Updated: Fri, 13 Nov 2026 12:56 PM (IST)
gujarati-actress-monal-gajjar-diagnosed-with-papillary-thyroid-cancer-successful-surgery
મોનલ ગજ્જર

Monal Gajjar: ગુજરાતી, હિન્દી અને દક્ષિણ ભારતીય ફિલ્મ જગતમાં પોતાની અનોખી ઓળખ બનાવી ચૂકેલી લોકપ્રિય અભિનેત્રી અને મોડેલ મોનલ ગજ્જરને લઈને એક મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદની રહેવાસી અને 'બિગ બોસ તેલુગુ' ફેમ મોનલ ગજ્જરે તાજેતરમાં જ સોશિયલ મીડિયા દ્વારા ખુલાસો કર્યો છે કે તેમને પેપિલરી થાઇરોઇડ કેન્સર (Papillary Thyroid Cancer) હોવાનું નિદાન થયું હતું. આ ખબર સામે આવ્યા બાદ તેમના ચાહકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, જોકે રાહતની વાત એ છે કે તેમની સર્જરી સફળ રહી છે અને હાલ તેઓ સ્વસ્થ થઈ રહ્યા છે.

ડોક્ટરોની સલાહ પર કરાવી સર્જરી

મૂળ અમદાવાદની વતની એવી મોનલ ગજ્જરે પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત વર્ષ 2012માં તેલુગુ ફિલ્મ 'સુદીગાડુ'થી કરી હતી. આ ઉપરાંત તેમણે વર્ષ 2021માં સતીશ કૌશિક દ્વારા દિગ્દર્શિત અને ભારતની સરકારી વ્યવસ્થા પર આધારિત હિન્દી ફિલ્મ 'કાગઝ'માં પણ મહત્વપૂર્ણ અભિનય કર્યો હતો. તેલુગુ 'બિગ બોસ સિઝન 4'માં ભાગ લઈને ટેલિવિઝન જગતમાં લોકપ્રિયતા મેળવનાર મોનલે જણાવ્યું કે, નિયમિત તબીબી તપાસ દરમિયાન તેમને આ ગંભીર બીમારી વિશે ખબર પડી હતી.

ડોક્ટરોની કડક સલાહ અને માર્ગદર્શન હેઠળ તેમની સર્જરી (ઓપરેશન) પાર પાડવામાં આવી હતી. મોનલે સોશિયલ મીડિયા પર શેર કર્યું છે કે તેમની સર્જરી સંપૂર્ણપણે સફળ રહી છે અને હાલ તેઓ ડૉક્ટરોની દેખરેખ હેઠળ ઝડપથી રિકવર થઈ રહ્યા છે.

ચાહકો માટે મોનલ ગજ્જરનો મહત્વપૂર્ણ સંદેશ

આ મુશ્કેલ સમયમાં પણ મોનલ ગજ્જરે પોતાના ચાહકો પ્રત્યેની જવાબદારી ભૂલી નથી. તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી ચાહકો સાથે એક અત્યંત મહત્વપૂર્ણ સ્વાસ્થ્ય સંદેશ શેર કર્યો છે. મોનલે તમામ લોકોને અપીલ કરી છે કે, તેઓ પોતાની કરિયર અને અંગત જીવનમાં ગમે તેટલા વ્યસ્ત કેમ ન હોય, પરંતુ ક્યારેય પણ પોતાના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન કરવા જોઈએ અને સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી જોઈએ.

તેમણે ચાહકોને વિનંતી કરી છે કે જો શરીરમાં કોઈપણ પ્રકારના અસામાન્ય લક્ષણો દેખાય, તો તેને હળવાશથી ન લેતા તુરંત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને નિયમિત હેલ્થ ચેકઅપ કરાવવું જોઈએ. આ ઉપરાંત, તેમણે સર્વાઇકલ કેન્સરની રોકથામ માટે 'HPV રસી'ના મહત્વ વિશે પણ લોકોને જાગૃત કર્યા છે. મોનલની આ પોસ્ટ સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર તેમના હજારો ચાહકો અને કલાકારો તેમની ઝડપથી સાજા થવાની કામના કરી રહ્યા છે.